Pakistani Fishermen Arrested: ગુજરાતના કચ્છ જિલ્લાના દરિયાકાંઠે ભારત-પાકિસ્તાન સરહદ નજીક 3 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે બીએસએફને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઘેરાબંધી કરીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. માછીમારોએ પાકિસ્તાન તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને નિષ્ફળ રહ્યા હતા. આમાંથી એક માછીમાર 2017માં પણ પકડાઈ ચૂક્યો છે.
અમદાવાદઃ બોર્ડર સિક્યોરિટી ફોર્સે (BSF) સોમવારે ગુજરાતના કચ્છ જિલ્લાના દરિયાકાંઠે ભારત-પાકિસ્તાન સરહદ નજીકના ખાડી વિસ્તારમાંથી ત્રણ પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી હતી. આ દરમિયાન તેની બોટ જપ્ત કરવામાં આવી હતી. બીએસએફએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આખી રાત એક વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સોમવારે વહેલી સવારે 'હરામીનાળા' ખાડી વિસ્તારમાંથી ત્રણ પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી.
BSF દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, ‘ભારતીય વિસ્તારમાં પાકિસ્તાની ફિશિંગ બોટ અને માછીમારોની હિલચાલ જોવા મળી હતી. આ માહિતી મળતા જ બીએસએફના અધિકારીઓએ તરત જ આ અંગે ટીમને સક્રિય કરી દીધી હતી. પેટ્રોલિંગ કરનારા જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બોટનો કબજો લઈ લીધો હતો. બીએસએફના જવાનોને આવતા જોઈ માછીમારોએ પાકિસ્તાન તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જવાનોએ તેમને પકડી લીધા.’
પ્રેસ રિલીઝ અનુસાર, આ લોકો પાકિસ્તાનના 'ઝીરો પોઈન્ટ'ના રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, એક માછીમારને 2017માં પણ બીએસએફ દ્વારા પકડવામાં આવ્યો હતો. તે એક વર્ષ સુધી ભુજ જેલમાં બંધ રહ્યો હતો, ત્યારબાદ તેને અટારી વાઘા બોર્ડર મારફતે પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો.