રૂપાણી સરકારના 100 દિવસ સામે 100 સવાલ !

5 એપ્રિલે રૂપાણી સરકાર ચૌદમી વિધાનસભા રચાયા પછી 100 દિવસ પૂર્ણ કરશે. વિજયભાઈનો આ કાર્યકાળ માત્ર તેમની માટે જ નહિ સમગ્ર રાજ્ય માટે અકળાવનારો સાબિત થયો છે.

5 એપ્રિલે રૂપાણી સરકાર ચૌદમી વિધાનસભા રચાયા પછી 100 દિવસ પૂર્ણ કરશે. વિજયભાઈનો આ કાર્યકાળ માત્ર તેમની માટે જ નહિ સમગ્ર રાજ્ય માટે અકળાવનારો સાબિત થયો છે.

 • Share this:
  સંજય કચોટ :

  26 ડિસેમ્બર, 2017 થી 5 એપ્રિલ સુધીનો 100 દિવસનો સમયગાળો માત્ર રૂપાણી સરકાર માટે જ નહિ, સમગ્ર ગુજરાત માટે ભારે સાબિત થયો છે. મુખ્યમંત્રી રૂપાણીની બીજી ઇંનિગનો પ્રારંભ જ અનિશ્ચિતતાના પાયા ઉપર થયો. કોણ બનશે મુખ્યમંત્રી ? એ અવઢવમાંથી 26 ડિસેમ્બરનો દિવસ તો પસાર થઇ ગયો પરંતુ બાકીના 100 દિવસો કહીએ કે 100 સવાલો સામે લઈને ઉભા છે ! જેમ-તેમ કરીને કાલે એટલે કે 5 એપ્રિલે રૂપાણી સરકાર ચૌદમી વિધાનસભા રચાયા પછી 100 દિવસ પૂર્ણ કરશે. વિજયભાઈનો આ કાર્યકાળ માત્ર તેમની માટે જ નહિ સમગ્ર રાજ્ય માટે અકળાવનારો સાબિત થયો છે.

  શક્ય છે કે વ્યક્તિ તરીકે વિજય રૂપાણી સારા, સરળ અને સાલસ હોય પરંતુ સારપ માત્રથી સરકારો નથી ચાલતી એ વાતનો ધડો તેમણે "સાહેબશ્રી" પાસેથી લેવો જોઈતો હતો !

  એક સામાન્ય કોર્પોરેટરથી રાજકીય કારકિર્દી શરુ કરનારા વિજય રૂપાણીએ  સ્ટેન્ડિંગ કમિટીના  અધ્યક્ષ, મેયર, સંગઠનના હોદ્દા, પક્ષપ્રમુખ અને આખરે મુખ્યમંત્રી સુધીની સફર ઘણુંખરું સફળતાથી ખેડી. જો કે, તેમની આ યાત્રામાં તેમને તેમના ‘રાજકીય આકાઓ’નો સહારો મળતો રહ્યો હતો. સ્વતંત્રરૂપે જયારે મુખ્યમંત્રીપદે કામ કરવાનું આવ્યું ત્યારે તેમનું ‘પાણી’ ખરેખર મપાઈ ગયું ! હા, એ વાત પણ વિચારણીય છે કે તેઓ કેટલી સ્વતંત્રતાથી વહીવટ ચલાવી શકે છે ? ક્યારેક સાહેબ, ક્યારેક રાષ્ટ્રીય પ્રમુખ, ક્યારેક નાયબ મુખ્યમંત્રી તો ક્યારેક પૂર્વ મુખ્યમંત્રીના ઘોંચ-પરોણા વચ્ચે મુખ્યમંત્રી "બિચારા" સાબિત થઇ રહ્યા છે.

  "પાણી" મામલે પાણી મપાઈ ગયું

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે સૌની યોજના, ધરોઈ વંદના, નર્મદા જળયાત્રા અને સી-પ્લેનના માધ્યમથી પ્રજાને 'પાણી-પાણી" કરનારી રૂપાણી સરકારને  માત્ર એક જ મહિનામાં નર્મદાના નીર ભયજનક સ્તરે સૂકાઈ રહ્યા હોવાની જાહેરાત કરવી પડે એ બાબત જ પાણીના મામલે સરકારનું પાણી મપાઈ ગયું હોવાનું સૂચવી જાય છે. પાણીની અછત એ તમામ મુખ્યમંત્રીઓના "પાણી માપ્યા" હોઈ, ઉનાળો હવે જયારે ભરપૂર છે ત્યારે રૂપાણીની ચિંતામાં ઔર વધારો કરશે

  વર્ગ વિગ્રહ, જ્ઞાતિ-જાતિ અને સળગતું ગુજરાત

  મોદીમાં રાજકીય કુનેહ હતી. કદાચ આ કારણે જ તેમના કાર્યકાળ દરમિયાન ભાગ્યે જ કોઈ સમુદાય, જાતિ કે જ્ઞાતિ, ધર્મ કે વર્ગના લોકો જાહેરમાં તેમની વિરુદ્ધ પ્રદર્શન કરતા અટકાતા. મોદીનો એવો  તાપ અને નિયંત્રણ હતું તે કોઈ નકારી શકે નહિ. રૂપાણી શાસનમાં ભાનુ પરમાર, પ્રવીણ રાઠોડ જેવા દલિત ભાઈઓ કમોતે મરે છે. દલિત આંદોલનો થાય છે. એસટી/એસસી કાયદાના સુધારાના મામલે રાજ્ય ભડકે બળે છે. "પદ્માવત" મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશથી વિપરીત ક્ષત્રિય સમાજની ખફગીનો ભોગ ન બનવું પડે તે માટે રાજ્યમાં ફિલ્મ રિલીઝ નથી થઇ શકતી એ બાબત પણ સંવૈધાનિક રીતે ચૂંટાયેલી સરકારની "અસંવૈધાનિક નબળાઈ" સૂચવી જાય છે.

  શિક્ષણક્ષેત્રે સાવ અભણ સાબિત થઇ સરકાર

  રાજ્યના શિક્ષણમંત્રી પૂર્વે ક્યારેક શિક્ષક હતા એ અંગે હવે જરૂર સવાલ થાય છે. શિક્ષક સંવેદનશીલ, સરળ અને સત્વશીલ હોય, જો આ પૈકીનું  કંઈપણ ન હોય તો એ ભુપેન્દ્રસિંહ ચુડાસમા હોય !! "ફી રેગ્યુલેશન" મામલે ચુડાસમા સાહેબે સરકારની જે વલે કરી છે તે સહુ જાણે છે. મા-બાપ, વાલીઓ સહુ પરેશાન છે  અને આ ભાઈએ ખાનગી શાળોને ફી ઉઘરાવવાનો જાણે પીળો પારવાનો આપી દીધો છે. જો કે, ચુડાસમા સાથે સરકાર હશે જ, નહિ તો આવું ન થાય. ઉચ્ચ શિક્ષણમાં પણ કંઈ ગુજરાતની કોઈ કોલેજો ઉકાળી નથી શકી તે એનઆઈઆએફના અહેવાલોથી નક્કી થઇ ગયું છે. ગુજરાતનું અનુકરણ ઉત્તરપ્રદેશ કરે છે અને ફી નિર્ધારણ કરી શકે છે, પણ આ સરકાર શિક્ષણ મામલે સાવ અભણ સાબિત થઇ છે તે ચોક્કસ છે

  ગુજરાત વિધાનસભા ઉપર કાળી ટીલી લાગી

  ગુજરાત વિધાનસભા ઉપર 23 ફેબ્રુઆરીએ કાળી ટીલી લાગી. આ દિવસે ગૃહમાં શાસક ભાજપ અને વિપક્ષી કોંગ્રેસના ધારાસભ્યો બિલકુલ છૂટાહાથની મારામારી પર ઉતરી આવ્યા હતા. માઇક ખેંચાયા, હુમલા થયા અને ગલીછાપ ગુંડાઓની જેમ ચૂંટાયેલા પ્રતિનિધઓ વારવાઈ ઉપર ઉતરી આવ્યા। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. પરંતુ ત્યારે મુખ્યમંત્રી રૂપાણી ક્યાં હતા ? સસ્પેન્શન થયા, માફા-માફી પણ થઇ, સસ્પેન્શન ખેંચાયા અને બધા પાછા ‘હતા એવા ને એવા’ થઇ ગયા. વાત મુદ્દે ગમે તે થઇ, પરંતુ આબરૂ અને અસ્મિતા ગુજરાતની હણાઈ !

  મંત્રીઓ, અધિકારો બેફામ બન્યા

  રૂપાણી સરકારના ક્યા મંત્રી મુખ્યમંત્રીનું માને છે ? શરૂઆત નીતિનભાઈએ કરી, થોડા સમયમાં પુરુષોત્તમ સોલંકી જાગ્યા, સૌરભ પટેલને શાંત કર્યા’તો વડોદરાના ધારાસભ્યો અને ખાસ કરીને યોગેશ પટેલ જાગ્યા ! અધ્યક્ષપદ માટે હુંસા-તુંસી ચાલી. ‘પદમાવત’ના મામલે ગૃહ વિભાગ ઊંઘતો ઝડપાયો અને દલિત કાયદા મામલે રાજ્ય બેકાબુ બન્યું । મુદ્દે ન સરકારના મંત્રીઓ કે ન અધિકારીઓ કોઈ પણ મામલે સરકારના નિયંત્રણમાં રહ્યા.

  આ દૃષ્ટિએ રૂપાણી સરકારના 100 દિવસો તો ઘણુંખરું અસફળ રહ્યા એવું કહીયે તો જરાય અનુચિત નહિ કહેવાય.
  Published by:sanjay kachot
  First published: