અમદાવાદ : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (Coronavirus)કાળો કેર વર્તાવી રહ્યો છે. ગુજરાતમાં પણ 87 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સાત લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આવી પરિસ્થિતિમાં અમદાવાદના (Ahmedabad) વૃદ્ધાશ્રમની હાલત ગંભીર છે અમદાવાદના નારણપૂરામાં આવેલાં જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં સફાઈ કરતો સ્ટાફ આવતો નથી, જેને કારણે વડીલોની સારસંભાળ લઈ શકાતી નથી. જેથી વૃદ્ધાશ્રમના સંચાલકો દ્રારા વૃદ્ધોના પરિવારજનોને સમજાવવામાં આવી રહ્યા છે કે થોડા દિવસો માટે તેમને ઘરે લઈ જાવ. જેને કારણે વૃદ્ધાશ્રમમાં રહેતાં 165 વૃદ્ધોમાંથી 70 વડીલોને તેમના પરિવારજનો પોતાના ઘેર લઈ ગયા છે. જ્યારે બીજા પરિવારને પણ વિનંતી કરવામાં આવી રહી છે.
ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતાં જીવનસંધ્યા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી સુકેતુભાઈના જણાવ્યા પ્રમાણે તેમણે તમામનાં પરિવારને ફોન કર્યા છે. કેટલાંક બિમાર હોવાને કારણે સામે ચાલીને વડીલોને લઈ ગયા છે. સફાઈ કર્મચારી સહિતનો સ્ટાફ આવતો ન હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ગયા અઠવાડિયામાં 3 વૃદ્ધોને ઝાડા ઉલટી થઈ ગયા હતા. તેમની સગવડ હાલની પરિસ્થિતિમાં સચવાતી ન હોવાથી એમને કોઇ સમસ્યા ન થાય તેમજ કોઇ બીમારીમાં સપડાવુ ના પડે અને થોડા દિવસ સચવાય જાય તે માટે દરેકના પરિવારજનોને વિનંતી કરવામા આવી રહી છે. સુકેતુભાઈના જણાવ્યા મુજબ અમારા માટે આ વૃદ્ધોની જિંદગી પણ કિંમતી છે પરંતુ હાલની સ્થિતિમાં એમને રાખવા મુશ્કેલ છે.
આ પણ વાંચો - શું 15 એપ્રિલે હટી જશે Lockdown? અરુણાચલના સીએમે કર્યું ટ્વિટ અને પછી હટાવ્યું
જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં જ રહેતા દૂષ્યંતભાઈ ધ્યાનીના કહેવા પ્રમાણે છેલ્લા પાંચેક દિવસથી અમારી પાસે ટ્રસ્ટીના માણસો આવીને જેને સગવડ હોય તેઓ ઘરે જતા રહે તેવી વાત કરતા હતા. ઘણા સમયથી મને પણ એવું હતું કે આ કોરોનાને કારણે ઘરે જાઉં તો સારું. મારે ઘરે પરિવારમાં તો કોઈ નથી પણ હું બે દિવસ પહેલાં અમદાવાદમાં જ રહેતા મારા નાના ભાઈના ઘેર આવી ગયો છું. પરંતુ મારા કરતાં ઘણાં વડીલો એવાં છે. જેમની પરિસ્થિતિ વિકટ બની છે.