અમદાવાદ : Acb દ્વારા (ACB Trap)આણંદમાં (Anand)એક સાથે 2 અલગ-અલગ કેસો કરવામાં આવ્યા છે. જેમાં એક આરોપી નાયબ ઈજનેર તો બીજો આરોપી નાયબ મામલતદાર (Deputy Mamlatdar)છે. ફરિયાદી તારાપુર તાલુકાના વલ્લી ગામે જમીન ભાડે રાખી કમળની ખેતી કરતા હતા. જેથી ખેતી માટે વીજ કનેકશન મેળવવા માટે તારાપુર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે જરૂરી પુરાવા સાથે અરજી કરી હતી. જે અરજીની સાથે જરૂરી ફી ભરી હતી. જે અનુસંધાને આરોપી દિલીપકુમાર મગનભાઇ વસૈયા, નાયબ ઇજનેરે ( MGVCL)જમીનની સ્થળ મુલાકાત કરી હતી અને જમીનમાં કોઇ પણ પ્રકારનુ ખેતીકામ થતું નથી. તેમજ આ જમીનમાં કમળના ઉત્પાદન માટે તલાવડી બનાવવામાં આવેલ છે. જેથી ખેતી માટે વીજ જોડાણ (Electrical connection)ના મળી શકે તેવી નોટિસ આપી હતી.
વીજ કનેકશન જોઇતું હોય તો તમારે મારો વ્યવહાર કરવો પડશે
જેથી જે નોટિસ સંદર્ભે ફરીયાદીએ આરોપીને રૂબરૂ મળતાં જણાવેલ કે તમને વીજ કનેકશન મળવા પાત્ર નથી પરંતુ વીજ કનેકશન જોઇતું હોય તો તમારે મારો વ્યવહાર કરવો પડશે. તેમ જણાવી આ કામ પેટે આરોપીએ પ્રથમ બે લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ વિનંતી કરી કંઇક ઓછું કરવા જણાવતાં રકઝકના અંતે છેલ્લે 60,000 રૂપિયા આપવાના નક્કી થયા હતા. જોકે ફરિયાદી લાંચના પૈસા આપવા માંગતા ન હોવાથી એસીબીનો (Anti Corruption Bureau)સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકામાં આરોપી રંગેહાથે ઝડપાઇ ગયો હતો.
ત્યારે અન્ય એક કેસની વાત કરીએ તો આરોપી નાયબ મામલતદાર દિગ્વિજયસિંહ બચુભા જાડેજા ( મામલતદાર કચેરી, આંકલાવ) 1500 ની લાંચ લેતા પકડાઈ ગયા છે. ઘટનાની વાત કરીએ તો આ કામના ફરીયાદીની વડીલોપાર્જિત જમીનમાં નામો કમી કરવા માટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે 10,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે પછી રકઝકના અંતે તેઓએ 4000 રૂપિયા વ્યવહાર પેટેના નક્કી કરેલા અને હાલ જેટલા હોય તેટલા આપી દેવા જણાવ્યું હતું. ફરિયાદીએ તે સમયે 2000 રૂપિયા આરોપીને આપ્યા હતા અને બાકીના 2000 રૂપિયા પછી આપી જવા કહ્યું હતું.
ફરિયાદી 2000ની લાંચની રકમ આરોપીને આપવા માંગતા ન હતો જેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરિયાદી પાસે 2000 રૂપિયાની લાંચ માંગી હતી. તે પૈકી 2500 રૂપિયા ફરિયાદીને પરત આપી 1500 રૂપિયાની લાંચ સ્વીકારતા પકડાઇ જતા કાયદેસર કાર્યવાહીની કરવામાં આવી છે.