ગાંધીનગર : સીએમ વિજય રૂપાણીએ આજે ફેસબુકના માધ્યમથી જાહેર જનતાને રસીકરણ મુદુદે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જે રીતે ગુજરાત રસીકરણના અગાઉના તબક્કાઓમાં દેશમાં અગ્રેસર રહ્યું છે તે જ રીતે આ રસીકરણ અભિયાનમાં પણ ઉત્સાહપૂર્વક જોડાઈને દેશના ટોપ સ્ટેટ્સમાં સ્થાન મેળવવાનો આપણો સંકલ્પ છે.
વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રંટલાઈન વર્કર તેમજ 45થી વધુની વયના નાગરિકો મળીને 1 કરોડ 20 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે. આમાં 95.64 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ પણ અપાઈ ગયો છે. દેશભરમાં હવે 18 થી વધુની વયના લોકો માટે 1લી મે પછી કોરોના રસીકરણનો જે તબક્કો શરુ થવાનો છે તેમાં જે લોકો સરકારી રસીકરણ કેન્દ્ર પર રસી લેવા આવે તેમને વિના મૂલ્યે રસી અપાશે.
તેમણે કહ્યું કે 28 એપ્રિલથી આ રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જે પ્રક્રિયા શરુ થઇ તેમાં પણ રાજ્યના 18થી વધુ વયના લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન શરુ કરાવ્યું છે. રાજ્ય સરકારે અગાઉ આ રસીકરણ માટે જે દોઢ કરોડ રસીના ડોઝનો ઓર્ડર આપેલો તેમાં હવે વધુ 1 કરોડનો વધારો કર્યા છે. આ હેતુસર પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ વેક્સિનના 2 કરોડ ડોઝ અને હૈદરાબાદની ભારત બયોટેકની કોવેક્સિનના 50 લાખ ડોઝ રાજ્ય સરકાર મેળવશે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે કહ્યું કે ગુજરાતમાં રસીકરણનો આ કાર્યક્રમ પ્લાનિંગ ઈન ડીટેઇલ પ્લાનિંગ ઈન એડવાન્સ એમ સુઆયોજિત ઢબે કેન્દ્ર સરકારના દિશા નિર્દેશનમાં આગળ વધારવામાં આવશે. તેમણે રાજ્યના 18થી વધુની વયના સૌ યુવા સાથીઓને અપીલ કરી કે તેઓ ઝડપથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવે અને આગામી 15 દિવસોમાં જ્યારે વેક્સિન ઉપલબ્ધ થાય અને પોતાનો વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લઇ કોરોના સામે સુરક્ષિત બને.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર