મંગળવારે યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં પક્ષ કરતાં ઉમેદવારની શાખ વધુ દાવ પર

News18 Gujarati
Updated: April 22, 2019, 4:17 PM IST
મંગળવારે યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં પક્ષ કરતાં ઉમેદવારની શાખ વધુ  દાવ પર
માણાવદર અને જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારો

રાજ્યના ઊંઝા, માણાવદર, જામનગર ગ્રામ્ય અને ધ્રાંગધ્રા બેઠકો પર ચૂંટણી યોજાશે ત્યારે પક્ષ કરતાં ઉમેદવારનો ચહેરો મુખ્ય ફેક્ટર બને તેવી શક્યતા

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : આવતીકાલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે રાજ્યની ચાર વિધાનસભાની પેટા-ચૂંટણી યોજાશે. ચારે બેઠકો પરથી કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપી કેસરિયો કરતા આ ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યની ઊંઝા, માણાવદર, જામનગર ગ્રામ્ય અને ધ્રાંગધ્રા બેઠક પર યોજાની પેટા ચૂંટણીમાં રાજકીય વિશ્લેલષકોના મતે પક્ષ કરતાં ઉમેદવારનું ફેક્ટર વધુ કામ કરશે. આ પેટા ચૂંટણી ઉમેદવારોની શાખને વધારશે કે વેતરશે એ તો મતદારો નક્કી કરશે. જ્યારે લોકસભા સાથે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે જાણો ચારેય બેઠકો પરનું કાચુ સરવૈયુ

21- ઊંઝા
ઊંઝા બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર આશા પટેલ નારણ પટેલને પરાજય આપી જીત મેળવી હતી. આશા પટેલે થોડા સમય પહેલાં કોંગ્રેસ છોડી અને ભાજપનો ખેસ પહેર્યો હતો અને ત્યારથી જ તે પેટા ચૂંટણી પર ભાજપમાંથી લડશે તે નક્કી હતું. જોકે, ખૂબ લાંબી અસમંજસ બાદ ભાજપે આશા પટેલને ફરી ટિકિટ આપી છે. ઊંઝા બેઠક પર 1,13,995 પુરૂષ મતદારો છે, જ્યારે 1,05, 578 મહિલા મતદારો છે, જ્યારે 3 અન્ય મતદારો છે. કુલ આ બેઠક પર 2,19,576 મતદારો છે.

આ પણ વાંચો  : પોરબંદરમાં કોનું પાણી મપાશે, વિઠ્ઠલ રાદડિયાની માંદગી ભાજપને નડશે?

કોની વચ્ચે છે જંગ :
આ બેઠકમાં ભાજપમાંથી કોંગ્રેસ છોડીને આવેલા આશા પટેલ ચૂંટણી લડી રહ્યાં છે તો સામા પક્ષે કોંગ્રેસ કા.મુ પટેલને ટિકિટ ફાળવી છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો માટે અહીંયા જ્ઞાતિનું ફેક્ટર જ મહત્ત્વપૂર્ણ રહેશે.શું છે માહોલ :
આશા પટેલે કોંગ્રેસમાં અન્યાય થતો હોવાનું કહી અને ભાજપ છોડ્યા બાદ ઠેર ઠેર તેમનો વિરોધ થયો હતો. તેમને ભાજપમાં પણ ટિકિટ મળી હોવાથી સ્થાનિક ઉમેદવારોનો વિરોધ સહન કરવો પડ્યો હતો. પાટીદાર અનામત આંદોલનના સમયથી સરકારની વિરુદ્ધ ઝંપલાવી અનામત માટે આંદોલને ચડેલા યુવાનોની અને પત્ર પલટાના કારણે અગાઉ જેમણે મત આપ્યા હતા તે ઉમેદવારોની નારાજગીનો સામનો તેમણે કરવો પડી શકે છે. કોંગ્રેસ માટે આંતરિક ખેંચતાણ અને લોકસભાની ચૂંટણીનો માહોલ અસર કરી શકે છે.

ધ્રાંગધ્રા અને ઊંઝા પેટા ચૂંટણીના ભાજપ કોંગ્રેસના ઉમેદવારો


64 ધ્રાંગધ્રા
હળવદ ધ્રાંગધ્રા બેઠક પર પણ કોંગ્રેસના ધારાસભ્ય પરષોતમ સાબરિયાએ કોંગ્રેસ છોડી અને ભાજપનો ખેંસ ધારણ કર્યો એટલે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કોળી અને પટેલ મતોનું પ્રભુત્વ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ માટે આ પેટા ચૂંટણી કસોટીની રહેશે. બેઠક પર 1,50,090 પુરૂષ મતદારો છે જ્યારે 1,35,831 મહિલા મતદારો અને 2 અન્ય મતદારો મળી કુલ 2,85,923 મતદારો છે.

આ પણ વાંચો  : ઝાલાવાડની પ્રજા મત બદલે છે: પ્રજા કોની થાય છે, ડોક્ટરની કે સોમાભાઈની?

કોની વચ્ચે છે જંગ:
આ બેઠક પર બંને પક્ષોએ જ્ઞાતિના સમીકરણોના આધારે જ ટિકિટની વહેંચણી કરી છે. ધ્રાંગધ્રા બેઠક પર ભાજપે પરષોત્તમ સાબરિયાને તો કોંગ્રેસે દિનેશ પટેલને ટિકિટ આપી છે. આ ઉપરાંત અપક્ષ અને ક્ષેત્રીય પક્ષોના કુલ 11 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.

શું છે માહોલ :
કોળી ઉમેદવારોના પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં પરષોત્તમ સાબરીયા જ્ઞાતિગત સમીકરણોના આધારે ભાજપ માટે ફીટ બેસે છે પરંતુ પક્ષ પલ્ટાની મોસમમાં તેઓ કેટલા ખરા ઉતરી શકશે તે કહેવું મુશ્કેલ છે. પાણીની તંગી, રોજગારી વગેરે જેવા મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાને પહેલાંથી જ કશું જ ન મળ્યું હોવાની લાગણી મતદારોમાં કાયમ જોવા મળી છે. કોંગ્રેસ મેદાનમાં ઉતારેલા નવા ચહેરા દિનેશ પટેલ સામે તક અને પડકાર બંને છે.

77 જામનગર ગ્રામ્ય
જામનગર ગ્રામ્ય બેઠક પર વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વલ્લભ ધારવિયાએ ભાજપના રાઘવજી પટેલને હાર આપી હતી. અગાઉ રાઘવજી પટેલ કોંગ્રેસની ટિકિટ પર આ બેઠક પરથી ચૂંટાયા હતા. જોકે, થોડા સમય પહેલાં જ વલ્લભ ધારવિયાએ પણ રાજીનામું ધરી દેતા આ સીટ પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠક પર 1,20045 પુરૂષ મતદારો અને 1,11,543 મહિલા મતદારો મળી કુલ 2,31,588 મતદારો છે.

કોની વચ્ચે છે જંગ
આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ વલ્લભ ધારવિયાના સ્થાને રાઘવજી પટેલને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસ જયંતિ સભાયાને મેદાને ઉતાર્યા છે. આ બે ઉમેદવારોમાં રાઘવજી જૂના જોગી તરીકે માનવામાં આવે છે જ્યારે સભાયા નવો ચહેરો છે.

આ પણ વાંચો  : 'ભાવેણું' કોને ભાવ દેશે ? વિકાસને કે જ્ઞાતિને ?

શું છે માહોલ:
જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપે રાઘવજી પટેલ પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે, આ બેઠક પર સૌથી વધુ ઉમેદવારો સતવારા સમાજના છે જેમાંથી આવતા વલ્લભ ધારવિયા ભાજપમાં જોડાવાથી ભાજપને આશા છે કે તેમની જીત થશે. અગાઉ રાઘવજી 3077 મતની લીડથી હાર્યા હોવાના કારણે ભાજપને તેમના પર આશા દેખાઈ રહી છે તો કોંગ્રેસે પાટીદાર સામે પાટીદાર નેતા ઉતારી જંગમાં ટક્કર આપી છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કર્યા બાદ રાઘવજીની હાર થઈ હોવાથી તેમના માટે આ ચૂંટણી પણ અગ્ની પરીક્ષા સમાન જ છે.

85 માણાવદર
માણાવદર બેઠક પર ધારાસભ્ય તરીકે પાંચ ટર્મ જીતેલા જવાહર ચાવડાએ કોંગ્રેસમાં મજા નથી આવતી તેવું કારણ આપી અને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. પક્ષ કરતાં વધુ નામથી વિજેતા બનતા જવાહર ભાજપમાં જોડાયા એટલે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. માણાવદર બેઠક પર 1,25, 681 પુરૂષ મતદારો છે, જ્યારે 1,14, 279 મહિલા મતદારો મળી કુલ 2,39,960 મતદારો છે.

કોની વચ્ચે છે જંગ:
આ બેઠક પર એક રીતે ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપના ઉમેદવાર તરીકે વર્તમાન ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જવાહર ચાવડા લડી રહ્યાં છે તો કોંગ્રેસે તેમની સામે એક સામાન્ય કાર્ચકર્તા અરવિંદ લાડાણીને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર પાસમાંથી ભાજપમાં અને ભાજપમાંથી એનસીપીમાં જોડાયેલા રેશ્મા પટેલ પણ મેદાને છે

આ પણ વાંચો  :  જૂનાગઢ: પુંજાભાઈ વંશ Vs રાજેશ ચુડાસમા, કોણ-કોને હંફાવશે?

શુ છે માહોલ :
પક્ષ પલટો અને પેટા ચૂંટણીના માહોલની વચ્ચે પણ આ બેઠક પર કોઈ અપસેટ સર્જાય તેવી શક્યતા નહીંવત્ત છે. જૂનાગઢ કોંગ્રેસમાં દાયકાઓથી જેનું પ્રભુત્વ રહ્યું તેવા કોંગ્રેસના દિગ્ગજ નેતા પેથલજી ચાવડાના પુત્ર તરીકે જવાહર ચાવડા આ બેઠક જીતતા આવ્યા છે. આહિર અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠકમાં ભાજપને પેટા ચૂંટણીમાં જીત સરળ દેખાઈ રહી છે.
First published: April 22, 2019, 4:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading