રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : જમ્મુ કાશ્મીરમાં દેશની સુરક્ષામાં રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવીરા ગામના જવાન રઘુભાઈ બાવળીયા ફરજ દરમિયાન ગોળી વાગતાં શહીદ થયાં છે. આ સમાચાર સાંભળીને પરિવાર સહિત સમગ્ર પંથક શોકમાં ગરકાવ થઈ ગયા છે. જમ્મુ કાશ્મીરમાં દુશ્મનો સામે લડતાં લડતાં રઘુભાઈને ગોળી વાગતાં શહીદ થયાં છે. ગુરુવારે આ જવાનનો નશ્વરદેહ તેમના વતનમાં લાવવામાં આવશે. ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઝાલાવાડ પંથકના અનેક યુવકો દેશની સરહદે ફરજ બજાવે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિજય રૂપાણીએ ટ્વિટ કર્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં માતૃભૂમિની રક્ષા કરતા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા શહીદ થતા દુ:ખી હૃદય સાથે અશ્રુપૂરિત શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દેશ માટે બલિદાન આપનાર આ વીર જવાનના આપણે સર્વે હંમેશા ઋણી રહીશું. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અને પરિજનોને શક્તિ અર્પે. ૐ શાંતિ...
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અમિત ચાવડાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે શહાદતને સલામ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામના વતની, વીર જવાન રઘુભાઈ બાવળિયા જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા, માં ભોમની રક્ષાકાજે શહીદ થયા છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે..
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર