અંબાજી મંદિર અને ગબ્બર દર્શન 24 ઓગષ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

અંબાજી મંદિર અને ગબ્બર દર્શન 24 ઓગષ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
અંબાજી મંદિર અને ગબ્બર દર્શન 24 ઓગષ્ટથી 4 સપ્ટેમ્બર કુલ 12 દિવસ સુધી બંધ રહેશે

ભાદરવી પૂનમના મહામેળાને લઇ બનાસકાંઠા જિલ્લા કલેકટરનો મહત્વનો નિર્ણય, યાત્રાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરેબેઠાં ઓનલાઈન માતાજીના દર્શન- ગબ્બર દર્શન, યજ્ઞ દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે

  • Share this:
    અમદાવાદ : ભાદરવી પૂનમના મહામેળાને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અંબાજી મંદિર અને ગબ્બર દર્શન 24 ઓગષ્ટથી ૪ સપ્ટેમ્બર એટલે કે કુલ 12 દિવસ સુધી બંધ રહેશે.

    કલેકટરે મિડીયાને માહિતી આપતાં જણાવ્યું કે હતું કે કોરોના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા 27 જુલાઇથી અનલોક 3 ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તે મુજબ ધાર્મિક મેળાવડા, સામાજીક મેળાવડા, ધાર્મિક કાર્યક્રમો પ્રતિબંધિત છે. તેમણે કહ્યું કે, રાજય સરકારના 8 ઓગસ્ટના હુકમ મુજબ આગામી ભાદરવી પૂનમના મેળા દરમ્યાન મોટી સંખ્યામાં લોકો એકત્રીત થવાની તથા તેના કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ થવાની તથા કોરોનાનું સંક્રમણ વધવાની શકયતાઓ રહેલી છે. જેથી જાહેર આરોગ્યની જાળવણી માટે પગપાળા યાત્રાઓ, પદયાત્રિકો માટેના સેવા કેમ્પો, શોભા યાત્રા જેવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવા રાજય સરકારે હુકમ કર્યો છે.



    આ પણ વાંચો - અમદાવાદઃ ભાડજ હરે કૃષ્ણ મંદિર ત્રણ દિવસ માટે બંધ, કૃષ્ણ મંદિરોમાં આવી રીતે થશે ઉજવણી

    કલેકટરે કહ્યું કે, આગામી ભાદરવી પૂર્ણિમાનો મહામેળો 27 ઓગસ્ટથી થી 2 સપ્ટેમ્બરના સમયગાળામાં યોજાનાર હતો. આ ભાદરવી પૂનમના મહામેળામાં આશરે 25 લાખથી વધુ યાત્રાળુઓ ગુજરાત તથા બહારના રાજયોમાંથી દર્શનાર્થે આવે છે. ગત વર્ષોના અનુભવો મુજબ ભાદરવી પૂનમના મેળા પહેલા ત્રણ થી ચાર દિવસોમાં અને મેળા બાદ પણ બે થી ત્રણ દિવસ યાત્રાળુઓની ખૂબ જ ભીડ હોય છે. અંબાજી ગામનો વિસ્તાર જોતાં દૈનિક 3 થી 4 લાખ યાત્રાળુઓ એકઠા થાય તો કોરોના વાયરસ સંક્રમણની પુરેપુરી શકયતાઓ રહેલી છે. મંદિર ખુલ્લુ રાખતા યાત્રાળુઓનો ધસારો વધી જાય તો કાયદો વ્યવસ્થા જાળવવી પણ ખૂબ જ મુશ્કેલ બને. આ તમામ વિગતો ધ્યાને લઈ 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર એમ કુલ 12 દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

    કલેકટરે જણાવ્યું હતું કે યાત્રાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરેબેઠાં ઓનલાઈન માતાજીના દર્શન- ગબ્બર દર્શન, યજ્ઞ દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેમણે કહ્યું કે, માઈભકતોની ધાર્મિક આસ્થા જળવાઈ રહે તે માટે અંબાજી મંદિર દ્વારા પૂજા કરેલી ધજાઓ દર વર્ષે પગપાળા આવતા 1400 જેટલાં રજીસ્ટર્ડ સંઘોને ભાદરવી પૂનમીયા સેવા સંઘ ટ્રસ્ટ મારફત ધજાઓ પહોચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ ધજા દરેક સંઘ પોતાના રથ અથવા ગામના મંદિર ઉપર ધાર્મિક વિધિ સાથે અર્પણ કરે તેવી અપીલ કરવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે, ભાદરવી પૂનમ મેળાના સાત દિવસના સમયગાળા દરમ્યાન કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ થાય તે માટે વિશ્વકલ્યાણ અર્થે મંદિર સંકુલમાં આવેલ યજ્ઞશાળામાં શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે યજ્ઞ કરાવવામાં આવશે તથા માઈભકતો માટે ઓનલાઈન લાઈવ યજ્ઞ દર્શનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published:August 10, 2020, 21:30 pm