Home /News /gujarat /Atal Foot Overbridge: અટલ ફૂટ ઓવરબ્રિજની ટિકિટ મામલે લોકોમાં નારાજગી, 'લોકો માટે જ છે તો પૈસા શેના?'

Atal Foot Overbridge: અટલ ફૂટ ઓવરબ્રિજની ટિકિટ મામલે લોકોમાં નારાજગી, 'લોકો માટે જ છે તો પૈસા શેના?'

અટલ ફૂટ ઓવરબ્રિજની પ્રવેશ કિંમત મામલે લોકોમાં નારાજગી જોવા મળી છે - ફાઇલ તસવીર

Atal Foot Overbridge: અમદાવાદના અટલ ઓવરબ્રિજની ટિકિટ મામલે અમદાવાદીઓ સહિત લોકોમાં નારાજગી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, બ્રિજને અનેક આકર્ષણો માટે લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે અને હવે તંત્રએ તેની પર 30 મિનિટના 30 રૂપિયા ટિકિટ રાખી છે.

વધુ જુઓ ...
  અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસ પહેલાં જ અમદાવાદની સાબરમતી નદી પર અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. ત્યારે મંગળવારે અમદાવાદ જિલ્લા પ્રશાસને ટિકિટના ભાવ જાહેર કર્યા છે. જેમાં બાળકો અને સિનિયર સિટીઝન માટે 15 રૂપિયા અને 12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 30 રૂપિયા રાખવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, આ મામલે કિંમત જાહેર કરતા સાથે જ વિવાદ ચાલુ થઈ ગયો છે. તેટલું જ નહિં, આ બ્રિજ પર 30 મિનિટ કરતાં વધુ સમય થાય તો અલગથી ચાર્જ ચૂકવવો પડશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ માત્ર 30 મિનિટનો જ સમય આપતા લોકોમાં સવાલો ઊભા થયા છે.

  મફતમાં કંઈ ના મળેઃ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન


  SRFDCLના ચેરમેન કેશવ વર્માએ અટલ ફૂટ ઓવરબ્રિજની પ્રવેશ કિંમત મામલે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે આ મામલે કહ્યુ કે, ‘મફતમાં કંઈ મળે નહીં’.

  હવે દુનિયામાં ફૂટ ઓવરબ્રિજના પણ ચાર્જ લેવાય છેઃ SRFDCLના ચેરમેન


  ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં SRFDCLના ચેરમેન કેશવ વર્માએ જણાવ્યુ હતુ કે, ‘હવે દુનિયામાં ફૂટઓવર બ્રિજના ઉપયોગ માટે પણ ચાર્જ લેવામાં આવી રહ્યા છે. જે પુલ જાહેર જનતા માટે જ બનાવ્યો હોય તેના પર ચાલવા માટે જાહેર જનતા પાસેથી જ કેવી રીતે પૈસા લઈ શકાય? મેં આ મામલે અમદાવાદ મહાનગરપાલિકાને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે.’ તો બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યૂટી મ્યુનિ. કમિશનરે કહ્યુ હતુ કે, ‘અમને SRFDCL તરફથી કોઈ પત્ર મળ્યો નથી. અમે ટિકિટના દર ઓછા કરવા જોઈએ કે નહીં તે અંગે વિચારણા કરી રહ્યા છીએ.’

  આ પણ વાંચોઃ વિશાળ માછલી જેવા દેખાતા અટલ બ્રીજની ખાસિયતો 

  ટિકિટના ભાવ તદ્દન ગેરવાજબીઃ શહેરીજન


  આ મામલે અમદાવાદ મિરર સાથેની વાતચીતમાં એક શહેરીજને જણાવ્યુ હતુ કે, ‘લોકો પાસેથી ફૂટ ઓવરબ્રિજના ઉપયોગ માટે 30 રૂપિયા લેવા તે તદ્દન ગેરવાજબી છે.’ તો અન્ય એક વિદ્યાર્થીએ કહ્યુ હતુ કે, ‘હું એક મિડલ ક્લાસ ફેમિલિમાંથી આવું છું. જ્યારે તંત્રએ અનેક આકર્ષણો સાથે પ્રજા માટે આ ફૂટઓવર બ્રિજ બનાવ્યો છે, તો હવે તેના માટે પૈસા વસૂલવા એ બિલકુલ અયોગ્ય છે.’

