14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે ભારત જ નહીં સમગ્ર દુનિયામાં પ્રેમનો દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. એક તરફ પ્રેમની ઉજવણી ચાલી રહી છે, તો બીજી બાજુ ભારતમાં આ તહેવારનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યાં છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ બજરંગ દળના લોકો રસ્તા, બગીચા પર હાથમાં ધ્વજ લઇને નજર આવ્યા તો તેલંગણામાં તો પાર્કમાં બેઠેલા યુવક-યુવતીના બજરંગદળના કાર્યકર્તાઓએ જબરજસ્તીથી લગન કરાવ્યા.
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે તેલંગણાના મેડચલ વિસ્તારમાં પાર્કમાં બેઠેલા એક યુવક-યુવતીના બજરંગદળના કાર્યકરોએ જબરજસ્તીથી લગ્ન કરાવ્યા. એટલું જ નહીં લગ્ન કરાવ્યા બાદ બજરંગદળના આ કાર્યકરોએ તસવીરો પણ પડાવી જે તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અપલોડ પણ કરી હતી. તસવીરોમાં દેખાઇ રહ્યું છે કે એક યુવક-યુવતી છે તો કેટલાક લોકો દેખાઇ રહ્યાં છે જેઓના હાથમાં બજરંગદળો ધ્વજ છે.
તો અમદાવાદમાં પણ બજરંગદળના કાર્યકરો દ્વારા બગીચામાં બેઠેલા યુવક-યુવતીઓને હેરાનગતી કરાતી હોવાની ફરિયાદો ઉઠી હતી, જેને ધ્યાને રાખી પોલીસે પાર્કમાં દરોડા પાડ્યા હતા, આ દરમિયાન વિહિપ અને બજરંગદળના અંદાજે 20 કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે વેલેન્ટાઇન ડેના વિરોધને ધ્યાને રાખી રિવરફ્રંટ અને તેના જેવા શહેરમાં આવેલા ફરવા લાયક સ્થળો પર ચૂસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તો જમ્મુ કાશ્મીરના હરીસિંહ પાર્કમાં બજરંગદળના કાર્યકરો દ્વારા પાર્કમાં બેઠેલા યુવક-યુવતીઓને કનડગત કરવામાં આવી રહી હોવાની ફરિયાદો મળી હતી. બજરંગ દળનું કહેવું છે કે વેલેન્ટાઇન ડે એ પશ્ચિમી સંસ્કૃતિનો તહેવાર છે, તેનાથી ભારતીય સંસ્કૃતિને નુકશાન થઇ રહ્યું છે, આથી આ તહેવાર ભારતમાં મનાવવો ન જોઇએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર