Home /News /gujarat /

છ મહાનગરપાલિકાની ચૂંટણી : શહેરોમાં કોને મળશે સત્તા, આજે મતગણતરી

છ મહાનગરપાલિકાની ચૂંટણી : શહેરોમાં કોને મળશે સત્તા, આજે મતગણતરી

પ્રતિકાત્મક તસવીર

મતગણતરી દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંને કેન્દ્રો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત

    અમદાવાદ : અમદાવાદ સહિત 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોને સત્તા મળશે તેનો નિર્ણય આજે (મંગળવારે) થઈ જશે. અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે. 48 વોર્ડની મતગણતરી માટે કુલ 16 આરઓને જવાબદારી સોંપવામાં આવી છે. દરેક આરઓ ત્રણ ત્રણ વોર્ડની મતગણતરી કરશે. સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવશે અને સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે.

    મતગણતરી દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંને કેન્દ્રો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્ર બહારની તમામ જગ્યાએ સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે. જેના માટે એલ ડી એન્જીનિયરીંગ કોલેજ ખાતે 107 સીસીટીવી અને ગુજરાત કોલેજ ખાતે 90 જેટલા સીસીટીવી લગાવવામાં આવ્યા છે. એક મોનિટરીંગ રૂમ પણ બનાવવામાં આવશે. એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 600 જેટલા પોલીસ જવાનો અને એસઆરપીના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

    રાજ્યની 6 મહાનગર પાલિકામાં સરેરાશ 45.64 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ જામનગર મહાનગર પાલિકામાં 51.85 ટકા તો સૌથી ઓછુ 42.51 ટકા મતદાન અમદાવાદમાં યોજાયું હતું.

    આ પણ વાંચો - અમદાવાદમાં માત્ર 42 ટકા મતદાન માટે મતદારોએ આપ્યા આવા કારણો

    ગુજરાત કોલેજ ખાતે સાબરમતી, ચાંદખેડા, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, દાણીલીમડા, જોધપુર, ઇસનપુર, મણિનગર, વેજલપુર, સરખેજ, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, અમરાઈવાળી, ભાઈપુરા હાટકેશ્વર, ખોખરા, નિકોલ, વિરાટ નગર, ઓઢવ, શાહપુર, શાહીબાગ, અસારવા વગેરે વોર્ડની ગણતરી હાથ ધરવામાં આવશે.

    એલ ડી એન્જીનિયર કોલેજ ખાતે 24 વોર્ડની ગણતરી કરવામાં આવશે. જેમાં થલતેજ, મકતમપુરા, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ, રામોલ,હાથીજણ, સરદારનગર, કુબેરનગર, નરોડા, દરિયાપૂર, ખાડિયા,જમાલપુર, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, બહેરામપુરા , લાંભા, વટવા, પાલડી, વાસણા, નવરંગપુરા, બાપુનગર, સરસપુર -રખિયાલ, ગોમતીપુર વગેરે વોર્ડનો સમાવેશ થાય છે. સુરતમાં મતગણતરી પીપલોદ અને મજૂરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે. જયારે રાજકોટમાં શહેરમાં 6 અલગ-અલગ સેન્ટર પર મત ગણતરી હાથ ધરાશે.

    રાજકોટમાં 6 અલગ-અલગ સ્થળે મતગણતરી હાથ ધરાશે. જેમાં વીરબાઈ મહિલા કોલેજ, એએસ ચૌધરી હાઈસ્કૂલ, એસવી વિરાણી હાઈસ્કૂલ, પીડી માલવિયા કોલેજ, રણછોડદાસજી કોમ્યુનિટી હોલ એમ અલગ-અલગ જગ્યાએ વિવિધ વોર્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે. જામનગરમાં હરિયા કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. સ્ટ્રોન્ગ રૂમ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મત ગણતરી કેન્દ્ર ખાતે CCTV કેમેરા, જરુરી સૂચનાઓ સાથેના સાઇન બોર્ડ, સુવિધાઓ, પારદર્શિતા સાથે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Gujarat municipal elections, Municipal elections, Municipal elections Counting, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन