Home /News /gujarat /

અનલૉક-1માં સંક્રમણથી બચવા કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડી

અનલૉક-1માં સંક્રમણથી બચવા કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડી

પ્રતિકાત્મક તસવીર

અનલોક-1 માં કેન્દ્ર સરકાર દ્વારા અનેક છૂટછાટ આપવમાં આવી છે

અનલોક-1 માં કેન્દ્ર સરકાર દ્વારા અનેક છૂટછાટ આપવમાં આવી છે. ત્યારે COVID-19 સંક્રમણથી બચવા અંગેની માર્ગદર્શિકા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામા આવી છે. જેનું પાલન દરેક રાજ્ય સરકારે કરવું પડશે. ગાઈડલાઈનને ધ્યાને લઈ COVID-19 ના સંક્રમણથી બચવા માટે ગુજરાતની રાજ્ય સરકારે એક માર્ગદર્શિકા ગુજરાતીમાં તૈયાર કરવામાં આવી છે. જેમાં આપણા જિલ્લા, તાલુકા, તમામ શહેરી વિસ્તાર (મ્યુનિ. કોર્પો.) અને ગ્રામ્ય વિસ્તારમાં તમામ લોકો સુધી બહોળી રીતે પહોંચાડવામા આવે, જેથી વધુમાં વધુ લોકો ઉક્ત માર્ગદર્શિકાનું પાલન કરી, કોરોનાના સંક્રમણથી પોતાને અને આખા સમાજને બચાવવામાં પોતાનો ફાળો આપે તેવી અપીલ કરવામાં આવી છે.

1. બજારમાં ખરીદી કરવા જતી વેળાએ લેવાની થતી કાળજીઓમાં હંમેશા માસ્ક/રૂમાલ દુપટ્ટાથી મો તથા નાક બરાબર ઢાંકીને જ ઘરની બહાર નીકળો. બહાર પહેરવાના પગરખાં/ સ્લીપર ચપ્પલ જુદા રાખો, તે ઘરની બહાર જ રાખો. દુકાનદાર કે અન્ય કોઇપણ વ્યકિત સાથે 6 ફૂટ જેટલું અંતર રાખો. ઘરની બહાર કોઈપણ વસ્તુઓને બિનજરૂરી સ્પર્શ કરવું કે અડકવું નહી. ઘરની બહાર હોઈએ ત્યારે ચહેરા ને હાથ વડે અડકવું નહી. ઘરની બહાર જઈએ ત્યારે નાનું (70 ટકા આલ્કોહોલ યુક્ત) સેનીટાઈઝર હંમેશા સાથે રાખો અને કોઈપણ શંકાસ્પદ ચીજવસ્તુને અડી ગયા હોય તેવું લાગતા સેનીટાઈઝર વડે હાથ સાફ કરી લો. ખરીદ કરેલ વસ્તુઓ શરીરથી દૂર રાખો. પ્લાસ્ટિક બાસ્કેટ/ડોલ સાથે રાખી શકાય તો ઉત્તમ, કે જેથી ખરીદેલ વસ્તુને અડક્યા સિવાય સીધા તેની અંદર જ મૂકી દેવાય. જો તમારે ATM માંથી પૈસા ઉપાડવા હોય તો તેના કી–બોર્ડને પહેલા સેનિટાઈઝ કરો અને ATM કાર્ડને પણ ઉપયોગ બાદ સેનેટાઈઝ કરો. બિનજરૂરી બહાર જવાનું ટાળો. જો તમને શરદી કે ખાંસી ન હોય તો, ઘરમાં માસ્ક/રૂમાલ દુપટ્ટાથી મોં તથા નાક ઢાંકી રાખવું જરૂરી નથી.

2. બજારમાં નાણાકીય વ્યવહાર બાબતે લેવાની થતી કાળજીઓ. ચલણી નોટો, સિક્કાથી કોરોના વાયરસ ફેલાય શકે છે. નોટ, સિકકાની લેતી દેતી ટાળો બને ત્યાં સુધી ઈલેકટ્રોનીક પદ્ધતિથી (પે-ટીએમ એ૫) નાણાકીય વ્યવહાર કરો. જી-એપ, ભીમ એપ, કે તમારી બેંકની જે ખરીદી કરવાની હોય તેટલા પુરી રકમની ચલણી નોટથી જ ખરીદી કરી, બને તો દુકાનદાર પાસેથી ચલણી નોટો-સિક્કા પરત લેવાનું ટાળો. જો ચલણી નોટ લેવાનો પ્રસંગ થાય તો તે હાથ માં જ રાખી, ઘરે આવી, નીચે રાખેલ નોટની બંને બાજુ ઉપર ઈસ્ત્રી ફેરવી જંતુમુક્ત કરવાની ઘરના અન્ય સદસ્યને જણાવો. ચલણી સિકકાને (70 ટકા આલ્કોહોલ વાળું) સેનીટાઈઝર, સાબુ પાણીથી સાફ કરો. તે બાદ તમારા બંને હાથોને સાબુ અને પાણીથી બરાબર રીતે સાફ કરો.

3. જાહેર સ્થળોએ લિફ્ટ-દાદરાઓનો ઉપયોગ કરતી વખતે લેવાની કાળજીઓ. જાહેર સ્થળો એ લિફ્ટનો ઉપયોગ ટાળો. શક્ય હોય ત્યાં સુધી દાદરાનો ઉપયોગ કરો. દાદરા-સીડી ચડતી વેળા, રેલીંગ-કઠેડાનો સ્પર્શ ના કરવો. લિફ્ટનો ઉપયોગ અનિવાર્ય હોય ત્યારે, લિફ્ટમાં બટનને સીધું સ્પર્શ કર્યા વિના, આંગળી ઉપર ટીસ્યુ પેપર કે કાગળ રાખી બટન દબાવો. ઉપયોગે લીધેલ ટીસ્યુ પેપર કે કાગળ લિફ્ટમાંથી બહાર નીકળ્યા બાદ તુરંત જ કચરા પેટીમાં નાખી દો. લિફ્ટમાં અંદર દીવાલને અડવું નહિ. લિફ્ટમાં સાથેના અન્ય લોકોથી સલામત અંતર જાળવો.

4. ઘરે પરત ફરતી વેળાએ લેવાની થતી કાળજીઓ. બહારથી લાવેલ માલ-સમાન, નિશ્ચિત કરેલ જગ્યા (ટેબલ-કે બોક્ષ) ઉપર જ મુકો. સીધા બાથરૂમમાં જઈ હાથ અને મોં સાબુ અને પાણીથી (ઓછામાં ઓછુ વીસ સેકંડ) સુધી બરાબર રીતે ધોવા. કપડા, ડિટરજન્ટવાળા પાણીમાં બોળી દો. જો બહુ ભીડ વાળી જગ્યાએ ગયા હોવ તો સાબુથી શરીરને ઘસીને સ્નાન કરવું. બહાર ઉપયોગે લીધેલ સ્લીપર, ડીટરજન્ટવાળા પાણીમાં નાખી સાફ કરવા.

5. ઘરે મુલાકાતીઓ આવે તે વેળાએ લેવાની થતી કાળજીઓ. પ્લમ્બર, ઈલેક્ટ્રીશિયન, ઘરકામવાળા વગેરે કોઈ પણ આવે ત્યારે તેને તાવ કે શરદી, ખાંસી, હાંફ વગેરે ન હોય તો જ ઘરમાં પ્રવેશ આપવો. મુલાકાતીના હાથ સેનિટાઈઝ કરવા-સાબુથી હાથ ધોવા કહેવું. તે કામ સિવાયની કોઈપણ ચીજ-વસ્તુને ન સ્પર્શે તે માટે તેને જણાવવું. જે વસ્તુને સ્પર્શ કર્યો હોય તે તમામને સેનિટાઈઝ અથવા સાબુ પાણીથી સાફ કરવા.

6. ઘરને સ્વચ્છ ચેપ મુકત રાખવા માટે લેવાની થતી કાળજીઓ. ઘરની ફર્શ દરરોજ 2% ડીટરજન્ટ અથવા પ્રવાહીથી પોતું કરી સ્વચ્છ રાખવું. 0.2 % લાઇઝોલા ડેટોલ , કે 3% સેવલોન ઘરના મુખ્ય દરવાજાના હેન્ડલ, ડોરબેલ દિવસમાં ઓછામાં ઓછા બે વાર સેનિટાઇઝ કરવા.

7. રસોઈ-સામગ્રી અને રસોઈ ઘરને સ્વચ્છ ચેપ-મુકત રાખવા માટે લેવાની થતી કાળજીઓ. રસોઈ વાસણ સામગ્રીને વાસણ ઘસવાના સાબુ પ્રવાહી થી ધોઈ સ્વચ્છ રાખવા.

8. હાથ, સ્વચ્છ, ચેપ-મુકત રાખવા માટે લેવાની થતી કાળજીઓ. હાથ અને મોં સાબુ અને પાણીથી (ઓછામાં ઓછું) 20સેકંડ સુધી બરાબર રીતે ધોઓ. હથેળી, કાંડુ અને આંગળીઓ અને તેની વચ્ચેની જગ્યા, નખ બધું સાબુ પાણી વડે બરાબર રીતે ધોઓ. 70 ટકા આલ્કોહોલ યુક્ત સેનીટાઈઝરથી પણ હાથ સ્વચ્છ રાખી શકાય.

9. શાકભાજી તેમજ ફળોને સ્વચ્છ, ચેપ-મુકત રાખવા માટે લેવાની થતી કાળજીઓ. પ્રવર્તમાન સંજોગોમાં, ફળો-શાકભાજી ઉપયોગમાં લેતા પહેલાં, સુવ્યવસ્થિત રીતે સ્વચ્છ કરવા જરૂરી છે. શાકભાજીના પ્રકાર ધ્યાને લેતાં, તેને હુંફાળા ગરમ પાણીમાં ખાવાનો સોડા નાંખી અથવા સાબુના પાણીમાં (જે યોગ્ય હોય તે મુજબ) નાખી, બરાબર ઘસી સાફ કરવું. ઉપર મુજબ ધોયેલા શાકભાજી, ફળો તે બાદ નળ સાદા પાણી નીચે ચોખ્ખાં સાફ કરવા, તે બાદ જ તેને રેફ્રિજરેટર સાચવણી માટે મુકવા

10. દૂધ સાચવવા સ્વચ્છ, ચેપ-મુકત રાખવા માટે લેવાની થતી કાળજીઓ. દૂધની કોથળી સાબુ પાણી-ડીટરજન્ટવાળા પાણીથી બરાબર સ્વચ્છ કરો. તે પછી દૂધની કોથળી નળના સાદા પાણીથી સાફ કરો. તે બાદ જ કોથળીમાંથી દૂધ તપેલીમાં લઇ, ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો. જો તમે દૂધવાળા પાસે થી છૂટક દૂધ લેતા હોય તો દૂધ વાસણમાં લેતી વેળા સલામત અંતર જાળવો. તે બાદ તુરંત જ દૂધ ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો.

11. ખાદ્ય પદાર્થો સ્વચ્છ, ચેપ-મુકત રાખવા માટે લેવાની થતી કાળજીઓ. પાણી વડે સાફ ન કરી શકાય તેવા બહારથી લાવેલ ખાદ્ય પદાર્થો ખાસ સુરક્ષિત અલાયદી જગ્યામાં 72કલાક સુધી રાખી મુકો. પ્રવર્તમાન સંજોગોમાં દૂધમાંથી બનાવેલી કોઈપણ વાનગી, વ્યંજન-સામગ્રી કે તેમાંથી બનાવેલી મીઠાઈ વિગેરે બજારમાંથી ના ખરીદો. જરૂર લાગે તે સામગ્રી ઘરે જ બનાવો.

12. રોગપ્રતિકારક શકિત વધારો. બાળકો, યુવા, વૃધ્ધ, મહિલા કે પુરુષ તમામે શરીરને કોઈપણ રોગ સામે તંદુરસ્ત રાખવું અનિવાર્ય છે. આ માટે રોગપ્રતિકારક શક્તિ (IMMUNITY) કેળવવી જોઈએ. નિયમિત યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન માટે દરરોજ 30મિનીટનો સમય ફાળવો. તુલસી પાન, મરી, સૂંઠ, મુળેઠી, હળદરનો ઉકાળો દિવસમાં એક કે બે વાર લેવો. ગોળ અને લીંબુ પણ તેમાં સ્વાદ મુજબ ઉમેરી શકાય.
Published by:Ashish Goyal
First published:

Tags: COVID 19 guideline, COVID-19, Unlock, કેન્દ્ર સરકાર

આગામી સમાચાર