Home /News /gujarat /આસામ-મેઘાલય સરહદ વિવાદ: પોલીસ પર પથ્થરમારો, પેટ્રોલ બોમ્બ ફેંકાયા
આસામ-મેઘાલય સરહદ વિવાદ: પોલીસ પર પથ્થરમારો, પેટ્રોલ બોમ્બ ફેંકાયા
આસામ-મેઘાલય સરહદ વિવાદ
આસામ-મેઘાલય સરહદ પર ગોળીબારની ઘટના બાદ મેઘાલય અને આસામમાં ગુરુવારે પણ તંગદિલીનો માહોલ યથાવત રહ્યો હતો. પ્રદર્શનકારીઓએ તણાવ શાંત કરવા માટે તૈનાત પોલીસ દળો પર પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા.
નવી દિલ્હી: આસામ-મેઘાલય સરહદ પર ગોળીબારની ઘટના બાદ મેઘાલય અને આસામમાં ગુરુવારે પણ તંગદિલીનો માહોલ યથાવત રહ્યો હતો. જેના કારણે મેઘાલયના રજિસ્ટર્ડ વાહનોને જ રાજ્યમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી.
અગાઉ મેઘાલયની રાજધાની શિલોંગમાં તોફાનીઓએ ટ્રાફિક બૂથને આગ ચાંપી દીધી હતી અને સિટી બસ સહિત ત્રણ પોલીસ વાહનો પર હુમલો કર્યો હતો. આ ઘટના 22 નવેમ્બરના રોજ આસામ-મેઘાલય સરહદ પર થયેલી હિંસાના વિરોધમાં કેટલાક જૂથો દ્વારા આયોજિત કેન્ડલલાઇટ કાર્યક્રમ દરમિયાન બની હતી.
અહીં ઉલ્લેખનીય છે, મેઘાલયના પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લાના મુકરોહ વિસ્તારમાં થયેલી ગોળીબારની ઘટનામાં મેઘાલયના પાંચ અને આસામ ફોરેસ્ટ ગાર્ડના જવાનો સહિત છ લોકો માર્યા ગયા હતા. ગામના લોકો અને આસામના પોલીસ તથાવન રક્ષકોની સુરક્ષા ટુકડી વચ્ચેની કથિત અથડામણ લોહિયાળ સાબિત થઈ હતી. ભૂતકાળમાં પણ આસામ-મેઘાલય સરહદ વિવાદના કારણે ઘણા લોકોના જીવ ગયા હતા અને હવે ફરી ભડકો ન થાય તેની તકેદારી રાખવા આવી રહી છે.
અહેવાલો અનુસાર, પ્રદર્શનકારીઓએ તણાવ શાંત કરવા માટે તૈનાત પોલીસ દળો પર પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. જેથી પ્રદર્શનકારીઓને વિખેરવા માટે સુરક્ષા જવાનોને અશ્રુવાયુના શેલ છોડવાની ફરજ પડી હતી.
ANI સાથે ફોન પર વાત કરતા શિલોંગના પૂર્વ ખાસી હિલ્સના એસપી એસ.નોંગટેંગરે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સિટી બસ અને જિપ્સી સહિત ત્રણ પોલીસ વાહનોને નુકસાન પહોંચ્યું છે.
એસપીએ વધુમાં જણાવ્યું હતું કે, તોફાનીઓએ શહેરના ટ્રાફિક બૂથને આગ ચાંપી દીધી હતી અને પોલીસ કર્મચારીઓ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા.
આ પહેલા બુધવારે આસામ અને મેઘાલય બંને સરકારે આ ઘટનાની કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસની માંગ કરી હતી. આ દરમિયાન મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કહ્યું કે, કેન્દ્રીય એજન્સીએ ફાયરિંગની ઘટનાની તપાસ કરવી જોઈએ.
તેમણે ઉમેર્યું હતું કે, મેં આ ઘટના અંગે આસામના મુખ્ય પ્રધાન સાથે પણ ચર્ચા કરી છે. અમારી માંગ છે કે કોઈ કેન્દ્રીય એજન્સી આ મામલાની તપાસ કરે. એનઆઈએ અથવા સીબીઆઈએ આ ઘટનાની તપાસ કરવી જોઈએ. આસામ સરકાર પણ આ માટે સંમત થઈ હતી અને તપાસમાં સહકાર આપવાની તૈયારી બતાવી હતી.
આસામના પ્રધાન જયંત મલ્લબરુઆએ પણ બુધવારે જણાવ્યું હતું કે, આસામ સરકારે આસામ-મેઘાલય સરહદ પર મુકરોહ વિસ્તારમાં ગોળીબારની ઘટનાની સીબીઆઈ તપાસ માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર