Home /News /gujarat /ગુજરાતને મળ્યાં પ્રથમ કડવા પટેલ મુખ્યમંત્રી, આ પહેલા ચાર પટેલ અગ્રણી મુખ્યમંત્રી બન્યાં હતાં

ગુજરાતને મળ્યાં પ્રથમ કડવા પટેલ મુખ્યમંત્રી, આ પહેલા ચાર પટેલ અગ્રણી મુખ્યમંત્રી બન્યાં હતાં

પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવતા નીતિન પટેલ.

Gujarat new CM: ચીમનભાઈ પટેલ (Chimanbhai Patel), બાબુભાઈ પટેલ (Babubhai Patel) અને કેશુભાઈ પટેલ (Keshubhai Patel)ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બે-બે ટર્મ સુધી રહ્યા હતા.

અમદાવાદ: ગુજરાતના નવા મુખ્યમંત્રી પદ માટે ભૂપેન્દ્ર પટેલ (Gujarat new CM Bhupendra Patel)ની પસંદગી કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી બનશે. આ ઉપરાંત તેઓ રાજ્યના પ્રથમ કડવા પટેલ મુખ્યમંત્રી પણ બનશે. આ પહેલા ચાર પટેલ અગ્રણી ગુજરાતના મુખ્યમંત્રીનું પદ શોભાવી ચૂક્યા છે. જોકે, તેઓ તમામ લેઉવા પટેલ હતા. આ વખતે કડવા પટેલને મોકો આપવામાં આવ્યો છે. વિજય રૂપાણી (Vijay Rupani) પહેલા ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેલા આનંદીબેન પટેલ (Anandiben Patel) લેઉવા પટેલ હતા. ઉલ્લેખનીય છે કે ચીમનભાઈ પટેલ (Chimanbhai Patel), બાબુભાઈ પટેલ (Babubhai Patel) અને કેશુભાઈ પટેલ (Keshubhai Patel)ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બે-બે ટર્મ સુધી રહ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધી પહોંચેલા પટેલ ચહેરા:

1) ચીમનભાઈ પટેલ- 1973માં મુખ્યપ્રધાન બનનારા પ્રથમ પટેલ અગ્રણી. (લેઉવા પટેલ)
2) બાબુભાઈ જશાભાઈ પટેલ- 1975માં મુખ્યમંત્રી બન્યા. (લેઉવા પટેલ)
3) કેશુભાઈ પટેલ- 1995માં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા. (લેઉવા પટેલ)
4) આનંદીબેન પટેલ- 2016માં રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં. (લેઉવા પટેલ)
5) ભૂપેન્દ્ર પટેલ- પ્રથમ કડવા પટેલ મુખ્યમંત્રી.

કોણ છે ભૂપેન્દ્ર પટેલ?

ગુજરાતના પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પૂરું નામ ભૂરેન્દ્ર રજનીકાંત પટેલ છે. તેમનો જન્મ અમદાવાદ ખાતે 15-07-1962ના રોજ થયો હતો. તેમના પત્નીનું નામ હેતલબેન છે. તેઓ કડવા પટેલ છે. ભૂપેન્દ્ર પટેલે ડીપ્લોમા સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્યો છે અને વ્યવસાયે બિલ્ડર છે.

ભૂપેન્દ્ર પટેલ કારકિર્દી:

ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ વર્ષ 1995-96,1999-2000, 2004-2006 સુધી મેમનગર પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. 2018થી 2010 સુધી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે. 2010થી 2015 સુધી થલટેજ વોર્ડના કોર્પોરેટર અને એએમસીમાં સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન પદે રહી ચૂક્યા છે. AUDAમાં પણ તેઓ 2015-2017 દરમિયાન રહી ચૂક્યા છે. હાલ તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.

ભૂપેન્દ્ર પટેલ પાસે કેટલી સંપત્તિ?

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે ભૂપેન્દ્ર પટેલે રજૂ કરેલી વિગતો પ્રમાણે તેમની પાસે પાસે 1.51 કરોડ રૂપિયાની જંગમ મિલકત છે. તેમની બેંક થાપણ 1.15 લાખ રૂપિયા છે. આ ઉપરાંત 1.23 કરોડ રૂપિયાની 28 જીવન વીમા પોલિસી છે. તેમની પાસે હુન્ડાઇની આઇ-20 કાર છે. તેમની પાસે 16.75 લાખ રૂપિયાના ઝવેરાત અને સોના-ચાંદી છે. તેમના વાણિજ્યિક અને રહેઠાણની કિંમત 1.91 કરોડ રૂપિયા. તેમણે LIC પાસેથી 9.18 લાખની પર્સનલ લોન લીધી છે. 2016-17માં કમાણી 30 લાખ રૂપિયા હતી. પત્નીના નામે એક એક્ટિવા સ્કૂટર છે. આ ઉપરાંત તેમની પાસે 25 લાખના ઘરેણા છે.

ભૂપેન્દ્ર પટેલ કેમ 'દાદા' તરીકે ઓળખાય છે?

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 12 સપ્ટેમ્બરની સાંજે, અડાલજ સ્થિત પરમ પૂજ્ય દાદા ભગવાનના આશીર્વાદ પામેલા અને પૂજ્ય નીરુમાના અંતેવાસી એવા દીપકભાઈ દેસાઈને મળીને તેમના અભિવાદન અને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ અડાલજના પ્રાંગણમાં નિર્મિત પરમ પૂજ્ય દાદા ભગવાન પ્રરૂપિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરે દર્શન માટે પધાર્યા હતા. અહીં તેમણે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી, પરમ પૂજ્ય દાદા ભગવાન તેમજ અન્ય દેવ-દેવીઓની પ્રતિમાને ભાવપૂર્વક વંદન કરીને આશિષ મેળવ્યા હતા. રાજકીય ક્ષેત્રે ઘણાં વર્ષોથી સક્રિય અને સહુની સાથે તાલમેલથી ચાલતા ભૂપેન્દ્રભાઈ, તેમના પરમ પૂજ્ય દાદા ભગવાન માટેના અનન્ય ભક્તિભાવને કારણે વિધાનસભા વિસ્તારમાં "દાદા" તરીકે પણ ઓળખાય છે.
ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
First published:

Tags: Bhupendra Patel, Vijay Rupani, ગુજરાત, સીએમ