નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. ગયા વર્ષે વર્લ્ડ કપ (ICC Cricket World Cup) બાદથી તે ક્રિકેટ મેદાન પર પરત નથી ફર્યો. પ્રશંસકોને આશા હતી કે તે આઈપીએલ (IPL 2020)ની સાથે જ ફરી મેદાન પર જોવા મળશે પરંતુ એવું ન થઈ શક્યું. કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ધોનીની મેદાન પર જોવાની અવધિ લંબાઈ ગઈ છે.
ધોની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ નથી એવામાં પ્રશંસકોને એ જાણવાની ઉત્સુક્તા હોય છે કે તે હાલમાં શું કરી રહ્યો છે. ધોનીની પત્ની સાક્ષી સમયાંતરે ધોનીની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે. હાલમાં જ દીકરી જીવાની સાથે ધોનીનો વીડિયો શૅર કર્યો જેમાં ધોનીનો લુક વાયરલ થઈ રહ્યો છે. પ્રશંસકોને લાગે છે કે ધોની વૃદ્ધ થઈ ગયો છે.
ધોની વૃદ્ધ થઈ ગયો છે
આ વીડિયોમાં ધોની ટી-શર્ટ અને પેન્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેના વાળ ખૂબ નાના છે અને તે ફુલ બિયર્ડ લુકમાં જોવા મળી રહ્યો છે. ધોનીની આખી દાઢી સફેદ જોવા મળી રહી છે. પ્રશંસકો તેને જોઈ હેરાન પણ છે અને નિરાશ પણ. તેમને લાગી રહ્યું છે કે ભારતીય ક્રિકેટનો દિગ્ગજ હવે વૃદ્ધ થઈ ગયો છે.
બીજી તરફ, કેટલાક પ્રશંસકોએ કહ્યું કે ભલે ધોની વૃદ્ધ થઈ ગયો પરંતુ તે સિંહ છે જે શિકાર કરવાનું ભૂલ્યો નથી. પ્રશંસકોને આશા છે કે જ્યારે ધોની મેદાન પર પરત ફરશે તો તે ફરી એ જ ફોર્મમાં રમશે.
ધોની આ પહેલા પણ આ લુકમાં જોવા મળી ચૂક્યો છે. તે ભારતીય ટીમ માટે રમતાં સામાન્ય રીતે ક્લીન શેવ્ડ હોય છે પરંતુ 2017માં વિજય હજારે ટ્રોફી રમતી વખતે તે આ લુકમાં જોવા મળ્યો હતો અને લોકોએ તેને ડૈડી બિયર્ડ લુક કહ્યો હતો.