Home /News /gujarat /ટીમ પાટીલમાં સામેલ થવા માટે સિનિયર તેમજ જુનિયર કાર્યકરો પ્રદેશ પ્રમુખ પાછળ ફરતા થયા

ટીમ પાટીલમાં સામેલ થવા માટે સિનિયર તેમજ જુનિયર કાર્યકરો પ્રદેશ પ્રમુખ પાછળ ફરતા થયા

પ્રતિકાત્મક તસવીર

સંગઠનને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની સંગઠનના નેતાઓ સાથે મેરેથોન બેઠક

ગાંધીનગર : પ્રદેશ અધ્યક્ષ તરીકે સીઆર પાટીલના નામની જાહેરાત થઇ ગઈ છે અને અગામી સમયમાં પાટીલની નવી ટીમની પણ જાહેરાત કરવામાં આવશે. તેના સંદર્ભે આજે રાજ્યના મહત્વના નેતાઓ સાથે બેઠક યોજી હતી. ગઈ કાલે સીએમ વિજય રૂપાણી, ભીખુ દલસાણીયા અને વી સતીષ સાથે બેઠક યોજી હતી. જેમાં અગામી સમયમાં સંગઠનમાં થનારા ફેરફાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સી.આર.પાટીલે ભાજપના પદાધિકારીઓ સાથે વન ટુ વન બેઠક યોજી હતી. દક્ષિણ ગુજરાતના મહામંત્રી ભરતસિંહ પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, ગોરધન ઝડફિયા અને ભાર્ગવ ભટ્ટ ઉપરાંત પ્રદેશના જુદા જુદા નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.

નજીકના ભવિષ્યમાં ટીમ પાટીલની જાહેરાત થશે. જેમાં અનેક નેતાઓને રીપીટ કરવામાં આવશે તો કેટલાક નેતાઓના પત્તા કપાવવાની શક્યતા રહેલી છે. જે પ્રમાણે સી આર પાટીલના નામની જાહેરાત થઇ છે તેનાથી એક વાત તો સ્પષ્ટ થઇ ગઈ છે કે હાલમાં સંગઠનની સ્થિતિ કથળેલી હતી અને હવે આમૂલ ફેરફાર કરવા જરૂરી છે. જેને લઈને જ હાઇકમાન્ડ દ્વારા એવા નેતાને અધ્યક્ષ પદ સોપ્યું છે જે કડક નિર્ણય કરી શકે અને તમામ નેતાને સાથે લઈને ચાલી શકે અને આગામી સમયમાં એ પ્રમાણે સંગઠનમાં પણ ફેરફાર કરવામાં આવશે. ટીમ પાટીલમાં સામેલ થવા માટે સિનિયર તેમજ જુનિયર કાર્યકરો પ્રદેશ પ્રમુખ પાછળ ફરતા થયા છે.

આ પણ વાંચો - ગાંધીનગર : સ્વર્ણિમ સંકુલમાં કોરોનાએ દસ્તક દીધા, મંત્રીની ઓફિસના એક ક્લાર્કનો રિપોર્ટ પોઝિટિવ

સૂત્રોની જો વાત માનીએ તો સી આર પાટીલે સીએમ હાઉસ ખાતે ગઈ કાલે બપોરે લગભગ એક કલાક જેટલો સમય બેઠક યોજી હતી. બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી વી સતીષ અને ભીખુ દલસાણીયા પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી સમયમાં થનારી સંગઠનની ફેર બદલ પર ચર્ચા કરવામાં આવી હતી. તમામ ઝોનના મહામંત્રી જેમાંથી કેટલાકને બદલી દેવામાં આવશે. ઉપાધ્યક્ષ પણ બદલી દેવામાં આવશે. તે સિવાય કેટલાક મોરચાના અધ્યક્ષની પણ ફેરબદલ કરવામાં આવશે. ગત ટર્મ દરમિયાન મહિલા મોરચો સતત નિષ્ફળ રહ્યો હતો. રાજ્યમાં ઘણી એવી ઘટના બની હતી જેમાં સક્રિયતા હોવી જોઈએ અથવા તો કહી શકાય કે રાજકીય રીતે પણ સક્રિયતા હોવી જોઈએ જે નહોતી જોવા મળી. એ જ રીતે યુવા મોરચો પણ સતત નિષ્ફળ રહ્યો હતો. યુવા મોરચાના અનેક નેતાઓએ એવી કરતૂતો કરી હતી જેના કારણે પાર્ટી બદનામ થઇ હતી તો એ સિવાય ડોક્ટર સેલ જેની પણ કોઈ નક્કર કામગીરી રહી નહોતી.

સંગઠનમાં જુથવાદ અને અને સિનીયર જુનિયરની લડાઈ ચરમ પર હતી. આ બાબતને લક્ષમાં રાખીને પણ આગામી સમયમાં સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે. આજે સી આર પાટીલ પ્રદેશના હોદ્દેદારો સાથે વન ટુ વન બેઠક યોજી છે. જેમાં સંગઠનના ઉપાધ્યક્ષો, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રીઓ, મોરચાના અધ્યક્ષો સહિતના નેતાઓ સાથે બેઠક યોજી હાલની સંગઠનની સ્થિતિ જે તે વિસ્તારની રાજકીય સ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
First published:

Tags: CR Patil, ભાજપ