દિનેશ સોલંકી, ગીર સોમનાથ: સોમનાથથી કોડીનાર નવી કોમર્શિયલ રેલ લાઇન આકાર પામવા જઈ રહી છે. જેનો ફરી એક વખત અહીંના ખેડૂતો એ જોરદાર વિરોધ કર્યો છે. ગીર સોમનાથમાં આકાર પામવા જઈ રહેલી નવી રેલવે લાઈનમાં વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર ત્રણ તાલુકાના લગભગ 19 ગામોના 1100 જેટલા ખેડૂતોની હજારો એકર જમીનમાંથી રેલવે પસાર થવાની છે જેના કારણે જમીન સંપાદિત કરવામાં આવશે. જેમાં 400થી વધુ ખેડૂતો તો ખેડૂત ખાતેદાર જ મટી જશે અને અનેક ખેડૂતો જમીન વિહોણા પણ બનશે. જેના કારણે ખેડૂત અગ્રણી સાગર રબારીના અધ્યક્ષ સ્થાને આજે ગીરના અલગ અલગ ગામોના પ્રભાવિત ખેડૂતો સાથે બેઠક યોજાઇ હતી.
સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે ખેડૂતોની બેઠક મળી હતી અને ખેડૂત એકતા મંચના નેતા સાગર રબારી સહિત ઉપસ્થિત રહ્યા હતા. માત્ર ઔદ્યોગિક એકમોના ફાયદા માટે સેંકડો ખેડૂતોની ફળદ્રુપ જમીનનો ભોગ લેવાશે તેવો ખેડૂતોનો આક્રોશ છે. વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના સેંકડો ખેડૂતો અસરગ્રસ્ત છે. જોકે, આ છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. ખેડૂતો કોઈપણ કાળે જમીનમાંથી રેલવે પસાર થવા દેવા માંગતા નથી.
તો બીજી તરફ રેલવે બોર્ડ દ્વારા સમયાંતરે સર્વેની કામગીરી કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અહીંના ખેડૂતો એ જાન દેંગે પર જમીન નહીં દેંગેનો દ્રઢ સંલ્પ સાથે ખેડૂતો લડાયક મૂડમાં જોવા મળી રહ્યા છે. અહીંના ખેડૂતો દ્વારા નવી રેલવે લાઈનના બદલે હયાત મીટર ગેજ લાઈનને રૂપાંતરિત કરવા માંગી રહ્યા છે. ખેડૂતો કોઈ પણ ભોગે રેલવે લાઈન ન નાખવા દેવા મક્કમ જણાઈ રહ્યા છે.
છેલ્લા થોડા વર્ષથી સોમનાથથી કોડીનાર સુધીની કોમર્શિયલ રેલવે લાઇનનો વિરોધ થઈ રહ્યો છે.
તેવામાં ફરી એક વખત રેલવે દ્વારા સર્વે અને સંપાદનના કામમાં હલચલ જોવા મળતા ખેડૂતો દ્વારા અસર ગ્રસ્ત ગામડાઓમાં મિટિંગો શરૂ થઈ અને આવનારા દિવસોમાં આંદોલનની રણનીતિ ઘડવામાં આવી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર