Home /News /gir-somnath /વધુ એક પુલ દુર્ધટનાને નોતરૂ, સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર આવેલા ત્રણ પુલની હાલત અતિ બિસ્માર
વધુ એક પુલ દુર્ધટનાને નોતરૂ, સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર આવેલા ત્રણ પુલની હાલત અતિ બિસ્માર
ગીર સોમનાથમા ત્રણ પુલની હાલત અતિ બિસ્માર
Gir Somnath: કોડીનારના દુદાણા ગામ નજીક બની રહેલા ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગની વચ્ચે આવેલો અને અંદાજિત 30 વર્ષ પૂર્વે બનેલો પુલ ખખડધજ બની ગયો છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું જોવા મળતું નથી જે ખૂબ મોટી ચિંતાનો વિષય છે.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: કોડીનારના દુદાણા ગામ નજીક બની રહેલા ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગની વચ્ચે આવેલો અને અંદાજિત ત્રીસ વર્ષ પૂર્વે બનેલો પુલ ખખડધજ બની ગયો છે. આ પુલ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, તો તાકિદે આ પુલના નવિનીકરણ નહીં કરવામાં આવે તો અહીં પણ કોઈ મોટી દુર્ઘટનાને નોતરું આપી શકે તેમ છે.
પુલ આજે અત્યંત ખખડધજ હાલતમાં જોવા મળ્યો
ગત રવિવારે સાંજના સમયે મોરબીના ઝૂલતો પુલ અકસ્માત ગ્રસ્ત થતા તેમાં 135 કરતા વધુ નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જેથી આ દુર્ઘટના બાદ પણ રાજ્યનું વહીવટી તંત્ર જો સફાળું નહીં જાગે તો કોડીનાર નજીક દુદાણા ગામ પાસે સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર આવેલા પુલ પર પણ કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે તેમ છે. 30 વર્ષ પહેલાં બનેલો આ નેશનલ હાઇવે પરનો પુલ આજે અત્યંત ખખડધજ હાલતમાં જોવા મળે છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું જોવા મળતું નથી જે ખૂબ મોટી ચિંતાનો વિષય છે.
આજથી અંદાજિત ત્રીસ વર્ષ પૂર્વે બનેલો દુદાણા ગામ પાસેનો આ પુલ આજે ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે, તો થોડા સમય પૂર્વે પુલમાં પડેલા મસમોટા ગાબડાને કારણે પુલને એક માર્ગીય જાહેર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ પુલના નવીનીકરણ માટે હજુ સુધી જાડી ચામડીના તંત્રનું ધ્યાન જતું નથી. જયારે મોરબી જેવી દુર્ઘટના પણ સરકારી તંત્રને ઢંઢોળી શકતી નથી તેનાથી મોટું દુઃખ વહનચાલકો માટે શું હોઈ શકે? અહીંથી પસાર થતાં વાહન ચાલકો જીવના જોખમે પુલ પરથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. તેમ છતાં તંત્રની બંધ આંખ ઉઘડતી નથી.
ગુજરાતમાં વધુ એક અકસ્માતને વણ જોઈતું નોતરુ
આ જાડી ચામડીના નિંભર તંત્ર ગુજરાતમાં વધુ એક અકસ્માતને વણ જોઈતું નોતરુ આપી શકે તેમ લાગી રહ્યું છે. પુલના નવીનીકરણનું કામ હાથ ધરવામાં નહીં આવે તો ફરી ગુજરાતના માથે કોઈ મોટા અકસ્માતનું કલંક લખાશે તે હકીકતને કોઈ નકારી શકે તેમ નથી. કારણ કે આ માત્ર શિંગોડા નદી પરના પુલની સમસ્યા જ નહી પરંતુ સોમનાથ નજીક હીરણ નદી પરનો પુલ પણ જર્જરિત છે, તો બીજી બાજુ ઉનામાં રાવલ નદી પરનો પુલ પણ અતિબિસ્માર સ્થતિમાં જોવા મળે છે. આ તમામ પુલો સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર આવેલા છે. આ પુલ પરથી રોડ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર