Una News: ઉનામાં શાંતિ જળવાય તેવા પ્રયાસો બન્ને કોમના વડાઓની હાજરીમાં પોલીસ અને ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા હતા. આ સાથે શાંતિ યથાવત રહે તે માટે SRPની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. જોકે, સ્થિતિને કાબૂમાં લેવા માટેના પ્રયાસો વચ્ચે પત્થરમારાની ઘટના બનતા તાત્કાલિક પગલા પોલીસ દ્વારા ભરવામાં આવ્યા છે.
ઉનાઃ ગીર-સોમનાથના ઉનામાં ફરી માહોલ તંગ બન્યા બાદ લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં અલગ-અલગ વિસ્તારોમાં ટાળા આમને સામને થયા હતા. જોકે, પોલીસે ફરી એકવાર સ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવી લીધો હતો. ગામમાં બનેલી ભારેલા અગ્નિ જેવી સ્થિતિને કાબૂમાં રાખવા માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્તની સાથે SRPની ટીમોને પણ ઉતારવામાં આવી છે. રામનવમી પર કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ સ્થિતિ વણસી હતી. જેના વિરોધમાં શુક્રવારે વિરોધ નોંધાવવામાં આવવા માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે બન્ને કોમના વડાઓએ શાંતિ સ્થપાય તેવા પ્રયાસ કર્યા હતા.
ગીર સોમનાથના ઉનામાં બે અલગ-અલગ વિસ્તારમાં પત્થરમારાની ઘટના બની હતી. જેમાં કુંભારવાડા અને કોર્ટ વિસ્તારમાં પત્થરમારાની ઘટના બનતા ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે, પોલીસે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં લઈને બન્ને પક્ષોને શાંત પાડ્યા હતા. આ ઘટનાને પગલે શનિવારે દિવસભર ઉના શહેર બંધ રહ્યા બાદ શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી હતી.
બેઠક બાદ બન્ને કોમના આગેવાનોની સાથે ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થિતિને થાળે પાડી હતી. બેઠકમાં પણ શરુઆતમાં ગરમા-ગરમી રહ્યા બાદ બન્ને પક્ષો એકબીજાને ભેટીને શાંતિનો માહોલ બને તે માટેના પ્રયાસો કર્યા હતા પરંતુ સાંજે ફરી માહોલ તંગ બન્યો હતો.
આ પછી સ્થિતિ વણસે નહીં તે માટે ઉના શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે એસઆરપીની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. શનિવારે સ્થિતિ તંગ હોવાના કારણે શહેરમાં બંધની સ્થિતિ રહી હતી, જેના લીધે ધંધા-રોજગાર બંધ રહ્યા હતા. પત્થરમારાની ઘટના બનતા તાત્કાલિક બે અલગ-અલગ વિસ્તારમાં પોલીસે પહોંચીને સ્થિતિને વધુ વણસતી અટકાવી હતી. બેઠકમાં ગીર સોમનાથ ઈન્ચાર્જ એસપી શ્રીપાલ શૈષ્મા અને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં બન્ને કોમના વડા હાજર રહ્યા હતા, જેમાં તેમને શાંતિ સ્થપાય તેવા પ્રયાસો કરવા માટે અપીલ કરાઈ હતી અને અફવા પર ધ્યાન ના આપવા માટે જણાવવામાં આવ્યું હતું.
એસપી શ્રીપાલે વધુમાં જણાવ્યું કે, અમે નેતાઓને કહ્યું છે કે તે ફરિયાદ આપે તો અમે કાજલ હિન્દુસ્તાની સામે એફઆઈઆર દાખલ કરી કડક કાર્યવાહી કરીશું. મળતી વિગતો પ્રમાણે રામનવમીના દિવસે ઉના શહેર મા કાજલ હિન્દુસ્તાની દ્વારા કરાયેલા વિવાદાસ્પદ ભાષણ બાદ બીજા દિવસે ઉના શહેરમાં એક ચોક્કસ કોમના ટોળા એકઠા થયા હતા અને પોલીસે આખરે વિવાદાસ્પદ નિવેદન મામલે ફરિયાદ દાખલ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર