Bhavnagar News: ભાવનગરમાં ધૂણતા-ધૂણતા મોતની ઘટના બની છે. 65 વર્ષના ભૂવા ઢળી પડવાની ઘટના બની છે. જેમાં તપાસ કરતા ભૂવાનું મોત થઈ ગયું હોવાનું જાણવા મળતા કુડા ગામે શોકનો માહોલ છવાઈ ગયો છે.
ભાવનગરઃ નાની ઉંમરમાં યુવાનોને હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં આંચકારૂપ બની રહી છે, જેમાં કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી દરમિયાન, કોઈ જિમમાં કે પછી કોઈ લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતા ઢળી પડતા મોત થવાની ઘટનાઓ સતત વધી રહી છે. આવામાં ભાવનગરમાં બનેલી એક ઘટનાએ લોકોના જીવ અધ્ધર કરી દીધા છે. અહીં બનેલી ઘટનામાં ધૂણી રહેલા ભૂવાની ઢળ પડવાની ઘટનામાં તેમનું મોત થઈ ગયું છે. ઘટના બની ત્યારે લોકોને માતાજીનો પવન આયો હોવાનું માનીને બેઠા હતા પરંતુ જ્યારે ભૂવા લાંબા સમય સુધી ભાનમાં ના આવતા લોકોએ દોડા-દોડા કરી મૂકી હતી. ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
એક કાર્યક્રમ દરમિયાન ભૂવાએ ધૂણવાનું શરુ કર્યું ત્યારે અહીં ઉપસ્થિત લોકોને માતાજીનો પવન આવવાની વાત થઈ રહી હતી. પરંતુ ભૂવા ફરી ઉભા જ ના થતા લોકોને આશ્ચર્ય થયું હતું. થોડી રાહ જોતા બાદ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તેમના શ્વાસ થંભી ગયા છે. આ ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે.
ભાવનગરના કુડા ગામમાં માતાજીના માંડવામાં ધૂણી રહેલા 65 વર્ષના મકાભાઈ ગોહિલ નામના ભૂવા ધૂણવા લાગ્યા હતા. ધૂણતા-ધૂણતા તેઓ જમીન પર પાથરેલા ગાદલા પર બેસી પડ્યા હતા અને પછી અચાનક ઢળી પડ્યા હતા. આ દરમિયાન કોઈને હાર્ટ એટેક આવ્યાની વાત ખબર નહોતી, જેના કારણે અહીં સ્ટેજ બનાવવામાં આવ્યો હતો ત્યાં સતત સંગીતનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો હતો.
ગાદલા પર ઢળી પડેલા ભૂવા મકાભાઈ ફરી ઉભા ના થતા કંઈક અજુગતું થયું હોવાની શંકા ત્યાં હાજર લોકોને થઈ હતી. આ પછી તપાસ કરતા તેમના શ્વાસ થંભી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. ધાર્મિક કાર્યક્રમ દરમિયાન જ ભૂવાનું મોત થઈ જતા સમગ્ર કુંડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.