Ahmedabad Crime: રખિયાલમાં રહેતી 25 વર્ષીય યુવતી એકાદ વર્ષથી પિયરમાં રહે છે. વર્ષ 2015માં તેણે ભરૂચનાં એક યુવક સાથે લગ્ન કર્યા હતા. આ યુવતીના જેઠ જેઠાણી ભરૂચ નોકરી કરતા હોવાથી તેને બે એક વર્ષ સુધી સારી રીતે રાખી હતી. યુવતીને લગ્નના બે વર્ષ બાદ પણ સંતાન ન થતા બાદમાં નાની નાની વાતોમાં સાસરિયાઓ એ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ બેએક વર્ષ સુધી તેને સંતાન ન થતા સાસરિયાઓ વાંઝણી કહીને અપમાન કરતા હતા. આટલું જ નહીં પતિનો પ્રેમ પામવા યુવતીએ આઇવીએફ ટેસ્ટ ટ્યુબ બેબીની સારવાર લીધી પણ તે સફળ નહોતી થઈ. જે બાદ પતિ ગુસ્સે થઈને ધીરજ ખોઈ બેઠો હતો. અને યુવતી સાથે વારંવાર મારઝૂડ કરતો હતો. સારવારનો ખર્ચ પિયરમાંથી લાવવા દબાણ કરતા યુવતી કંટાળીને આખરે પોલીસ ફરિયાદ કરી છે. જે બાદ આ મામલે હવે રખિયાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
રખિયાલમાં રહેતી 25 વર્ષીય યુવતી એકાદ વર્ષથી પિયરમાં રહે છે. વર્ષ 2015માં તેણે ભરૂચનાં એક યુવક સાથે લગ્ન કર્યા હતા. આ યુવતીના જેઠ જેઠાણી ભરૂચ નોકરી કરતા હોવાથી તેને બે એક વર્ષ સુધી સારી રીતે રાખી હતી. યુવતીને લગ્નના બે વર્ષ બાદ પણ સંતાન ન થતા બાદમાં નાની નાની વાતોમાં સાસરિયાઓ એ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેથી યુવતી રિસાઈને પિયરમાં આવી હતી. પણ પરિવારજનોએ સમજાવતા તે પાછી સાસરે રહેવા આવી હતી. બાદમાં યુવતીના પતિએ વડોદરા ખાતે નોકરી શરૂ કરતા તે વડોદરા રહેવા ગઈ હતી.
વડોદરા રહેવા આવ્યા બાદ યુવતીએ ટેસ્ટ ટ્યુબ બેબી (આઈ.વી.એફ)ની સારવાર પણ શરૂ કરાવી હતી. પણ આ સારવાર સફળ થઈ નહોતી. જેથી પતિની પણ ધીરજ ખૂટી ગઈ અને આ બાબતોને લઈને યુવતીને ત્રાસ આપવાનું શરૂ કરી ગુસ્સો કરવા લાગ્યો હતો. આ સારવારમાં બે લાખ જેટલો ખર્ચ થયો તે ખર્ચ પિયરમાંથી લઈ આવવાનું દબાણ કરી સાસરિયાઓ આ પરિણીતાને ત્રાસ આપતા અને વાંઝણી કહીને અપમાન કરતા હતા.
સાસરિયાઓ યુવતીનાં પતિને ચઢાવતા અને કહેતા કે તું આને કાઢી મુક આપણે બીજી તારા માટે પત્ની લાવીશું. ઘરના બધાએ બાળક ન થતા યુવતીને ત્રાસ આપવાનું અને ભેગા થાય ત્યારે અપમાન કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ આ યુવતીને કાઢી મૂકી ઘરના દરવાજા પણ બંધ કરી દીધા હતા. યુવતીનાં પિતાને કેન્સર થયું હતું જેથી ખૂબ ખર્ચ થઈ જતા યુવતી પૈસાની સગવડ બાદમાં કરી આપીશ તેવું જણાવતી હતી અને સંસાર ટકાવતી હતી. એક દિવસ તેના પિતાનું મૃત્યુ થયું ત્યારે સાસરિયાઓને જાણ કરતા તેઓએ નફ્ફટાઈ પૂર્વક કહી દીધું કે પૈસાની સગવડ ના કરી આપી તો અમે શુ કામ આવીએ. આવા ત્રાસથી કંટાળીને આખરે યુવતીએ અરજી આપતા હવે રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.