Home /News /gir-somnath /ગીરનાં ખેડૂતોને ભૂંડ, નીલગાય અને હવે દીપડાઓનો આતંકને કારણે આખી રાત કરવા પડે છે ઉજાગરા

ગીરનાં ખેડૂતોને ભૂંડ, નીલગાય અને હવે દીપડાઓનો આતંકને કારણે આખી રાત કરવા પડે છે ઉજાગરા

રાખી રાતના કરવા પડે છે ઉજાગરા

Gujarat farmers: દીપડો ચાલાક અને ભયાનક પ્રાણી છે. તે અચાનક જ મનુષ્ય પર હુમલો કરે છે. એકવાર માનવ લોહી ચાખી ગયા બાદ તે માનવ ભક્ષી બની જાય છે.

  દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીરના ખેડૂતો માથે નવી આફત આવી પડી છે. જંગલી ભૂંડ, નીલગાય અને હવે દીપડાઓ પણ આતંક મચાવી રહ્યા છે. વન્ય પ્રાણીઓ ખેડૂતોનાં પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે ખેડૂતોને પોતાના જીવના જોખમે પોતાના પાકનું રાતે રક્ષણ કરવું પડે છે.

  ગીરનાં ગામોમાં ગીર જંગલ માંથી ખેડૂતો માટે નવી આફત આવી છે. ગીરનું જંગલ એટલે કોઈ મનુષ્ય વન વિભાગની મંજૂરી વગર પ્રવેશ ન કરી શકે અને પ્રવેશ કરે તો પણ વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચે તેવું કૃત્ય કરે તો કાયદાકીય રીતે ગુનો લાગુ પડે છે. પરંતુ એ જ વન્ય પ્રાણીઓ માનવ વસ્તીમાં આવી માનવ જીવ અને ખેડૂતોનાં પાકને નુકશાન કરે તો? બસ આવું જ બની રહ્યું છે ગીરના ખેડૂતોની સાથે.

  ગીર સોમનાથ જિલ્લાનાં નાનાવાડા, કાજ, જંત્રાખડી, માલગામ અને બાવાનાં પીપળવા સહિતનાં અનેક ગામોમાં નીલગાય અને જંગલી ભૂંડનાં ત્રાસને કારણે ખેડૂતો પોતાના પાકનું રાત્રી રખોપુ ન કરે તો મહિનાઓથી મહેનત કરી તૈયાર કરેલો પાક વન્ય પ્રાણીઓ તહેસનહેસ કરી નાખે છે. ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રાણીઓની ખેડૂતોને દહેશતને કારણે રાત્રીના બદલે દિવસે વીજળી આપવાનું કર્યું છે. ખેડૂતો ખુશ પણ થયા પરંતુ તેમના ઉજાગરા ઓછાં ન થયા.

  આ પણ વાંચો:  ઠંડી અને કેરીને શું લેવાદેવા, જાણવા જેવું છે કારણ!

  જો ખેડૂતો રાત્રી ઉજાગરા ન કરે તો રોઝ, જંગલી ભૂંડ અને નીલગાય જેવા પ્રાણીઓ માત્ર એકજ રાત્રીમાં અનેક વિઘા ખેતરમાં ઉભેલો તેનો પાક તહસ નહસ કરી નાખે છે. તો રાત્રી દરમ્યાન દીપડાનો ભય પણ એટલો જ રહે છે. ગીર સોમનાથનાં ગીર બોર્ડર અને દરિયાઈ પટ્ટીનાં ગામોની ખેતીની જમીનમાં ઉભા પાકનો સોથ વાળતા વન્ય પ્રાણી નીલગાય, રોઝ અને ભૂંડને કારણે ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.

  રાખી રાતના કરવા પડે છે ઉજાગરા


  જેથી આ વિસ્તારના ખેડૂતોએ ના છૂટકે ભયના ઓથાર વચ્ચે રાત્રી દરમ્યાન પોતાના ખેતરનું રખોપુ કરવું પડે છે. ગીરનાં ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પશુઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભૂંડ અને નીલગાય ખેડૂતોનાં પાકોને તબાહ કરી રહ્યા છે. કોડીનારનાં નાનાવાડા ગામનાં ખેડૂતો જંગલી પશુઓથી ત્રાસીને જન પ્રતિનિધિ અને વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી પશુઓથી પાકને બચાવવા માંગ કરી ચુક્યા છે.

  આ પણ વાંચો: બે દિવસની ત્યજેલી બાળકીને 22 દિવસમાં સાજી કરી

  ગીર સોમનાથનાં ગ્રામ્ય વિસ્તારોનાં ખેડુતોને જંગલી પશુઓ બરબાદ કરી રહ્યા છે. સાથે દીપડાના ભયને કારણે સતત ચિંતિત પણ બન્યા છે. ઘણી વખત સિંહો પણ આ વિસ્તારમાં રાત્રી દરમ્યાન આવી ચડે છે. સિંહોને અહીંના ખેડૂતો પોતાનો મિત્ર ગણે છે.

  સિંહોને કારણે અન્ય વન્યપ્રાણીઓ ખેડૂતોના ખેતરથી દૂર રહે છે. મોટેભાગે સિંહો માનવી પર હુમલો કરતા નથી. પરંતુ ખેડૂતોના પાલતુ પશુઓને શિકાર બનાવે છે. પરંતુ દીપડો ચાલાક અને ભયાનક પ્રાણી છે. તે અચાનક જ મનુષ્ય પર હુમલો કરે છે. એકવાર માનવ લોહી ચાખી ગયા બાદ તે માનવ ભક્ષી બની જાય છે. દીપડો મોટેભાગે રાત્રી દરમ્યાન જ છુપાઈને હુમલો કરતો હોય રાત્રી રખોપુ કરતા ખેડૂતો પર સતત જીવનું જોખમ રહે છે.

  રાખી રાતના કરવા પડે છે ઉજાગરા


  છેલ્લા કેટલાક દિવસોમાં ગીર બોર્ડર પરના ગામોમાં દીપડાના હુમલા વધ્યા છે. કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે તો કેટલાકે પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. ખેડૂતો પોતાના ખેતર ફરતે વાયર ફેનસિંગ કરે તો તે ખૂબ મોંઘુ પડે.ગીરના મોટાભાગના ખેડૂતો સીમાંત છે. ખૂબ ટૂંકી જમીનધરાવે છે. 4 થી 5 વિઘા જમીનમાં ફેનસિંગ કરે તો લાખો રૂપિયાનો ખર્ચ થાય જે ખેડૂતોને પરવડે નહીં. ઓછા તારની ફેનસિંગ કરે તો નીલગાય,ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ આ તાર નીચેથી અથવા ઉપરથી કૂદીને ખેતરમાં રહેલા પાકને રગદોળી નાખે. 100 થી 150 વિઘા જમીનમાં વાયર ફેનસિંગ એક સાથે કરે તો સરકારના વન વિભાગ દ્વારા સબસીડી મળે. જે ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો માટે શક્ય નથી.  જો ખેડૂતો પોતાના ખેતર ફરતે ઝટકા મશીન ફિટ કરે અને સિંહ કે દીપડાનું કે પાછી અન્ય કોઈ વન્ય પ્રાણીનું મોત થાય તો ખેડૂતો માટે વળી નવી ઉપાધિ શરૂ થાય. વન વિભાગના કાયદા સંદર્ભે જેલમાં પણ જવું પડે! આ સંદર્ભે વન વિભાગ જાગે અને સરકાર દ્વારા વન વિભાગને સૂચના આપી ખેડૂતોની પીડા સમજી યોગ્ય કાર્યવાહી કરવા જણાવે. તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

  કોડીનારના નાનાવાડા, પીપળવા, કાજ, છારા અને ઘાટવડ સહિતના કેટલાક ગામના ખેડૂતોની હાલત તો દયનિય બની છે. આ ગામનાં ખેડૂતો તો એટલી હદે ત્રાહિમામ થયા કે કોડીનાર તાલુકાનાં બધા સરપંચને પણ વારંવાર લેખિત અને મૌખિક જાણ કરી છે. તો ધારાસભ્ય અને મામલતદારને પણ આવેદનો આપી ચૂક્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકાર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે જેથી અમારા પાકને બચાવી શકાય. વન્યપ્રાણીઓથી ખેડૂતોના પાકને નુકશાન થાય અને સહાય મળે તે સહાય પણ ન જોઈએ. બસ ખેડૂતોનેતો આ આતંક મચાવતા જંગલી ભૂંડ અને નીલ ગાય અને દીપડાથી કાયમી માટે છુટકારો જોઈએ છે. જેથી ખેડૂતોના રાત્રી ઉજાગરા બંધ થાય જેથી ખેડૂતો પોતાના ઘરે રાત્રી દરમ્યાન સુખરૂપ મીઠી નીંદર માણી શકે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: ખેડૂતો, ગીર સોમનાથ, ગુજરાત

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો