રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર કોંગ્રેસે 33 મુદ્દા સાથે સીએમને આવેદનપત્ર આપ્યું, જાણો શું કરી રજુઆત

રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર કોંગ્રેસે 33 મુદ્દા સાથે સીએમને આવેદનપત્ર આપ્યું, જાણો શું કરી રજુઆત
રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર કોંગ્રેસે 33 મુદ્દા સાથે સીએમને આવેદનપત્ર આપ્યું

કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને 33 મુદ્દાઓ સાથે આવેદન આપવામાં આવ્યું

  • Share this:
ગાંધીનગર : કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને 33 મુદ્દાઓ સાથે આવેદન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં કોરોનાની બેકાબુ પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવવા માટે સરકાર તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન, વેન્ટિલેટર, સ્ટાફ ઉપલબ્ધ કરાવે, ટેસ્ટિંગ માટેની કીટ અને લેબોરેટરી વધારે, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની કાયમી ભરતી કરો, એમ્બ્યુલન્સ વધારો, ગરીબ જરૂરિયાત મંદ લોકોને આર્થિક સહાય પેકેજ આપવામાં આવે જેવી વિવિધ પ્રજાના જીવ બચાવવા અને સુખાકારી માટેની માંગણી કરી છે. વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી , પ્રમુખ અમિત ચાવડા , પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી , અર્જૂનભાઇ મોઢવાડિયા અને ઉપ નેતા શૈલેષ પરમારે સીએમ સાથે મુલાકાત કરી હતી.

કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જાહેર કરેલ 33 મુદ્દા- ગ્રામીણ વિસ્તારોમાં દરેક સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પુરતી સંખ્યામાં RT-PCR ટેસ્ટ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા. RT-PCR ટેસ્ટનો દર વધારવા તેમજ પર્યાપ્ત માત્રામાં ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ કરાવવા વિનંતી.

- ગ્રામીણ વિસ્તારોમાં દરેક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વેન્ટિલેટર, આઈસીયુ અને ઓકસીજનની સુવિધા ઉપલબ્ધ કરાવવી.

- ગ્રામીણ વિસ્તારોમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાલીમ તજજ્ઞ મેડીકલ સ્ટાફની ઘટ પુરવી.

- કોરોના માટે સંજીવની સમાન રેમડેસિવીર ઇન્જેક્શન, ફેબીબ્લુ વગેરે દવા સહિત ઓકસિજનનો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવો.

- દરેક તાલુકા કક્ષાએ સિટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ કરાવવી.

- ગ્રામ્ય, તાલુકા, જીલ્લા કક્ષાએ કોરોના માટે જરૂરી ઇન્જેક્શન અને દવાની કાળા બજારી અટકાવવી.

- RT-PCR ટેસ્ટ નેગેટિવ આવે છે પરંતુ હકીકતમાં દર્દીને કોરોનાના લક્ષણો હોય છે તેવા દર્દીઓ માટે ચોક્કસ નીતિ નક્કી કરીને સારવાર ઉપલબ્ધ કરાવવા.

- ગામમાં હોમ આઈસોલેશનની જરૂર હોય ત્યારે ગામના બધા નાગરિકોના ઘરે અલગથી હોમ આઈસોલેશન થઈ શકાય તેવી જગ્યા/મકાન હોતું નથી. તેથી ગામમાં કોઈ નાગરિકોના ઘરે આઈસોલેશનની યોગ્ય જગ્યા ન હોય અને હોમ કવોરન્ટાઇન રાખવું શકય ન હોય જેના કારણે ઘરના એક સભ્ય દ્વારા બીજા સભ્યોને સંક્રમણનો ભોગ ન બને તે માટે ગામની પ્રાથમિક કે માધ્યમિક શાળામાં 15-20 બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવે અને તેની જવાબદારી કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને સોંપવામાં આવે.

આ પણ વાંચો - અમદાવાદ : ફરજને સલામ, લગ્નના ચોથા જ દિવસે ફરજ પર હાજર થઇ લાગી ગયા કોરોના દર્દીની સેવામાં

- હોમ આઈસોલેશન કે શાળામાં આઈસોલેશન વોર્ડમાં રહેતા લોકોને દૈનિક મેડીકલ ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવે અને આવા દર્દીઓને જરૂરી દવાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે.

- ગામમાં કોઈ નાગરીકોને કોરોના સંબંધી આરોગ્યલક્ષી જરૂરીયાત હોઈ તો તાલુકા આરોગ્ય અધિકારી કે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકે તે માટે તેઓના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવે.

- તાલુકા કક્ષાએ કોરોના માટેનો હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવે.

- રાજ્યના તમામ તાલુકામાં PHC અને CHC કેન્દ્રોને સત્વરે દવા, રેમડેસિવીર ઇન્જેક્શન, પુરતી માત્રામાં ઓક્સિજન, ઓક્સિજન માસ્ક, રીબ્રીધીંગ માસ્ક, જમ્બો સિલિન્ડર અને ચાવી તથા પાના સહિતની એસેસરીઝ, ઓક્સીપલ્સ મીટર, ઓક્સીફ્લો મીટર, હ્યુમીડીફાયર, HFNC અને બાઈપેક વેન્ટીલેશનની સુવિધા સહીત સત્વરે કોવીડ કેર સેન્ટરમાં તબદીલ કરવા માટે વિનંતી.

- રાજ્યના તમામ તાલુકા સ્તરે કોવિડ લેબોરેટરી શરુ કરવા તથા RT-PCR તથા ડીડાઈમરની ટેસ્ટીંગ કીટ સત્વરે અને પૂરી માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવે.

- રાજ્યના તમામ તાલુકામાં CHC સંલગ્ન ઓક્સિજનની સુવિધા સહીત ICU એમ્બ્યુલન્સ સત્વરે ઉપલબ્ધ કરાવવામાં આવે.

- રાજ્યના તમામ તાલુકા સ્તરે સ્થિત સરકારી હોસ્પિટલ તેમજ CHC અને PHCમાં ડોક્ટર, પેરા-મેડીકલ સ્ટાફ, લેબોરેટરિયન સહીત વિવિધ સંવર્ગની તમામ ખાલી જગ્યાઓને હંગામી કે કાયમી ધોરણે ભરવાની સત્વરે કાર્યવાહી કરવામાં આવે.

- રાજ્યમાં તમામ તાલુકા સ્તરે કોવિડ કેર સેન્ટરોમાં આયુષ અને અન્ય ઉપચાર વિષયના તજજ્ઞ અથવા અનુભવી ડોકટરોની સહાયક તરીકે સત્વરે નિમણુંક કરવામાં આવે.

- રાજ્યની તમામ ડેઝીગ્નેટેડ તથા નોન-ડેઝીગ્નેટેડ એવી સરકારી અને ખાનગી હોસ્પિટલોને સમાન ધોરણે તમામ પ્રકારના દર્દીઓની સારવાર માટે હંગામી ધોરણે છૂટ આપવામાં આવે તથા કોવિડના દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલોને પણ રેમડેસિવીર અને ટોસીજુબેમ જેવા ઇન્જેકશનો સહીત પર્યાપ્ત માત્રામાં જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.

- રેમડેસિવીર અને ટોસીજુબેમ જેવા જીવન રક્ષક ઇન્જેકશનોની ઉત્પાદક કંપનીઓને સરકારના નિયંત્રણ તળે સ્થાનિક ખુલ્લી બજારમાં સીધું વેચાણ કરવાની મંજુરી આપવામાં આવે.

- રાજ્યમાં ઓક્સિજનના ખાલી સિલિન્ડરનું ઉત્પાદન કરતી દરેક કંપનીઓને સત્વરે લીક્વીડ ઓક્સિજન વાપરવાની મંજુરી સહીત પર્યાપ્ત માત્રામાં જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે.

- રાજ્યમાં ઓક્સિજન વાયુનું ઉત્પાદન કરતા તમામ ખાનગી પ્લાન્ટોના હંગામી ધોરણે સંપૂર્ણ વીજબીલ માફ કરવામાં આવે.

- રાજ્યની હોસ્પિટલોમાં હાલ વારંવાર બનતા આગજનીના બનાવોને રોકવા માટે અતિ-જવલનશીલ એવા લીક્વીડ ઓક્સીજનની 93%+ શુધ્ધતાને ઘટાડી અને માત્ર 85%+ સુધી નિયંત્રિત કરવામાં આવે, જેથી આગજનીના બનાવો ઘટાડી શકાય તેમજ ઓક્સિજનનો વધુ જથ્થો ઉત્પાદિત થાય.

-રાજ્યની સરકારી અને ખાનગી કોવીડ કેર હોસ્પિટલમાં કામ કરનારા વિવિધ સંવર્ગના તમામ કોરોના વોરીયર્સને વિનામુલ્યે સારવાર, વીમાનું રક્ષણ, વિશેષ આર્થિક વળતર તથા આરોગ્ય તકેદારીના ઉચિત પગલાં ભરવામાં આવે.

- રાજ્યની દરેક સરકારી હોસ્પિટલ, PHC તથા CHCમાં તમામ દર્દીઓને વિના વિલંબે દાખલ કરવા તથા તેની યોગ્ય સારવારની ખાતરી આપવામાં આવે.

- રાજ્યના દરેક જીલ્લા તથા તાલુકા સ્તરે RT-PCR તથા HRCT ટેસ્ટની વિનામુલ્યે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.

- રાજ્યમાં હવાઈ, રેલ કે અન્ય પ્રવાસીઓ માટે માત્ર એન્ટીજન ટેસ્ટ ફરજીયાત બનાવી અને હાલ અગ્રતાના ધોરણે અતિ જરૂરીયાતમંદ સારવાર હેઠળના દર્દીઓને RT-PCRનો રિપોર્ટ સત્વરે ઉપલબ્ધ કરાવીએ.

- સમગ્ર રાજ્યમાં કોરોના વિરુધ્ધની લડાઈને વધુ અસરકારક બનાવવા માટે ગ્રામ્ય, તાલુકા, જીલ્લા અને રાજ્યસ્તરે વાઈરલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કો-ઓર્ડીનેશન કમિટીની સત્વરે રચના કરવામાં આવે.

- રાજ્યના 18+ આયુના તમામ લોકોને વિનામુલ્યે રસીકરણનું સરળ અને સુદ્રઢ આયોજન અને તેનું સત્વરે અમલીકરણ કરવામાં આવે, તેમજ 45+ આયુના તમામ લોકોને બીજા તબક્કાની રસી સત્વરે ઉપલબ્ધ કરાવવામાં આવે.

- રાજ્યમાં તમામ જીલ્લા અને તાલુકા સ્તરે RT-PCR, HRCT અને બ્લડ રિપોર્ટ તથા ઓક્સિજન લેવલના આધારે સારવાર માટે હંગામી ધોરણે ઓનલાઈન માર્ગદર્શન કેન્દ્ર શરુ કરવામાં આવે.

- વિદેશમાં MBBSનો અભ્યાસ પૂર્ણ કરી અને પરત આવેલા પરંતુ હાલ MCIની પરીક્ષા/મંજુરી ન મેળવી હોઈ તેવા તમામ ડોકટરોને PHC અને CHC લેવલે હંગામી ધોરણે કામગીરી કરવાની છૂટ આપવામાં આવે.

- રાજ્યમાં મેડીકલ અથવા નર્સિંગના વિવિધ કોર્સમાં પાસ થયેલ પરંતુ હાલ નોકરીથી વંચિત અથવા નિષ્ક્રિય હોઈ તેવા તમામ અનુભવી ડોકટરો અને કુશળ કાર્યકર્તાઓને સત્વરે હંગામી કે કાયમી ધોરણે સરકારી કે ખાનગી કોવિડ કેર સેન્ટરોમાં નિમણુંક આપવામાં આવે.

- રાજ્યમાં કોવિડની અતિગંભીર મહામારી વચ્ચે સરકારી અને ખાનગી તમામ હોસ્પિટલોમાં અને માં-અમૃતમ યોજના હેઠળના તમામ નાના, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વિનામુલ્યે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે.

- રાજ્યમાં કોરોનાની ઘાતક મહામારીથી સામાન્ય માણસને સાવચેત કરવા માટે 1-જાન્યુઆરી, 2021 થી 30-એપ્રિલ, 2021 દરમ્યાન કોરોનાનું સંક્રમણ, કોરોનાની આડઅસર અને કોરોનાથી શંકાસ્પદ રીતે નોંધાયેલા મૃત્યુના સાચા આંકડાઓ સત્વરે જાહેર કરવામાં આવે.

-રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2020-21 દરમ્યાન ધોરણ 10 અને 12 સહીત તમામ વિદ્યાર્થીઓને સર્વગ્રાહી મૂલ્યાંકનના આધારે માસ અથવા મેરીટ બેજ પ્રમોશન આપવું જોઈએ.

ગ્રામ્ય કક્ષાએ કોરોનાની સારવાર ઉપલબ્ધ ન હોવાથી છેક જીલ્લા કક્ષા સુધી સારવાર માટે લાંબુ થવું પડે છે ત્યારે જીલ્લા કક્ષાએ તો પહેલાંથી જ કોરોના દર્દીઓ અને સંખ્યા વધુ હોવાના કારણે જીલ્લા કક્ષાએ પણ જરૂરી પથારી, ઓકસિજન, આઈસીયુ કે વેન્ટીલેટરની સુવિધા ન મળવાથી અંતે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે ગ્રામ્ય કક્ષાએ કોરોના કેસો ખૂબ વધી રહ્યા છે તેવામાં ગ્રામ્ય કક્ષાએ સારવાર અને સુવિધા પૂરી પાડવી રાજ્ય સરકારની જવાબદારી છે ત્યારે ઉપરોક્ત માંગણીઓ અને સૂચનો અન્વયે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી.
Published by:Ashish Goyal
First published:May 05, 2021, 19:11 pm

ટૉપ ન્યૂઝ