CM રુપાણીએ કહ્યું - ગુજરાતમાં 2022 સુધીમાં મહાનગરોના 70 ટકા ગંદા પાણીનો રિયુઝ પુન: ઉપયોગ કરાશે

News18 Gujarati
Updated: December 21, 2019, 8:45 PM IST
CM રુપાણીએ કહ્યું - ગુજરાતમાં 2022 સુધીમાં મહાનગરોના 70 ટકા ગંદા પાણીનો રિયુઝ પુન: ઉપયોગ કરાશે
તસવીર - ટ્વિટર

સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીની સિંચાઇથી ખેડૂતની આવકમાં વર્ષે 80 કરોડનો વધારો થશે - CM રુપાણી

  • Share this:
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોને આહવાન કર્યુ કે, ગુજરાતમાં ચાલુ વર્ષે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો પોતાના બાવડાના બળે વિક્રમજનક કૃષિ ઉત્પાદન કરી દેશને નવી દિશા પૂરી પાડે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં કુદરતની મહેરથી થયેલી શ્રીકાર વર્ષાથી પાણીનું સંકટ દૂર થયું છે. હવે ધરતીપુત્રોએ ઊનાળુ અને શિયાળુ પાકના વિક્રમસર્જક મબલખ ઉત્પાદન કરી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યમાં લીડ લેવાની છે. મુખ્યમંત્રીએ અમદાવાદ શહેરના સ્યુએજના શુદ્ધિકરણ થયેલા પાણીના પૂન:વપરાશ માટે ફતેવાડી કેનાલમાં સિ;ચાઇ હેતુસર આ પાણી આપવાના લોકાર્પણ સમારોહમાં સંબોધન આ વાત કરી હતી.

એક કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના રાજ્યના જળસંપત્તિ વિભાગે સાકાર કરીને 400 MLD શુદ્ધિકરણ થયેલું પાણી અમદાવાદ ગ્રામ્યના દસક્રોઇ, સાણંદ, બાવળા અને ધોળકા તાલુકાના ગામોના ખેડૂતોને સિંચાઇ માટે આપવાની નવતર પહેલ કરી છે. આ પાણીને પરિણામે અંદાજે 12 હજાર હેકટર જમીનને સિંચાઇ સુવિધા મળતી થશે અને ધરતીપુત્રોની કૃષિ આવકમાં 80 કરોડ રુપિયાનો વધારો થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતે જળ પ્રબંધન ક્ષેત્રમાં રિયૂઝ અને રિસાયકલનો અભિગમ અપનાવીને ઉપલબ્ધ જળસ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ થાય તે માટેની કલ્પનાને વાસ્તવમાં સાકાર કરી બતાવી છે. આ પ્રોજેક્ટ તેની સફળતાનું પરિણામ છે. તેમણે પાણીના કરકસરયુકત અને વિવેકપૂર્ણ ઉપયોગની હિમાયત કરતાં ઉમેર્યુ કે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP)ના ઉપયોગ દ્વારા ગુજરાત 2022 સુધીમાં મહાનગરોમાં વપરાયેલા 70 ટકા ગંદા પાણીનો પુન: ઉપયોગ કરશે. એટલું જ નહિ, ગુજરાતમાં દરિયાના ખારા પાણીને મીઠું કરવા માટે 8 ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યાન્વિત કરવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે.

આ પણ વાંચો - Mission paani : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, 'પાણીને ઈશ્વરના પ્રસાદની જેમ વાપરવું જોઈએ'

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ આ વિસ્તારના ખેડૂતો માટે સોનેરી દિવસ છે કારણ કે હવે આ વિસ્તારના ખેડૂતોને બારેમાસ સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રીએ ધરતીપુત્રોને પ્રેરણા આપતાં કહ્યું કે, તમારામાં જગતની ભૂખ ભાગવાની તાકાત છે. આ ઉપલબ્ધ પાણીના કરકસરપૂર્વકના ઉપયોગથી વધુમાં વધુ કૃષિ ઉત્પાદન કરી દુનિયાની ભૂખ ભાંગજો. સરકાર આ માટે પૂરતું પ્રોત્સાહન આપવા તત્પર છે. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના સિંચાઈ વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા અને પાણીના પુન: ઉપયોગ માટે ઈઝરાયેલ જેવી સુદ્રઢ વ્યવસ્થાના નિર્માણનું સૂચન કર્યું હતું.

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકની સુખાકારી માટે ‘નલ સે જલ’ અભિયાન શરુ કર્યું છે અને દેશના નાગરિકને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું સપનું સેવ્યું છે, તેમાં ગુજરાત હરેક ઘરને ટેપ વોટર – પહોચાડી આગેવાની લેશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં જળસંચય અભિયાનને વધુ વ્યાપક બનાવી જળસ્તર – વોટર લેવલ ઊંચુ લાવવાનો સંકલ્પ વ્યકત કરતાં કહ્યું કે, પાણીથી જ વિકાસ શકય છે. તેમણે રાજ્યની વોટર ડેફિસીટ સ્ટેટની છાપ દૂર કરતા હવે રાજ્ય સરકાર રીયુઝ, રીટ્રીટ અને રીસાયકલ ઓફ ટ્રીટેડ વોટરનો અભિગમ અપનાવી દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બની છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. આવું રિટ્રીટ થયેલું પાણી ઊદ્યોગોને વપરાશ માટે આપવા સાથે હવે ખેડૂતોને સિંચાઇ માટે આપવાની ગુજરાતે પહેલ કરી છે તેનો આનંદ તેમણે વ્યકત કર્યો હતો. આ શુદ્ધિકરણ થયેલ પાણી સિંચાઇ માટે અપાતાં ફતેવાડી કેનાલ આધારિત અંદાજે 33 હજાર હેકટર વિસ્તારને બારમાસી સિંચાઇ સુવિધા મળશે તેમ તેમણે ઉમેર્યુ હતું.આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ પ્રસંગ માત્ર અમદાવાદ જિલ્લા માટે નહીં પણ આખા રાજ્ય માટે એક દિશાસૂચક બની રહેશે. આ સંદર્ભમાં શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ફતેહવાડી નહેરમાં અંદાજિત 160 ક્યુસેક પાણીનો પુરક જથ્થો બારેમાસ સિંચાઇ માટે ઉપલબ્ધ થશે. જેનાથી નર્મદા મુખ્ય નહેરના પાણી પરની નિર્ભરતતામાં અંશત ઘટાડો પણ થશે.

આ પ્રસંગે નર્મદા,જળસંપત્તિ અને પાણી-પુરવઠા વિભાગના સચિવ એમ.કે.જાદવ, કલેક્ટર કે.કે.નિરાલા, જિલ્લા વિકાસ અધિકારી મહેશ બાબુ, અમદાવાદના મેયર બીજલબેન પટેલ, કમિશનર વિજય નહેરા, પંચાયતના સભ્યો, ધારાસભ્યો,અમદાવાદ સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમજ ફતેહવાડી નહેર યોજનાના લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
First published: December 21, 2019
વધુ વાંચો
अगली ख़बर