ગાંધીનગર : ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોના હિતમાં કપાસની ટેકાના ભાવે ખરીદી સીસીઆઇ મારફત સત્વરે કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય કાપડ મંત્રીને રજૂઆત કરી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગે વિગતો આપતા કહ્યું કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કપાસનું વાવેતર થતું હોય છે ત્યારે ખેડૂતોનો ઉત્પાદિત માલ સત્વરે વેચાય તો લોકડાઉનની આ પરિસ્થિતિમાં ખેડૂતોને સહાયરૂપ થઇ શકાય એ માટે આ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં કાર્યરત સીસીઆઇના કેન્દ્રો દ્વારા આ ખરીદીની પ્રક્રિયા સત્વરે ગોઠવાય તે માટે પણ મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે.
સચિવ અશ્વિનીકુમારે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે ટેકાના ભાવે કરેલ ખરીદીની વિગતો આપતાં જણાવ્યું હતું કે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ખેડૂતોને લોકડાઉનની સ્થિતિમાં પણ તેમના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સતત ચિંતા કરીને સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે જેના ભાગરૂપે 15 એપ્રિલથી અત્યાર સુધીમાં રાજયમાં ગુજકોમાસોલ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. અને સીસીઆઇના મારફતે કપાસની ખૂબ જ મોટા પ્રમાણમાં રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. જેમાં ખેડૂતો પાસેથી 27 એપ્રિલથી અત્યાર સુધીમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા કુલ 26.42 કરોડરુ પિયાના 13,722 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. જ્યારે 1 મે થી અત્યાર સુધીમાં આશરે 20 કરોડ રુપિયાથી વધુ કિંમતની 3383 મે.ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે. ગુજકોમાસોલ દ્વારા તા. 1 મે થી અત્યાર સુધીમાં 119 કરોડ રુપિયાના કિંમતના 24,370 મે.ટન ચણાની ખરીદી કરવામાં આવી છે. જ્યારે 17 કરોડ રુપિયાની કિંમતના 3757 મે.ટન રાયડાની પણ ખરીદી કરીને ખેડૂતોનો પોષણક્ષમ ભાવ આપ્યો છે.
આ પણ વાંચો - નાણા મંત્રીએ કહ્યું - કાર્ડ વગરના પ્રવાસી મજૂરો માટે આગામી બે મહિના સુધી રાશન મફત
મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું હતું કે, હાલમાં રાજ્યમાં કુલ-127માર્કેટયાર્ડ કાર્યરત છે જેના માધ્યમથી રાજ્યના ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં કુલ-40 લાખ ક્વિન્ટલ અનાજની ખરીદી કરવામાં આવી છે. જેમાં 13 લાખ ક્વિન્ટલ ઘઉં, 9.5 લાખ ક્વિન્ટલ એરંડા, 2 લાખ ક્વિન્ટલ રાયડો, 1.60 લાખ ક્વિન્ટલ ચણા, 1.90 લાખ ક્વિન્ટલ કપાસ, 82,000 ક્વિન્ટલ મગફળી જ્યારે 37,442 ક્વિન્ટલ તમાકુનો સમાવેશ થાય છે.
આ તમામ ખરીદી વખતે માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને SMSના માધ્યમથી જાણ કરીને માસ્ક સાથે સંપૂર્ણ સામાજિક અંતર જાળવીને આ ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. લોકડાઉનની સ્થિતિમાં પણ રાજ્ય સરકારે ધરતીપુત્રો પાસેથી તેમની જણસ ટેકાના ભાવે ખરીદીને તેમનું પુરતું વળતર આપ્યું છે.