Home /News /gujarat /

માસ્ક નહીં પહેરવાની દબંગાઇ સામે સીએમ વિજય રૂપાણીનું ગાંધીગીરીનું સૂચન

માસ્ક નહીં પહેરવાની દબંગાઇ સામે સીએમ વિજય રૂપાણીનું ગાંધીગીરીનું સૂચન

માસ્ક નહીં પહેરવાની દબંગાઇ સામે સીએમ વિજય રૂપાણીનું ગાંધીગીરીનું સૂચન

માસ્ક વગરના લોકોને સજા મામલે આવતા સપ્તાહે સુપ્રીમમાં વધુ સુનાવણી

ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ગુજરાતના નાગરિકો હજુ પણ માસ્ક પહેર્યા વગર જાહેર વિસ્તારોમાં બેરોકટોક ફરી રહ્યા છે.
ત્યારે ગુજરાત હાઇકોર્ટે માસ્ક પહેર્યા વિના ફરતા બેજવાબદાર લોકો સામે કડક વલણ અપનાવવા માટે રાજ્ય સરકારને ટકોર કરી હતી અને માસ્ક નહીં પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સેવા આપવાની સજા કરવાનો નિર્દેશ કર્યો હતો. જોકે આ નિર્ણય સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી અને આ આદેશ પર સુપ્રીમે સ્ટે આપ્યો હતો. હવે આ મુદ્દે સુપ્રીમમાં આગામી સપ્તાહે સુનાવણી થનાર છે. રાજ્ય સરકાર આગામી સપ્તાહે સુપ્રીમમાં આરોગ્ય વિભાગ દ્વારા સૂચવેલા કેટલાક પગલાઓની રજૂઆત કરશે.

આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદનશીલ અભિગમ અપનાવીને માસ્ક નહીં પહેરવાવાળા વ્યક્તિઓ સામે સ્પષ્ટ સૂચના કરી છે કે રાજ્યમાં માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ અને બેદરકારી દાખવી રહેલા લોકો પાસેથી આર્થિક દંડને બદલે તેમને બોધપાઠ મળે તેવી હળવી સજાઓ કરવી. માસ્ક નહીં પહેરવાની દબંગાઇ સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીગીરી નુ સૂચન કર્યું છે. જે વ્યક્તિ માસ્ક વગર પકડાય તો તેને સ્થાનિક પોલીસ માસ્ક જાગૃતિ સ્લોગન સાથેની ટી શર્ટ પહેરાવે તેવું સૂચન કર્યું છે.

આ પણ વાંચો - કેવડીયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં ભવ્ય રાજવી મ્યૂઝિયમ બનશે

આરોગ્ય વિભાગે તૈયાર કરેલ અન્ય સૂચનો ઉપર પણ વિજય રૂપાણીએ ઘનિષ્ઠ ચર્ચા વિચારણા કરી હતી. વૃધ્ધો , બાળકો અને શારીરિક માનસિક વિકલાંગો માસ્ક વગર પકડાય તો માત્ર દંડ વસૂલી છોડી મૂકવાનું સૂચન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ તબક્કે તેમણે એવી પણ તાકીદ કરી હતી કે વૃદ્ધ, વિકલાંગ અને બાળકો સહિત શારીરિક-માનસિક અસ્વસ્થ વ્યક્તિઓને શારીરિક સજાઓમાંથી બાકાત રાખવા. તેઓએ નાગરિકોને માસ્ક પ્રત્યેની બેદરકારી સામે બોધપાઠ મળે તે માટે હળવી સજાઓ સાથેનું લિસ્ટ તૈયાર કરવા માટે તંત્રને સૂચના આપી છે.

જે લિસ્ટ આગામી સપ્તાહે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમા રજૂ કરશે અને ત્યારબાદ સુપ્રીમના દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર માસ્ક વિના ફરતા બેજવાબદાર લોકો પર કાર્યવાહી કરશે.
Published by:Ashish Goyal
First published:

Tags: CM RUPANI, CM Vijay Rupani, Mask, Vijay Rupani

આગામી સમાચાર