Home /News /gujarat /Toll Tax Hike: હવે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી વાહન લઈને જવાનું વધારે મોંઘું થયું
Toll Tax Hike: હવે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી વાહન લઈને જવાનું વધારે મોંઘું થયું
ટોલ ટેક્સના ભાવમાં વધારો કરાયો
Ahmedabad-Vadodara Expressway Toll Tax Hike: હવે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર મુસાફરી કરવાનું વધારે મોંઘું થયું છે. ટોલ ટેક્સના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં સિંગલ ટોલ અને રિટર્ન ટોલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
ગાંધીનગરઃ ખાવા-પીવાની વસ્તુઓ સહિત અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે ટોલ ટેક્સના ભાવમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ-વડોદરાના ટોલ ટેક્સમાં પણ હવે ભાવ વધી ગયા છે જેમાં લાઈટ મોટર વ્હીકલો એટલે કે કાર લઈને જનારા મુસાફરોએ સિંગલ ટોલ ટેક્સ 135 રૂપિયા ભરવા પડશે જ્યારે રિટર્નના 200 રૂપિયા ચાર્જ થશે.
દેશમાં દિવસે દિવસે વધી રહેલી મોંઘવારીથી સામાન્ય માણસની હાલત કફોડી બની છે. પેટ્રોલ અને ડિઝલ સહિત જીવન જરૂરી ચીજોના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. ત્યારે હવે વડોદરાથી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ટોલના ભાવમાં વધારો થતા હવેથી કાર, જીપ, વાન અને લાઈટ મોટર વ્હિકલ પ્રકારના વાહનોને અમદાવાદથી વડોદરા ટોલ ટેક્ષ સીંગલ 135 અને રીટર્ન 200 રૂપિયા થશે.
અમદાવાદથી નડિયાદની સિંગલ ટ્રીપ માટે રૂપિયા 65 અને રિટર્ન ટ્રીપના રૂપિયા 95 થશે. અમદાવાદથી આણંદના સિંગલ ટ્રીપ રૂપિયા 85 અને રિટર્ન ટ્રીપ રૂપિયા 125 થશે. ઉલ્લેખનીય છે આ ભાવ વધારાની જાહેરાત આઈઆરબી કંપની દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે રઘવાણજના ટોલ નાકા પર પણ કારના 105 રૂપિયા અને વાસદથી વડોદરા માટે વાસદના ટોલનાકા પર કારના હવેથી 150 રૂપિયા વસૂલવામાં આવશે. આ વધારા બાદ હવે પહેલી એપ્રિલથી વડોદરાથી આણંદ જો કાર લઈને જતા હશો તો ફાસ્ટટેગની ટોલ ફી 50 રૂપિયા, નડિયાદ માટે 70 રૂપિયા, વડોદરાથી ઔડા રિંગ રોડના 130 રૂપિયા અને અમદાવાદ માટે 135 રૂપિયા ચૂકવવા પડશે.
આ ભાવ વધારા પહેલા અમદાવાદથી વડોદરાની ટોલ ટેક્સ ફી કાર, જીપ, વાન અને હળવા વાહન માટે સીંગલ ટ્રીપ રૂપિયા 125 અને રિટર્ન ટ્રીપ ફી રૂપિયા 190 હતી. જોકે હવે વડોદરાથી આણંદ, નડિયાદ, ઔડા રિંગ રોડ અને અમદાવાદ માટેના ટોલમાં 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરથી રોજના હજારો વાહનો પસાર થતા હોય છે. જેમાં ગૂડ્સ સર્વિસ, સરકારી ટ્રાન્સપોર્ટ, ખાનગી ટ્રાન્સપોર્ટ, પ્રાઈવેટ વ્હીકલ મોટી સંખ્યામાં પસાર થતાં હોય છે. ત્યારે આ ટોલ કીમાં વધારો થતા મોંઘવારી નો વધુ માર પડશે.