Arvalli Rain: અરવલ્લીમાં કમોસમી વરસાદ થયો છે. જિલ્લામાં થયેલા વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયા છે. જિલ્લામાં હજારો હેક્ટરમાં ખેડૂતોએ ઘઉં, બટાકા અને ચણાની ખેતી કરી છે. આવામાં તેમને ચિંતા છે કે માવઠાના કારણે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જશે? રાજ્યના ઉત્તર, દક્ષિણ, દક્ષિણ-પૂર્વ અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અરવલ્લીના વાતાવરણમાં પલટો આવ્યો છે, જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે. માવઠું થવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થવાની ચિંતા પણ ઉભી થઈ છે. જિલ્લાના માલપુર સહિતના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી હતી, ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અરવલ્લીમાં માલપુર સહિત કેટલાક ભાગોમાં ઝરમર-ઝરમર વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જો માવઠાનું જોર વધે તો ચણા અને બટાકાના પાકને નુકસાન થવાની સંભાવના છે.
જિલ્લામાં 79 હજાર હેક્ટરમાં ઘઉં અને 19 હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સિવાય 12 હજાર હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે. માવઠાના કારણે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પૂર્વના ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગ સિવાય અંબાલાલ પટેલ સહિતના હવામાન નિષ્ણાંતો દ્વારા પણ અગાઉ રાજ્યમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી હતી.
વરસાદની આગાહી વચ્ચે ગરમીનું જોર વધ્યું
વરસાદની આગાહી સાથે ગરમીનું જોર પણ સતત વધી રહ્યું છે. શુક્રવારે રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન સુરત અને સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સૌથી ઊંચું લઘુત્તમ તાપમાન સુરતમાં 23 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન ઓખામાં 30 ડિગ્રી નોંધાયું હતું અને સૌથી નીચું લઘુત્તમ તાપમાન ગાંધીનગરમાં 16 ડિગ્રી નોંધાયું હતું. આમ ગરમીનું પ્રમાણ વધતા ડબલ ઋતુનો અંત આવી રહ્યો છે.
રાજ્યમાં અમદાવાદ, ભૂજ, અમરેલી, રાજકોટમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો હતો, જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર કરી ગયો હતો. આગામી થોડા દિવસમાં આકરી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. નજીકના સમયમાં લઘુત્તમ તાપમાનનો પારે 40 ડિગ્રીને પાર જઈ શકે છે. જોકે, વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાથી 2-3 ડિગ્રીનો ઘટાડો પણ થઈ શકે છે.