Illegal alcohol and drugs business in Gujarat: ગુજરાતમાંથી પાછલા બે વર્ષમાં દારૂ, બિયર અને ડ્રગ્સનો જે જથ્થો પકડાયો છે તેના આંકડા સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. કુલ 4270થી વધુનો મુદ્દામાલ પકડાયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા સરકારની અને ગૃહખાતાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
ગાંધીનગરઃ વિધાનસભામાં સરકાર દ્વારા જે જવાબ આપવામાં આવ્યા તેનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપના સાશનમાં જે ગુજરાતમં દારૂબંધી છે, નશાકારણ દ્રવ્યોનો ઉપયોગ થઈ શકતો નથી ત્યારે ઉડતા ગુજરાત જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ શબ્દો કોંગ્રેસના નેતા અમિત ચાવડાના છે. રાજ્યમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરાતા દારૂ અંગેના સવાલના જવાબમાં સરકારે જે આંકડા રજૂ કર્યા છે તે ચોંકાવનારા છે. જે આંકડા સામે આવ્યા છે તેને લઈને ગુજરાત કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.
પ્રશ્નના જવાબમાં જે આંકડા મળ્યા તેને રજૂ કરતા અમિત ચાવડાએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 25 જિલ્લાઓમાંથી ગુજરાતની બહાર ઉત્પાદન થતું હોય તેવા વિદેશી દારૂની કુલ 1 કરોડ 66 લાખ બોટલો પકડાઈ છે. જેની અંદાજિત કિંમત 200 કરોડ રૂપિયા થાય છે. દારૂ ગુજરાતની બોર્ડરથી અંદર આવે છે અને છેક ગામે ગામ અને ગલી સુધી વિચાય છે તેવો આક્ષેપ પણ ચાવડાએ કર્યો હતો. આ સિવાય રાજ્યમાંથી 2 વર્ષમાં લગભગ 2 લાખ જેટલો દેશી દારૂ પકડાયો છે જેની કિંમત 4 કરોડ રૂપિયા થાય છે.
આ સિવાય બિયરની 12.5 લાખ બોટલો પકડાઈ છે, જેની બજાર કિંમત 10 કરોડ રૂપિયા થાય છે. દારૂની સાથે અફિણ, ગાંજો, ચરસ, હેરોઈન, ડ્રગ્સ રાજ્યમાં ઘૂસાડવાનું રેકેટ ચાલી રહ્યું છે. રાજ્યમાંથી 4058 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. દારૂ, બિયર અને ડ્રગ્સનો કુલ બે વર્ષમાં 4270 કરોડ કરતા વધુનો જથ્થો પકડાયો છે. ચાવડાએ આક્ષેપ કર્યો કે આ તો માત્ર 2 વર્ષમાં પકડાયેલા જથ્થાની વાત છે. પરંતુ તમે આ જોઈને સમજી શકો છો કે કેટલા પ્રમાણમાં નશાકારક દ્રવ્યો ગુજરાતમાં ઘૂસાડવામાં આવે છે અને તેનો વેપાર કરવાનું નેટવર્ક ચલાવવામાં આવે છે. હું માનું છું કે જે વેચાણ થાય છે, ઉપયોગ થાય છે એનો આ (પકડાયેલો જથ્થો) એક ટકો પણ નથી. ગુજરાતમાં ડબલ ગતિથી નશાકારક દ્રવ્યો વેચાઈ રહ્યા છે.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, "યુવાનોને શિક્ષણ લીધા પછી રોજગાર ના મળતો હોય, પેપર ફૂટતા હોય, રૂપિયા આપો તો જ નોકરી મળતી હોય તેવી સ્થિતિ છે ત્યારે પ્રશ્નોત્તરીમાં 25 જિલ્લાના જે આંકડા સામે આવ્યા છે તે આપણા સૌના માટે ચોંકાવનારા અને ચિંતાજનક છે."