અમદાવાદ: ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની સરકારની ઓનલાઇન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રવેશ ફાળવણીમાં હજુ 29 હજારથી વધુ જેટલી બેઠકો ખાલી રહી છે. જ્યારે 21962 વિધાર્થીઓને બેઠક પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.
પ્રવેશ સમિતિ દ્વારા વિધાર્થીઓને પ્રવેશ માટે ડિગ્રી એન્જિનિયરિંગમાં સીટ એલોટમેન્ટ કરાયું છે. જે માટે 51381 સીટો પૈકી 21962 વિધાર્થીઓનું એલોટમેન્ટ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 5 કોલેજોમાં પ્રવેશ માટે એકપણ વિધાર્થીઓએ રસ ન દાખવ્યો. જ્યારે 7 કોલેજોને 100% સીટો પર એલોટમેન્ટ કરવામાં આવ્યું છે. 77 કોલેજોમાં 50 ટકાથી ઓછું એલોટમેન્ટ થયું છે. તેવી જ રીતે સરકારી અને ગ્રાન્ટ ઈન કોલેજોમાં 11411 સીટો પૈકી 7214 સીટો ફાળવાઇ છે. જ્યારે સ્વ નિર્ભર કોલેજોની 38810 સીટો પૈકી 14748 સીટો ફાળવાઇ છે.
જોકે, પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીમાં વિધાર્થીઓએ જે કોર્સમાં પોતાની પસંદગી કરી છે તેના નજર કરીએ તો હાલનો યુગ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો છે. આગામી સમયમાં તેમાં કારકિર્દીની ઉજ્જવળ તકોને જોતા તમામ 339 બેઠકોની ફાળવણી કરાઈ છે. તેવી જ રીતે આર્ટિફિશિયલ ઓફ ઈન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિગની તમામ 170 બેઠકો ભરાઈ છે.