Home /News /gujarat /

રાજ્યની પાણીની સમસ્યાનો સુખદ અંત : મુખ્યમંત્રીએ આજે વોટરપાર્કનુ ઉદ્ઘાટન કર્યું

રાજ્યની પાણીની સમસ્યાનો સુખદ અંત : મુખ્યમંત્રીએ આજે વોટરપાર્કનુ ઉદ્ઘાટન કર્યું

આ કાર્યક્રમમાં જાણીતી ગાયિકા નેહા કક્કર અને ટેલિવિઝનની જાણીતી કલાકાર જેનિફર વિન્ગેટ પણ હાજર રહેશે

આ કાર્યક્રમમાં જાણીતી ગાયિકા નેહા કક્કર અને ટેલિવિઝનની જાણીતી કલાકાર જેનિફર વિન્ગેટ પણ હાજર રહેશે

  અમદાવાદ : છેલ્લી માહિતી અનુસાર અમારા આણંદ ખાતેના સંવાદદાતા એ બાબતની પુષ્ટિ કરે છે કે, આજે 8 એપ્રિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ્દ (હવે મરદ તો કોઈ રહ્યા નથી!) હસ્તે આણંદના વાલવોડ ખાતે મહીસાગર નદીના કાંઠે નિર્માણ પામેલા દેશના સૌથી મોટા વોટર અને એડવેન્ચર પાર્કનું લોકાર્પણ થયું. આ કાર્યક્રમમાં જાણીતી ગાયિકા નેહા કક્કર અને ટેલિવિઝનની જાણીતી કલાકાર જેનિફર વિન્ગેટ પણ હાજર રહ્યા.

  "ધ એન્જોય સિટી"ના ચેરમેન રાજેશ ગોંડલીયા કહે છે કે, " આ ભારતનો સૌથી મોટો આ વોટરપાર્ક બની રહેશે. લોકોને નજીકમાં મનોરંજન માટેનો વિકલ્પ મળે અને લોકો પરિવાર સાથે દૂરદૂર ન જાય તે અમારો પહેલો આશય છે. વોટરપાર્ક જયારે બને ત્યારે પાણીના વેડફાટનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે; પરંતુ અમે પાણીનો બગાડ નહિ કરતા વોટરપાર્કમાં વપરાયેલા પાણીને સુએઝ ટ્રીટમેન્ટ થકી શુદ્ધ કરી તેનો ઉપીયોગ વૃક્ષો અને બગીચાઓની પિયત માટે કરીશું."

  આ વોટરપાર્ક સંચાલકોનો એવો સુજ્ઞ દાવો છે કે, આ વોટરપાર્કના નિર્માણથી આણંદ જિલ્લાના 2000 ઉપરાંત યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવશે. સમગ્ર વોટરપાર્કમાં ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજું ઘણું બધું...!

  ખરેખર, "ધ એન્જોય સિટી"સરકારની રોજગાર, શહેરીવિકાસ, ડિજિટાઇઝેશન જેવી કેટલી બધી યોજનાઓને એકસાથે પુરી કરે છે, એ જોયું'ને ! 'ધ એન્જોય વોટરપાર્ક'નો દાવો છે કે તેમનો વોટર પાર્ક દેશનો સૌથી વિશાળ વોટરપાર્ક છે. જો આ સત્ય હોય તો આ વોટરપાર્કને ચલાવનારા પાણી લાવશે ક્યાંથી ? મહીસાગરમાંથી ? મહીસાગરની કેનાલમાંથી ? બોરથી ? કે પછી ગાંધીનગરથી ? આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી. હા, એ બાબતની તેમણે સ્પષ્ટતા કરી છે કે, સુએઝ ટ્રીટમેન્ટ દ્વારા વપરાયેલા પાણીનું શુદ્ધિકરણ થશે. જબરું ભૈ !

  પ્રજા પીડાઈ રહી છે ત્યારે લોકો અહીં મોજમજા કરવા આવશે ? હજારો લિટર પાણી વેડફશે ? સરકારનો વડો ખુદ ત્યાં હાજર રહ્યો એટલે સ્વાભાવિક જ સરકારના આશીર્વાદ આ વોટરપાર્કના પ્રમોટર્સ ઉપર હશે જ ! આ વોટરપાર્કના ઉદ્ઘાટન માટે આણંદ, વડોદરા, અમદાવાદ અને ધોરીમાર્ગ ઉપર હોર્ડિંગ્સ હજુ પણ યથાવત છે.

  આ પરિસ્થિતિમાં મુખ્યમંત્રીનું ત્યાં જવું બહુ લજ્જા ભર્યુ છે. આ પૂર્વે "ન્યૂઝ18 ગુજરાતી" દ્વારા ચિંતા વ્યકત કરતા લખવામાં આવ્યું હતું કે : આ ગુજરાતના પ્રજાજનોની કમનસીબી નહિ તો બીજું શું ? પ્રજા પાણી માટે વલખાં મારે છે' ને પ્રજાનો પ્રતિનિધિ પ્રદેશની આબરૂનો "પાણીઢોળ" કરવા આઠમી એપ્રિલે દેશના કથિત "લાર્જેસ્ટ વોટર પાર્ક"માં ધુબાકા મારવા જશે !

  મિત્રો, હવે કોઈ સમસ્યા રહેવાની નથી. આ અગાઉ બીજેપીના સૌરાષ્ટ્રના એક સાંસદે વોટરપાર્કનુ ઉદ્ઘાટન કરવા માટે કપડાં કાઢીને પાણીમાં ધુબાકો માર્યો હતો. હવે આપણા મુખ્યમંત્રી આ માર્ગે અગ્રેસર થયા. યાદ રાખજો, જેવો મુખ્યમંત્રીએ વોટરપાર્કના પાણીને સ્પર્શ કર્યો કે તુરંત રાજ્યના સંખ્યાબંધ વિસ્તારો માં પીડિત પ્રજાજનો જ્યાં વીરડા ગાળી, ટેન્કરથી કે લાંબો પંથ કાપીને પાણી મેળવે છે; દિવસનો અડધો ભાગ પ્રજા પાણીને શોધવા રીતસરની વલખાં મારે છે તે સૌની પાણીની સમસ્યાનો અંત આવી ગયો. સહુ સારા વાનાં થશે. લોકો પાણી-પાણી થઇ જશે. પ્રજા ‘પાણી વગરની’ છે તે સરકાર વર્ષોથી સાબિત કરતી આવી જ છે. વધુ એક વખત આવું થશે ? પ્રજા નક્કી કરે. હજુ પણ સમય છે, કાશ ભગવાન આપણા રૂ-પાણી સાહેબને સદબુદ્ધિ અર્પે !!
  Published by:sanjay kachot
  First published:

  Tags: Anand, Rupani, The Enjoy City, Valvod, Water Crisis, Water park, સીએમ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन