સીએમ વિજય રુપાણીએ વહીવટી તંત્ર પર પકડ મજબૂત કરવા કર્યો આવો નિર્ણય

News18 Gujarati
Updated: March 5, 2020, 9:58 PM IST
સીએમ વિજય રુપાણીએ વહીવટી તંત્ર પર પકડ મજબૂત કરવા કર્યો આવો નિર્ણય
સીએમ વિજય રુપાણી

સોમવારે અને મંગળવારે કોઈ અધિકારી, સચિવ, પ્રધાન ગાંધીનગર છોડી શકશે નહીં અને પોતાની ઓફિસમાં ફરજિયાત હાજર રહેવું પડશે

  • Share this:
ગાંધીનગર : રાજ્યના ચીફ મિનિસ્ટર વિજય રુપાણી વિરુધ્ધ સુનિયોજીત સ્વરુપે થોડા સમયથી કેટલી વાતો વહેતી થઇ છે. જેમકે વહીવટી તંત્ર પર પકડ નથી, અધિકારીઓ સાંભળતા નથી. આઇએએસ મનફાવે તેમ વર્તે છે કોઇને ગાંઠતા નથી. સામાન્ય પ્રજા તો ઠીક પણ ધારાસભ્યોના કામો પણ થતા નથી. આ વાતોની વચ્ચે અન્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં અને છેલ્લે છેલ્લે તો દિલ્હીમાં ભાજપના કરુણ રકાસ જેવી ઘટનાઓએ ગુજરાતના રાજકારણમાં નોંધનીય અસરો છોડી છે.

સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ભાજપ માટે એવું કહેતા હતા કે ભાજપ કભી હારતા નહીં હે, યા તો વોહ જીતતા હૈ યા તો વોહ શીખતા હૈ. દિલ્હીના પરિણામો તેમજ છેલ્લા કેટલાક સમયથી વિવિધ આંદોલનો વચ્ચે અને મુખ્યમંત્રી વિશેની વિવિધ અફવાઓ વચ્ચે ઘેરાયેલી ગુજરાતની ભાજપ સરકાર સ્વર્ગસ્થ વડાપ્રધાનની આ ઉક્તિને સાર્થક કરવા જઇ રહી હોય તેમ લાગે છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સુધારામા વર્ચ્યુંઅલ કલાસિસનો નવતર પ્રયોગ શરુ કરાયો છે. તાત્કાલિક ધોરણે દિલ્હીની માફક મહોલ્લા કલિનિક શરુ કરી દેવાયા છે. મંત્રીઓ અને અધિકારીઓને તેમની કામગીરી સહિત સમય આયોજનના પરિપત્રો પકડાવી દેવાયા છે.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના સંયુકત સચિવ કે.એસ. પ્રજાપતિએ આ સંદર્ભે ન્યુઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સોમવારે અને મંગળવારે કોઈ અધિકારી, સચિવ, પ્રધાન ગાંધીનગર છોડી શકશે નહીં અને પોતાની ઓફિસમાં ફરજિયાત હાજર રહેવું પડશે. સરકારના લોકાભિમુખ વહીવટમાં પ્રજા સાથે સીધો સંપર્ક જાળવીને તેમના કામો થાય, સરકાર વિશે પ્રજા એક સારો મેસેજ લઇને જાય તે માટે મંત્રીઓ અને અધિકારીઓએ બપોરે બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી પ્રજાજનો માટે અનામત સમય રાખવાનો રહેશે.

આ પણ વાંચો - અમદાવાદ : કોરોના વાયરસ સામે તંત્ર સજ્જ, ઉનાળાની ગરમી પણ આશીર્વાદ રૂપ સાબિત થશે

પ્રત્યેક મંગળવારે મંત્રીઓએ પોતાના વિભાગના કામકાજ માટે બપોરના બે વાગ્યા સુધીનો સમય અનામત રાખવો પડશે. તેમજ અનુકુળતા મુજબ પ્રજાજનોને બપોર પહેલા મળી શકશે. મંત્રીઓએ મંગળવારે સચિવો કે અધિકારીઓ સાથે મિટિંગ રાખવાની રહેશે નહીં. બપોરના બે વાગ્યા બાદ સાંજના છ વાગ્યા સુધી મંત્રીઓએ સંસદ સભ્યો, ધારાસભ્યો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખો અને અન્ય મહાનુભાવો માટે પોતાનો સમય અનામત રાખવાનો રહેશે.

દર બુધવારે ગુજરાત કેબિનેટની બેઠક મળતી હોય છે અને મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને સચિવોની બેઠકનુ આયોજન કરવામાં આવતું હોય છે. બુધવારે બપોરના બે વાગ્યા પછીનો સમય વીડિયો કોન્ફરન્સ અને મંત્રીમંડળની પેટા સમિતિઓની તથા મંત્રી કક્ષાની બેઠક માટે અનામત રાખવાનો રહેશે. દર ગુરુવારે મંત્રીઓ અને સચિવો તેમજ ખાતાના વડાઓ સાથે ચર્ચા વિચારણાં કરવા માટેનો સમય અનામત રાખવાનો રહેશે. બપોરના બે વાગ્યા પછી આંતર વિભાગીય બેઠકો રાખવાની રહેશે.શુક્રવાર અને શનિવાર મંત્રીઓના પ્રવાસ માટે છૂટ આપવામાં આવી છે. અને જો મંત્રીઓ પ્રવાસમાં ન હોય તો અધિકારી કક્ષાની બેઠક માટે તે પોતાનો સમય અનામત રાખી શકશે. આ બંન્ને દિવસોએ ગાંધીનગર ખાતે બપોર પછીના કોઇ કાર્યક્રમો અધિકારીઓ અને મંત્રીઓ માટે રખાયા નથી. સરકારે પોતાના પરિપત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સોમ અને મંગળવારે મંત્રીઓ અને અધિકારીઓએ તથા ખાતાં અને કચેરીના વડાઓએ તેમની કચેરીમાં અચૂક હાજરી આપવાની રહેશે. આ દિવસોએ કોઈ બેઠક તથા અપીલની સુનાવણી હાથ ધરવાની રહેશે નહીં. જો બેઠક રાખવાનું અતિ જરુરી જણાય તો યોગ્ય કક્ષાએ ખાસ પરવાનગી મેળવી મિટિંગ રાખી શકાશે.

જો કોઈ ખાતાના વડા કે તેમના નિયંત્રણ હેઠળની અન્ય કચેરીના વડાઓ સાથે કોઈ બેઠક યોજવાની હોય કે પ્રશ્નની ચર્ચા માટે તેને રુબરુ બોલાવાની જરુર હોય તો આવા અધિકારીને સચિવાલયમાં અઠવાડિયામાં એક દિવસથી વધારે આવવાની કે રોકાવાની જરુર ન પડે તે મુજબ આયોજન ગોઠવવાની સૂચના આપવામાં આવી છે. સંસદ સભ્યો,ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો, મેયર કે નગરપતિ જયારે સરકારી અધિકારીઓનો કચેરી સમય દરમ્યાન ઓફિસના લેન્ડલાઇન પર ફોન કરીને સંપર્ક સાધે અને તે સમયે જે તે અધિકારી ઉપસ્થિત ન હોય અથવા તો મિટિંગમાં કે અન્ય રીતે વ્યસ્ત હોય અને ફોનમાં વાત ન કરી શકે તેવી સ્થિતિમાં હોય તો આવા અધિકારી જયારે કચેરીમાં પરત ફરે અથવા તો વ્યસ્તતામાંથી છુટા થાય ત્યારે તુરત જ આવા ચૂંટાયેલા અધિકારીઓને સામેથી ફોન કરવાનો રહેશે. અધિકારીની ગેરહાજરીમાં ફોન ઉપાડનાર કર્મચારી ખાસ કરીને અધિકારીના અંગત મદદનીશ કે સચિવ ફોનની નોંધ કરી તેની યાદી રાખશે અને જે તે અધિકારી કચેરીમાં આવે કે તરત જ તેમના ધ્યાન પર આ નોંધની યાદી મૂકવાની રહેશે.
First published: March 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading