Home /News /gujarat /અમિત શાહની ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની હાકલ, દુનિયામાં મોટું ઉદાહરણ બનવાની સલાહ
અમિત શાહની ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની હાકલ, દુનિયામાં મોટું ઉદાહરણ બનવાની સલાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ખેડૂતોને સલાહ
Amit Shah Gujarat, Junagadh: અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે ત્યારે તેઓ આજે જુનાગઢ પહોંચ્યા હતા. અહીં તેમણે વિવિધ વિકાસલક્ષી કાર્યોની ભેટ આપવાની સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની સલાહ આપીને તેના ફાયદા પણ ગણાવ્યા છે.
જુનાગઢઃ ગુજરાતના મહેમાન બનેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જુનાગઢની મુલાકાતે પહોંચ્યા જ્યાં તેમણે કરોડોના વિકાસકાર્યોની જિલ્લાને ભેટ આપી છે. શાહે જુનાગઢમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન કિસાન ભવનનું લોકાર્પણ કર્યું છે, જ્યારે જુનાગઢ જિલ્લા સહકારી બેંકની મુખ્ય કચેરીના ભવન અને પ્રાકૃતિક ખેતી બજારનું પણ ભૂમિપૂજન કર્યું છે. મહત્વનું છે કે આ કાર્યક્રમની સાથે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક કૃષિ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને એક મહત્વની સલાહ પણ આપી છે.
અમિત શાહની ખેડૂતોને સલાહ
અમિત શાહે પોતાના કાર્યક્રમની શરુઆતમાં જ મહત્વની વાત કરીને જણાવ્યું કે, ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ, આ ખેડૂતોના પાકની સારી કિંમત મળે તે માટે જુદી હરાજીની વ્યવસ્થા કરવામાં આવી છે. હું માનું છું કે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, તેમને પોતાની ઉપજનો ભાવ સારો મળશે. શાહે કહ્યું કે આ પ્રસંગે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા માગું છું કે આપણી વર્ષોથી માગણી હતી તે પૂર્ણ થઈ છે. દેશ આઝાદ થયો ત્યારથી માગણી કરવામાં આવતી હતી અને તેને વડાપ્રધાન મોદીએ પૂર્ણ કરી અને નવો સહકાર વિભાગ બનાવ્યો છે, અને મારા નસીબમાં પહેલા સહકાર મંત્રી બનવાનું આવ્યું છે.
પ્રાકૃતિક ખેતી અંગે કૃષિ મંત્રીએ જે કહ્યું તેમાં ઘણાં ફાયદાની વાત કરવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી આપણી ધરતીનું જતન કરવાનો એક માત્ર રસ્તો છે. રાસાયણીક ખાતરોથી જમીનને ભારે નુકસાન થઈ રહ્યું હોવાની પણ તેમણે વાત કરી છે. તેમણે રાસાયણીક ખાતરોના ઉપયોગથી 25 વર્ષ પછી આ જમીન સિમેન્ટ-કોંક્રેટ જેવી થઈ જવાની ચિંતા પણ વ્યક્ત કરી હતી.
પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને સલાહ
રાસાયણીક ખાતરના કારણે આપણે ખેતરમાંથી બધા અળસિયા મારી નાખ્યા છે, તેમણે કહ્યું કે આ અળસિયું આપણાં ખેતરમાં મૂકેલું યુરિયા અને DAPનું જીવતું-જાગતું કારખાનું છે. તેમણે અળસિયાના કારણે જમીનની ફળદ્રૂપતામાં વધારો થવા સહિતના તેના ફાયદા અંગે વાત કરી હતી.
અમિત શાહે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની સલાહ આપી અને છાણિયા ખાતરની તથા ગાય રાખનારને 900 રૂપિયાની સહાય આપવામાં આવતી હોવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે એ સાબિત થઈ ગયું છે કે પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ઘટતું નથી, પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન વધે છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતરમાં ફરી અળસિયા આવે છે અને આ પદ્ધતિ અંગેના ફાયદા પણ તેમણે ખેડૂતોને ગણાવ્યા હતા.
પોતાના વક્તવ્ય દરમિયાન તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે જણાવ્યું અને કહ્યું, આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીને જોત જોતામાં આખી દુનિયાને રસ્તો બતાવવો. હું તમને વિશ્વાસ આપું છું પ્રાકૃતિક ખેતી કરવાથી ઘણાં ફાયદા થાય છે, તેનાથી જમીન ફળદ્રુપ થાય છે અને વરસાદનું પાણી આપણા જ ખેતરમાં ઉતરી જાય છે. તેમણે પ્રાકૃતિક ખેતીથી થનારા ફાયદાની સાથે પાકનો ભાવ વધારે મળવાની પણ વાત કરી છે.