Home /News /gujarat /રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત પછી પીએમ મોદી અને અમિત શાહે શું કહ્યું

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત પછી પીએમ મોદી અને અમિત શાહે શું કહ્યું

પીએમ મોદીની ફાઇલ તસવીર

શહેરોની જેમ ગામડાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે જોરદાર વિજય મેળવ્યો છે. કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે

ગાંધીનગર : રાજ્યની (Gujarat) 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીના (Local Body Elections Result) જાહેર થયેલા પરિણામમાં ભાજપને અપેક્ષા કરતા વધારે શાનદાર પ્રદર્શન કર્યું છે. શહેરોની જેમ ગામડાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે જોરદાર વિજય મેળવ્યો છે. કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે. આ શાનદાર જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ અભિનંદન પાઠવ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે. ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું. શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો છે. હું ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરું છું અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું. અમારી પાર્ટી ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે હંમેશાં કાર્યરત રહેશે.

આ પણ વાંચો - વલસાડ : કોંગ્રેસના મોટા માથાનો પરાજય પણ 23 વર્ષની કુંજાલી પટેલે ભવ્ય જીત મેળવી

ગુજરાતમાં ભવ્ય જીત બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે - ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડુતોએ ભાજપાને વિજયી બનાવીને સરકારની કલ્યાણકરી નીતિઓ પર વિશ્વાસની મહોર લગાવી છે. હું જનતાને નમન કરું છું. આ ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, સીઆર પાટિલ અને કાર્યકર્તાઓને અભિનંદન. આ વિજય ગરીબ, ખેડુતો અને ગામડાના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી ના નેતૃત્વમાં કાર્યરત ભાજપા સરકારોમાં જનતાના અતૂટ વિશ્વાસની જીત છે. મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારો દેશના ગરીબ, ખેડુતો અને વંચિત સમાજના કલ્યાણ અને વિકાસ માટે સતત કટિબદ્ધ છે.





સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. શહેરો કરતા પણ ગામડાંઓમાં સારું પરિણામ આવ્યું છે. અનેક લોકોના કુંટુંબીજનો હારી ગયા. જે રીતે ગુજરાતની પ્રજાએ કૉંગ્રેસનો વીણી વીણીને સફાયો કર્યો છે તે જ બતાવે છે કે, ગુજરાત ભાજપનો ગઢ છે. નરેન્દ્ર મોદી, અમિતભાઇ શાહનું ગુજરાત છે. ગુજરાતની જનતાએ જે રીતે પ્રતિસાદ આપ્યો છે તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે છેલ્લા 40 વર્ષથી હું રાજકારણમાં સક્રિય છું. કેટલીય ચૂંટણીઓ મેં જોઇ છે પણ આજે ભાજપના ઉમેદવારો જે જંગી બહુમતીથી લોકોએ વિજય અપાવ્યો છે આવો ભવ્ય વિજય મેં અત્યાર સુધીમાં જોયો નથી.
First published:

Tags: District Panchayat Elections 2021, Election 2021, Gujarat Local Body Elections 2021, Gujarat Local Body elections voting, Gujarat Local Body Polls, Gujarat municipal elections, Local Body Polls, Taluka Panchayat elections 2021, Vote, ચુંટણી પરિણામ, ચૂંટણી