ઇતિહાસનો કાળો દિવસઃ ગુજરાત વિધાનસભાનામાં ભાજપ-કોંગ્રેસ સભ્યો વચ્ચે મારામારી

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો ભાન ભૂલ્યા, કરી મારમારી...

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો ભાન ભૂલ્યા, કરી મારમારી...

  • Share this:
ગુજરાત વિધાનસભામાં આજનો દિવસ લોકશાહી માટે કાળો દિવસ તરીકે લખાઈ ગયો છે. હાલમાં ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી ચાલી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા. જેમાં એક ધારાસભ્યએ અપશબ્દોનો ઉપયોગ કર્યો, બીજા ધારાસભ્યોએ તમામ હદ વટાવી બેલ્ટ અને માઈક દ્વારા માર માર્યો હોવાના દ્રશ્યો સર્જાયા હતા.

મળતી માહિતી મુજબ, ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન કોંગ્રેસને પ્રશ્ન ન પુછવા દેવાના મામલે કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો, ત્યારબાદ અચાનક  કોઈ પ્રશ્ન મુદ્દે ચર્ચા સમયે કોંગ્રેસના ધારાસભ્ય અંબરિશ ડેરે  ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને બેલ્ટ માર્યો, તો કોંગ્રેસના બીજા ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ઉશ્કેરાઈ જઈ, સીધો માઈક ઉઠાવી હુમલો કરી દીધો.

આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષે પ્રતાપ દૂધાતને મારામારી કરવા બદલ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કર્યો છે, જ્યારે અમરેલી કોંગ્રેસ ધારાસભ્ય અંબરિશ ડેરને અને ધારાસભ્ય વિક્રમ માંડમને પણ સસ્પેન્ડ કરાયા છે.

પરેશ ધાનાણીએ શું કહ્યું?

ગુજરાત વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ ધારાસભ્યો વચ્ચે મારમારી બાદ વિપક્ષનેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. મારામારી મુદ્દે પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ પહેલા અપશબ્દો બોલ્યા, ત્યારબાદ કોંગ્રેસ ધારાસભ્યોએ મારામારી શરૂ કરી.

વિજય રૂપાણીએ શું કહ્યું?

વિધાનસભામાં મારામારી બાદ મુખ્યપ્રધાન સીએમ વિજય રૂપાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ કોંગ્રેસની નકરી દાદાગીરી છે. હવે પોલીસ પોલીસનું કામ કરશે.

અલ્પેશ ઠાકોરે શું કહ્યું?

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપ ધારાસભ્યો વચ્ચે મારામારીની ઘટના પર અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે, ગુજરાત વિધાનસભામાં આ રીતની ઘટના ખુબ દુરભાગ્યપૂર્ણ બનાવ છે. બંને પક્ષના ધારાસભ્યો વચ્ચે છૂટા હાથે મારા મારી થઈ છે.

પ્રતાપ દૂધાતે શું કહ્યું

વિધાનસભા ગૃહમાં મારામારી મામલે કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે નિવેદન જાહેર કર્યું કે, ગાળો બોલવી એ ભાજપના સંસ્કાર છે, અને ગાળો સહન કરવી એ મારા સંસ્કાર છે. મને ભાજપના ધારાસભ્યએ ખુબ ઉશ્કેર્યો તેથી આ ગટના બની. ઉલ્લેખનીય છે કે, પ્રતાપ દૂધાત પર આક્ષેપ છે કે, તેમણે ભાજપની ધારાસભ્ય જગદીશ પંચાલ પર તેમણે માઈક દ્વારા હુમલો કર્યો.
First published: