Home /News /gujarat /જમીન-મકાનનું બજાર મૂલ્ય નક્કી કરતી અરજીઓ ઓનલાઈન સ્વીકારવાનું શરુ, હવે ધક્કા નહીં ખાવા પડે
જમીન-મકાનનું બજાર મૂલ્ય નક્કી કરતી અરજીઓ ઓનલાઈન સ્વીકારવાનું શરુ, હવે ધક્કા નહીં ખાવા પડે
ગુજરાતની જનતા માટે વધુ એક ઓનલાઈન સુવિધા
જમીન-મતાન સહિતની મિલકતોના બજાર મૂલ્યાંકનની અરજીઓ માટે હવે લોકોને સરકારી કચેરીના ધક્કાથી છૂટકારો મળશે. કારણ કે આ માટેની અરજીઓ હવે ઓનલાઈન કરવામાં આવી છે અને અભિપ્રાયની પ્રક્રિયાના નિશ્ચિત દિવસો પણ નક્કી કરવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ ખરીદ-વેચાણના વ્યવહારોમાં જમીન-મકાન સહિતની મિલકતોમાં બજાર કિંમતના મૂલ્યાંકન માટેની અરજી સહિતની તમામ પ્રક્રિયા 15મી માર્ચથી ઓનલાઇન કરવાનો નિર્ણય મહેસૂલ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ પક્ષકારો દ્વારા તેમના દસ્તાવેજ માટે લાગવા પાત્ર સ્ટેમ્પ ડ્યૂટીનો નિર્ણય કરવા માટે સ્વેચ્છાએ અથવા સબરજિસ્ટ્રાર દ્વારા સૂચના મળ્યા પછી અરજી કરવામાં આવે છે. જે દસ્તાવેજમાં મિલકતની બજાર કિંમત નક્કી કરવાની થતી હોય તેમાં અભિપ્રાય આપવાની સત્તા નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રની કચેરીને સોંપવામાં આવે છે. હાલમાં આ પ્રકારનો અભિપ્રાય મેળવવા માટેની અરજી નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યૂટીની કચેરીને મેન્યુઅલી કરવામાં આવે છે. અરજદારોને વારંવાર કચેરીમાં આવવાની જરૂર ન પડે તે માટે ઓનલાઇન એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.
આ નવી જાહેરાત સાથે કેટલીક જોગવાઈઓ પણ કરવામાં આવી છે. જેમાં દસ્તાવેજ પર કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ભરવાપાત્ર થાય છે તે અંગેની મેન્યુઅલ અરજી સ્વીકારાશે નહીં. ઓનલાઇન અરજીનો 2 દિવસમાં સ્વીકાર કે અસ્વીકાર કરી કારણ દર્શાવવાના રહેશે. ફીના ચલણ અરજદારોએ કચેરીમાં મેન્યુઅલ રજૂ કરવાના રહેશે. અરજી અંગે સ્ટેમ્પ છૂટીની ગણતરી કરી અભિપ્રાયની કાર્યવાહી 10 દિવસમાં પૂરી કરવાની રહેશે.
દસ્તાવેજ નોંધણી અધિનિયમ 1958ની કલમ 31 હેઠળ જે સ્ટેમ્પમાં મિલકતની બજાર કિંમત નક્કી કરવાની થતી હોય તેવા દસ્તાવેજમાં મેન્યુઅલીના બદલે ઓનલાઇન અરજી સ્વીકાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના પરિણામે અરજદારોને કલેક્ટર કચેરી રૂબરૂ જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને નિયત સમય મર્યાદામાં અરજીનો નીકાલ પણ ફરજિયાત થશે.
નવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે અંગે ચોથી તારીખથી જ મોડ્યુઅલ પર ટ્રાયલ લેવાનું શરુ કરવામાં આવ્યું હતું. જેમાં સફળતાના અંતે 15મીથી તેનો અમલ શરુ કરવામાં આવ્યો છે.