ન્યૂઝ18 ગુજરાતી : સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ચીને ફરી એક વખત અવળચંડાઈ કરીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર થતો બચાવી લીધો હતો. જે બાદમાં ભારતમાં ચીનના માલનો બહિષ્કાર કરવાની અપીલ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર #BoycottChineseProducts અને #BoycottChina ટ્રેન્ડ થઈ રહ્યું છે. લોકોએ દેશભક્તિ જાહેર કરતા ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. પરંતુ શું આવું શક્ય છે?
બંને દેશના વેપાર પર એક નજર:
- ચીન ભારતનું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ 2017-18માં ભારતે ચીનમાં 13.4 અબજ ડોલર (920 અબજ રૂપિયા)ના માલની નિકાસ કરી. જ્યારે ચીનમાંથી 76.4 અબજ ડોલર (5348 અબજ રૂપિયા)ના માલની આયાત કરવામાં આવી હતી.
આ રીતે ભારતને 63 અબજ ડોલરનું વેપાર નુકસાન થયું છે. ચીનમાંથી માલની આયાતમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. વર્ષ 2016-17માં 51.11 અબજ ડોલરના સામાનની આયાત કરવામાં આવી હતી.
દિલ્હીના સદર બજારના એક વેપારી પ્રમોદ ગુપ્તનું કહેવું છે કે ચીનની ગિફ્ટ્સ આઇટમ સસ્તી હોવાને કારણે ખૂબ જ પ્રચલિત છે. ચીનની વસ્તુઓ ખૂબ સુંદર અને આકર્ષક હોય છે.
- હાલ આખું સદર બજાર ચીનમાંથી જ માલ મંગાવે છે. ગ્રાહકોના મોઢે બસ એક જ વાત હોય છે કે કંઈક નવું, સસ્તુ અને સારું મળ્યું છે.
- શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) શિખર સંમેલનમાં બંને દેશ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2020 સુધી ચીન અને ભારત વચ્ચે વેપાર 100 અબજ ડોલરનાં આંકડાને સ્પર્શી જશે.
ચીનનો સમાન
નિષ્ણાતોનું કહેવું છે કે ભારત પાવર અને મેડિસિન માટે ચીન પર ખૂબ જ નિર્ભર છે. ભારતનું સોલાર માર્કેટ ચીનની પ્રોડક્ટ પર નિર્ભર છે. ભારતનું થર્મલ પાવર પણ ચીન પર આધારિત છે. પાવર સેક્ટરના 70થી 80 ટકા ઉત્પાદનો ચીનથી આવે છે.
દવાઓ માટે કાચો માલ પણ ચીનમાંથી આયાત કરવો પડે છે. છેલ્લા 40 વર્ષમાં યૂરોપીય દેશો ચીન પાસેથી ઘણું શીખ્યા છે. ચીન ટેક્નોલોજીને સારી બનાવીને સામાનને સસ્તામાં વેચે છે.
બંને દેશોની અર્થવ્યવસ્થા
ચીનની અર્થવ્યવસ્થાનું કદ 11.5 ટ્રિલિયન ડોલર છે, જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ચીનથી પાંચ ગણી નાની છે. ભારતની અર્થવ્યવસ્થા ત્રણ ટ્રિલિયન ડોલર આસપાસ છે. પ્રોફેસર દીપકે કહ્યુ કે, ચીન અને જાપાન વચ્ચે 300 બિલિયન ડોલરનો વેપાર છે. બંને દેશ વચ્ચે એટલી કડવાશ છે છતાં યુદ્ધ નથી થતું. આનું એક કારણ બંને દેશ વચ્ચે વેપાર છે.
દુનિયાના આર્થિક વિકાસમાં ચીનનું યોગદાન 33 ટકા છે. અમેરિકા સાથે ચીનનો વાર્ષિક વેપાર 429 બિલિયન ડોલર છે. એવામાં ભારતના 70 બિલિયન ડોલરનું કોઈ વજુદ નથી. જો ચીનના કુલ વેપારમાં ભારતનો નાનો હિસ્સો નીકળી પણ જાય તો ચીનને કોઈ જ ફર્ક નહીં પડે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર