'પોલીસ-આરોગ્ય કર્મી પર હુમલામાં 'ઝીરો ટોલરન્સ'ની કડક કાર્યવાહી સાથે સીધા જેલ ભેગા કરાશે'

'પોલીસ-આરોગ્ય કર્મી પર હુમલામાં 'ઝીરો ટોલરન્સ'ની કડક કાર્યવાહી સાથે સીધા જેલ ભેગા કરાશે'
DGP શિવાનંદ ઝા

તા.16 એપ્રિલ, 2020ના રોજ હુમલો કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની ઉપર ''પાસા'' લાગુ કરીને ચારેયને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની અલગ-અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા

  • Share this:
કોવિડ-19 સામેની લડતમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્કના ઉપયોગની સાથે-સાથે લોકો સ્વયં જવાબદાર બને અને બીજાને પણ જવાબદાર બનાવે તે બાબત ઉપર ભાર મુકતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, કર્ફયુગ્રસ્ત ત્રણ શહેરો - અમદાવાદ, સુરત અને રાજકોટના કેટલાક વિસ્તારો કે જ્યાં હજુપણ કર્ફ્યુંમુક્તિ વખતે લોકો સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરી, બેજવાદારીથી વર્તતા હોવાનું જોવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં આ ત્રણેય શહેરોના કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં કર્ફ્યુ સમયગાળો વધારીને 24 એપ્રિલ, 2020 સવારે 6.00 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, કરફ્યુગ્રસ્ત વિસ્તારોના લોકો સામેથી જ નિયમોનું પાલન કરીને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવે; જેથી પોલીસને તેમની સામે કોઈ કાર્યવાહી કરવાની કે દરમિયાનગીરી કરવાની જરૂર જ ઉત્પન્ન ન થાય. જે સ્થળોએ આંશિક છૂટછાટ આપવામાં આવી છે, તેવા સ્થળોએ ઘણુંખરું લોકો શરતોનું પાલન કરી રહ્યા છે અને કૃષિ કે અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ ઉચિત ઢબે થઇ રહી હોવાનો શ્રી ઝાએ સંતોષ વ્યક્ત કર્યો હતો.



ખાસ કરીને એગ્રિકલચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી(APMC) જેવા સ્થળોએ ક્યાંક-ક્યાંક જાહેર સ્થળોએ જરૂરી તકેદારી જ લેવાતી હોવાનું પોલીસના ધ્યાન ઉપર આવ્યું હોવાનું જણાવતાં શ્રી ઝાએ ઉમેર્યું હતું કે, આ સ્થળોએ પણ સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્કનો ઉપયોગ જરૂરી છે. અહીં વ્યવસ્થાના જરૂરી અમલીકરણ માટે પોલીસ કાર્યરત છે. પોલીસ કંટ્રોલ અને 100 નંબર ઉપર અમને પ્રાપ્ત થયેલી આશરે 100 ફરિયાદના આધારે અમે 65 લોકો સામે ગુના નોંધીને કાર્યવાહી પણ કરી છે.

પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ ઉપર કોઈપણ પ્રકારના હુમલા સાંખી લેવાશે નહિ અને આ અંગે સખત વલણ અખત્યાર કરતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ અત્યંત સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ સામેના હુમલા વિરુદ્ધ ''ઝીરો ટોલરન્સ''ની નીતિ આપનાવીને કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ઉમેર્યું હતું કે, નસવાડી તાલુકામાં પોલીસ ઉપર તા.16 એપ્રિલ, 2020ના રોજ હુમલો કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની ઉપર ''પાસા'' લાગુ કરીને ચારેયને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની અલગ-અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ ઉદાહરણરૂપ કાર્યવાહી કોઈની પણ ઉપર થઇ શકે છે.

રાજ્યમાં કોવિદગ્રસ્ત પોલીસ કર્મચારીઓ વિષે જણાવતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 44 પોલીસ કર્મચારીઓ આ ચેપનો ભોગ બન્યા છે, જે પૈકીના મોટા ભાગના એસિમ્પ્ટોમેટિક છે. વળી, તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ સતત કાર્યરત છે.

અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યુંભંગના ગઈકાલથી આજદિન સુધીમાં અનુક્રમે 135, 114 અને 62 ગુનાઓ નોંધીને ક્રમવાર 163, 131 અને 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં સીસીટીવી મારફત 129 ગુનાઓ નોંધીને 231 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

‌રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી 234 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 7945 ગુના દાખલ કરીને 15,197 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી નેટવર્ક દ્વારા 67 ગુના નોંધીને 67 લોકોની અટકાયત કરતાં આજ સુધીમાં 1335 ગુના નોંધી 2198 લોકોની રાજ્યભરમાંથી અટકાયત કરાઈ છે.

આ જ રીતે, સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે અત્યાર સુધીમાં 386 ગુના દાખલ કરીને 745 આરોપીની અટકાયત કરી છે. આ દરમિયાન સોશ્યલ મીડિયાના 20 એકાઉન્ટ ગત રોજ બ્લોક કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અફવા અને ખોટી માહિતી પ્રસરાવતા 323 એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. વિડીયોગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત અનુક્રમે 55 અને 91 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ANPR દ્વારા આજદિન સુધીમાં 274 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત અત્યાર સુધીમાં 183 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

જો જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા જોઈએ તો, તા.20/04/2020 થી આજ સુધીના કુલ 1760 કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) 705 તથા 373 અન્ય ગુનાઓ(રાયોટીંગ/Disaster Management Actના) અંતર્ગત કુલ 3449 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 1963 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
Published by:News18 Gujarati
First published:April 21, 2020, 17:54 pm

ટૉપ ન્યૂઝ