આજથી 75 વર્ષ પહેલા થઈ હતી ‘આરઝી હકૂમત’ ની સ્થાપના; જેણે જૂનાગઢને પાકિસ્તાનથી આઝાદ કરાવ્યું

આરઝી હકૂમતની લડાઈ આજના દિવસથી થઈ હતી શરૂ

જો આજથી 75 વર્ષ પહેલાં આરઝી હકુમતની સ્થાપના ન થઈ હોત, તો આજે પણ જૂનાગઢમાં કદાચ પાકિસ્તાનનું શાસન ચાલતું હોત! વાંચો આરઝી હકુમત વિશેનો આ ખાસ અહેવાલ

 • Share this:
  સમગ્ર ભારત દેશ સ્વતંત્રતાની ખુશી મનાવી રહ્યો હતો, ત્યારે જૂનાગઢ નવાબ મહાબતખાન-ત્રીજાએ 15મી ઓગસ્ટ, 1947 ના રોજ જૂનાગઢ રાજ્યના પાકિસ્તાન સાથેના જોડાણને સ્વીકારતા, રાજ્યની હિન્દુ પ્રજા ગૂંચવણમાં પડી! સમગ્ર કાઠિયાવાડમાં ખળભળાટ મચી ગયો. પ્રજાનો અનુભવ હતો કે, રાજ્યમાં રહી રાજ્ય વિરુદ્ધ ચળવળ કે આંદોલન શક્ય ન હતું, તેમજ ભૌગોલિક પરિસ્થિતિ તથા વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ આ નિર્ણય તદ્દન અવ્યવહારુ હતો.

  આ પરિસ્થિતીમાં મુંબઈમાં રહેતા જૂનાગઢવાસીઓ દ્વારા 19મી ઓગસ્ટ, 1947ના રોજ મુંબઈના વંદે માતરમ કાર્યાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાય; જેમાં ઢેબરભાઈ, શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠ જેવાં નામી આગેવાનો હાજર રહ્યા હતા. આ સભામાં નવાબ મહાબતખાન ત્રીજાને સમજાવવા એક પ્રતિનિધિ મંડળ મોકલવાનું નક્કી થયું.

  પરંતુ નવાબ મહાબતખાનના પાકિસ્તાન સાથે જોડાણના નિર્ણયને બદલવા માટે કરવામાં આવેલ દરેક પ્રયાસ નિષ્ફળ જતાં, મુંબઈ સ્થિત જૂનાગઢવાસીઓ દ્વારા માધવબાગ ખાતે 25મી સપ્ટેમ્બર, 1947 ના રોજ નવાબ મહાબતખાન સામે સશસ્ત્ર લડત આપવા નિર્ધાર જાહેર કર્યો. આ જાહેરસભામાં આરઝી હકુમતની સ્થાપના કરી, આરઝી હકુમતનું જાહેરનામું અને પ્રધાનોના નામોની સૂચિને પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

  આરઝી હકૂમતના પ્રધાનમંડળના વડાપ્રધાન શામળદાસ ગાંધી હતા, તેઓ દ્વારા પોતાના પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરવામાં આવી. 30મી સપ્ટેમ્બર, 1947ના રોજ રાજકોટ ખાતે આવેલ જૂનાગઢ હાઉસ (વર્તમાન સર્કિટ હાઉસ)નો કબજો લઈને આરઝી હકુમતના મુખ્ય મથક તરીકે તેની સ્થાપના કરી. ત્યાંથી વહીવટી કાર્યવાહીની શરૂઆત કરી હતી. જે પછી અનેક સ્વયંસેવકોની ભરતી કરવામાં આવી, યુવાનોને સામાન્ય હથિયારોના ઉપયોગની તાલીમ આપવામાં આવી. આઝાદ હિન્દ ફોજ તથા અન્ય નિવૃત્ત જવાનોને આરઝી હકુમત સેનામાં ભરતી કરવામાં આવ્યા. આરઝી હકૂમતની આઅ લડતમાં 4000 જેટલા સૈનિકો જોડાયા.

  જૂનાગઢ રાજ્યમાંથી પાકિસ્તાનનો પગદંડો ખસેડવા યોજનાઓ અને રણનીતિ તૈયાર કરવામાં આવી. 24મી ઓકટોબર, 1947ના રોજ અમરેલી જિલ્લાના કુકાવાવ પાસે આવેલ જૂનાગઢ રાજ્યના અમરાપુર ગામ પર છાપો મારી તેને કબજે કર્યું અને બે દિવસમાં જૂનાગઢ રાજ્યના અન્ય 21 ગામો હસ્તગત કર્યા. રાજ્યમાં ચાલતી આ પ્રવૃત્તિઓ, રાજ્ય અને રાજ્ય બહારના શાસકો તથા આગેવાનોના અવિરત પ્રયાસથી નવાબ મહાબતખાન પોતાના પાકિસ્તાન સાથે જોડાવવાનો નિર્ણય બદલી શકે, તેવા ભયથી દીવાન ભુટ્ટોએ નવાબને કરાચી જઈ ઝીણા સાથે વાટાઘાટો માટે જવાની સલાહ આપી. આમ, નવાબ મહાબતખાન પોતાના કુટુંબીજનો સાથે 24મી ઓકટોબર, 1947 ના રોજ વિમાન દ્વારા કેશોદ થી કરાંચી જવા રવાના થયા. નવાબના કરાંચી ગમન બાદ અને આરઝી હકૂમતની સફળતાને કારણે જૂનાગઢ રાજ્યની પ્રજામાં હિંમત અને ખુમારી આવી. જે પછી લડવૈયાઓએ કુલ 106 ગામ કબજે કર્યા.

  નવેમ્બરમાં સરકારના ચીફ સેક્રેટરી બુચને જૂનાગઢનો કબજો સોંપવામાં આવ્યો, ત્યારબાદ પ્રજાની ઈચ્છા જાણવા માટે તા.20 ફેબ્રુઆરી, 1948 ના રોજ લોકમત લેવામાં આવ્યો અને લોકમત પ્રમાણે અંતે જૂનાગઢ પણ અખંડ ભારતનો એક ભાગ બન્યું. આથી એવું ચોક્કસથી કહી શકાય કે, જો કદાચ આરઝી હકુમતની સ્થાપના ન થઈ હોત તો, આજે જૂનાગઢ કદાચ 'આપણું' ન હોત! ધન્ય છે, એ વિરોને જેમણે નવાબ સામે જંગ છેડીને આપણું જૂનાગઢ બચાવ્યું અને આપણને પાછું અપાવ્યું!
  Published by:Jay Mishra
  First published: