Gujarat Amreli Election Results 2022 News: સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં 5 વિધાનસભા બેઠક પર ભારે રસાકસી જોવા મળી રહી છે. મહત્વનું છે કે 2017માં જીલ્લાની તમામ બેઠકો પર કોંગ્રેસે કબ્જો જમાવ્યો હતો જોકે આ વર્ષે પોતાની પકડ જમાવી રાખવામાં સફળ થશે કે નહીં તે તો પરિણામ જ કહેશે.
અમેરલી જીલ્લામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. 2017માં જીલ્લાની તમામ પાંચ બેઠકો પર વિજય મેળવ્યા બાદ 2022માં પોતાની બેઠકો જાળવી રાખવામાં કોંગ્રેસ અસફળ રહેતું હોવાનું દેખાઈ રહ્યું છે. જીલ્લાની પાંચ પૈકી 4 બેઠક પર ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે. જેમાં અમરેલીથી કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, લાઠીથી વિરજી ઠુમ્મર, રાજુલા બેઠકથી અમરિષ ડેર સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતા મતગણતરીના હાલના ટ્રેન્ડ મુજબ પાછળ ચાલી રહ્યા છે.
અહીં મહત્વનું છે કે અમરેલીથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ખૂબ જ મોટા તફાવત સાથે પાછળ છે અને ત્રીજા નંબર પર ચાલી રહ્યા છે. જ્યારે આપ આ બેઠક પર બીજા નંબરે ચાલી રહ્યું છે.
અમરેલી જીલ્લાની કુલ પાંચ બેઠકો ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા આ તમામ બેઠકો પર 2017માં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા હતા. જોકે આ વખતે કોંગ્રેસના ઉમેદવારોને ભાજપની સાથે સાથે આપના ઉમેદવારોનો પણ સામનો કરવાનો છે ત્યારે કોંગ્રેસ આ જીલ્લાની કેટલી બેઠકો બચાવી શકે છે તે જોવાનું રહ્યું છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ શરુઆતની ગણતરીના અપડેટને ધ્યાને લઈએ તો ધારી બેઠક પથી આપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. જ્યારે અમરેલીથી પરેશ ધાનાણી આગળ ચાલી રહ્યા હતા. જોકે ભાજપના ઉમેદવાર કૌશિક વેકરિયાએ હાલ તેમને પાછળ રાખી દીધા છે.
અમરેલી બેઠક (amreli assembly constituency) ગુજરાત વિધાનસભા પૈકી 182 બેઠકોમાંની એક બેઠક છે. આ બેઠકને ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે. જોકે 2012 અને 2017માં કોંગ્રેસના પરેશ ધાનાણીએ આ બેઠક પર પોતાનો કબ્જો કર્યો હતો. અમરેલી બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 1627980 મતદારો છે જેમાં 843668 પુરુષ, 784291 મહિલા અને 21 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
અમરેલી શહેરની બેઠક 1991થી ભાજપનો ગઢ રહી છે. જોકે છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી ભાજપને હાર આપતા આવ્યા છે. અમરેલી વિધાનસભા બેઠક પર લેઉવા પાટીદારનું વર્ચસ્વ છે. અમરેલીને લેઉવા પટેલનો ગઢ કહી શકાય. અમરેલી શહેરે ગુજરાત અને દેશને અનેક દિગ્ગજ નેતાઓ આપ્યા છે. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા અમરેલીના હતા. આ સાથે જ અન્ય દિગ્ગજ નેતાઓ અને રાજકારણીઓ પણ અમરેલીની જ દેન છે. અમરેલી બેઠક અંતર્ગત અમરેલી શહેર, અમરેલી તાલુકો અને કંકુ વાડિયા તાલુકાનો સમાવેશ થાય છે.