ગાંધીનગર : કોરોના મહામારીને ધ્યાને રાખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9થી ધોરણ-12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. પરીક્ષા પદ્ધતિમાં પણ મોટાપાયે ફેરફાર કરાયો છે. બોર્ડના નિર્ણય મુજબ ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 ટકા કર્યું છે. જે અગાઉ 20 ટકા હતું.
ધોરણ-12 સાયન્સમાં અગાઉની જેમ જ પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ અને 50 ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે. ધોરણ-9થી ધોરણ-12માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે.
આ પણ વાંચો - એક દિવસમાં 30 હજાર લોકોને અપાશે રસી, અમદાવાદમાં 300 કેન્દ્ર ઉભા કરાશે
આ ફેરફાર પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના મુખ્ય 40 વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ છે. આ તમામ ફેરફાર અંગેની જાણ રાજ્યના શિક્ષણાધિકારીઓને કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ આ વિગતો મુકવામાં આવી છે.
વર્તમાન કોરોનાની સ્થિતિને કારણે માત્ર એક વર્ષ સુધી જ આ નિયમ લાગુ પડશે. એટલું જ નહીં, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકશે. જોકે સ્કૂલો ક્યારે શરૂ થશે તે બાબતે હજી સુધી ગુજરાત સરકારે કોઈ નિર્ણય લીધો નથી.
કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં યોજવાનું અને ધો. 9 અને ધો. 11ની પરીક્ષા જૂન મહિનામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 21મેથી ધો. 10 અને 12ની પરીક્ષા શરૂ કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:January 01, 2021, 22:30 pm