  ટિકિટ પર ક્યાંય સમયનો ઉલ્લેખ જ નથી!


  ટિકિટના દર જાહેર થતાં જ બુધવારથી ટિકિટ કાઉન્ટરો ઊભા કરી દેવામાં આવ્યા હતા. અટલ ફૂટ ઓવરબ્રિજ પર ટિકિટ લીધા બાદ અંદાજે 800 મીટર સુધી ચાલવું પડે છે. ત્યારબાદ ત્યાં ઊભેલો સિક્યોરિટી ગાર્ડ ટિકિટ પંચ કરે છે. ત્યારથી જ 30 મિનિટ ગણવાની શરૂઆત થાય છે. મહત્ત્વનું છે કે, તંત્રએ પ્રજાને 30 મિનિટ સુધીનો જ સમય આપ્યો છે, પરંતુ ટિકિટ પર ક્યાંય સમયનો ઉલ્લેખ કરવામાં જ નથી આવ્યો. ત્યારે 30 મિનિટ કેવી રીતે ગણવી તે સવાલ ઊભો થયો છે. આ ઉપરાંત બ્રિજ પર ઠેર-ઠેર સ્પીકરો મૂકવામાં આવ્યા છે. જેમાં દર 15 મિનિટે એનાઉન્સ કરવામાં આવે છે કે, તમારો સમય માત્ર 30 મિનિટનો જ છે. જેથી તમે 30 મિનિટ સુધી બ્રિજ નિહાળીને બીજાને મોકો આપો. આ ઉપરાંત ફૂટ ઓવરબ્રિજના પૂર્વ છેડે ક્યાંય શૌચાલયની વ્યવસ્થા જ નથી. તેમને પશ્ચિમ તરફ જવું પડે છે. ત્યારે પશ્ચિમથી પરત આવતી વખતે ફરીવાર ટિકિટ લેવી પડે છે.

  આ પણ વાંચોઃ અટલ બ્રિજ પર હવે જવું પડશે મોંઘુ, જાણો ટિકિટના દર

  વૃદ્ધોને 56 તો બાળકોને 28 મિનિટ જોઈએ


  દિવ્ય ભાસ્કરે તેના ગ્રાઉન્ડ રિપોર્ટમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, બાળકો સાથે આવેલા પરિવારને બ્રિજના એક છેડેથી બીજે છેડે પહોંચવા માટે 28 મિનિટ લાગે છે. ત્યારબાદ ફૂડ કોર્ટમાં નાસ્તો કરવા ઊભી રહે કે ફોટો પડાવવા ઊભા રહે તો દોડવવા પડે તેવી પરિસ્થિતિ થાય છે. યુવાનોને બ્રિજના એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે માત્ર 15 જ મિનિટ લાગે છે. પરંતુ નાસ્તો કે ફોટોગ્રાફી કરવા રોકાય તો ઓછામાં ઓછી 45 મિનિટથી વધુ સમય થઈ જાય છે. સિનિયર સિટિઝનની વાત કરીએ તો, તેમને એક છેડેથી બીજે છેડે જતા 28 મિનિટ લાગે છે અને ત્યાંથી પાછા આવવામાં બીજી 28 મિનિટ થાય છે. આમ, કુલ 56 મિનિટ જેટલો સમય લાગી જાય છે.

  ફોટોગ્રાફી અને નાસ્તો કરવાનો સમય જ નથી ગણ્યો!


  તો હવે આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીએ તો યુવાનોને 15 મિનિટ, બાળકોને 28 મિનિટ તો વૃદ્ધોને 56 મિનિટ બ્રિજ પર જોઈએ. એમાંય ફોટોગ્રાફી કે નાસ્તો કરવા રોકાય તો સમય વધી જાય છે. આમ, અમદાવાદ મહાનગરપાલિકાએ ફૂટ ઓવરબ્રિજ પર પ્રવેશદર રાખ્યાં છે તેની સામે પ્રશ્નો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા એક પરિપત્રમાં અટલ ફૂટઓવરબ્રિજમાં પ્રવેશ કરવા માટેના કિંમતોના દર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પુલ પર 30 મિનિટ માટે 12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 30 રૂપિયા, 3થી 12 વર્ષ અને સિનિયર સિટિઝન માટે 15 રૂપિયા રાખવામાં આવ્યા છે. આ પુલ સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Ahmedabad updates, AMC News, ગુજરાત

  विज्ञापन
  विज्ञापन