સુરત: સ્વામિનારાયણ સંતે માતાજી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા વિવાદ, સમાધાન થતા ફરિયાદ ન કરાઈ

વીડિયો વાયરલ થયા બાદ સ્વામી પર હુમલો થયો હતો.

Surat news: વીડિયો વાયરલ થયા બાદ બેથી ત્રણ લોકો મંદિરમાં પહોંચીને સ્વામી જ્ઞાનપ્રકાશદાસજી પર હુમલો કરી તેમને માર માર્યો હતો

  • Share this:
સુરત: સુરતના અમરોલીના હરિસિદ્ધિ સોસાયટીમાં આવેલા સ્વામિનારાયણ મંદિર (Swaminarayan temple)ના એક સ્વામીએ ગઢવી સમાજ (Gadhvi Samaj)ના કુળદેવી માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral video) થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ હોબાળો થતાં સ્વામીએ માફી માંગી લીધી હતી. આ દરમિયાન ગઈકાલે મંદિરમાં ત્રણથી ચાર જણાએ ભેગા મળીને સ્વામી પર હુમલો (Attack on Swaminaryan swami) કરી દીધો હતો. આ મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ગઢવી સમાજના આગેવાનો વચ્ચે વાતચીતના અંતે સમાધાન થઈ જતા મામલો થાળે પડ્યો છે. આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી.

બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં અમરોલીની હરિસિદ્ધિ સોસાયટીમાં આવેલા સ્વામિનારાણ મંદિરના સ્વામી મહંત જ્ઞાનપ્રકાશદાસજી દ્વારા ગઢવી સમાજના કુળદેવી માટે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. આ બાબતે ગઢવી સમાજના લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. જે બાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ગઢવી સમાજના આગેવાનો ભેગા થયા હતા. જેમાં સ્વામી મહંત જ્ઞાનપ્રકાશદાસજીએ ઘટનાની ગંભીરતા સમજીને માફી માંગી લીધી હતી.

સ્વામીને માર માર્યો

જોકે, ગઈકાલે બેથી ત્રણ લોકો મંદિરમાં પહોંચીને સ્વામી જ્ઞાનપ્રકાશદાસજી પર હુમલો કરી તેમને માર માર્યો હતો. જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી એ વડતાલ ગાદીના રાકેશ પ્રસાદ સ્વામીના શિષ્ય હરિવલ્લભ સ્વામીના શિષ્ય છે. જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ થયા બાદ વિવાદ ઊભો થયો હતો.

બંને પક્ષ વચ્ચે સમાધાન થયું

હિન્દુ શાસ્ત્રમાં દેવી તરીકે જેમની પૂજા કરવામાં આવે છે, તેમનું યોગ્ય રીતે વર્ણન ન કરવામાં આવતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ભક્તો દ્વારા સ્વામીને બરાબરનો માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. નાગબાઈ માતામાં શ્રદ્ધા ધરાવનાર યુવકો દ્વારા જ જ્ઞાન સ્વામીને માર મારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે.સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. જેથી મામલો અમરોલી પોલીસ મથકે પહોચ્યો હતો અને ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ શરુ થઇ હતી. જેમાં પોલીસે ત્રણ જણાને અટકમાં પણ લઈ લીધા હતા. બીજી તરફ સ્વામિનારાયણ મંદિરના સંતો અને ગઢવી સમાજના આગેવાનો વચ્ચે વાતચીત થતા બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. જે બાદમાં પોલીસ ફરિયાદ ન કરવાનો નિર્ણય લેવાયો હતો. આ કેસમાં પોલીસે અટકાયત કરી હતી તે તમામ યુવાનોને છોડી દેવામાં આવ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published: