Home /News /gir-somnath /Gir: અહીં કેસર કેરીનાં આંબાઓમાં અત્યારથી જ મોર આવી ગ્યા! ખેડૂતો આશ્ચર્યચકિત

Gir: અહીં કેસર કેરીનાં આંબાઓમાં અત્યારથી જ મોર આવી ગ્યા! ખેડૂતો આશ્ચર્યચકિત

આ વર્ષે એક મહિનો વહેલો મોર આવ્યો

ગીરનાં તાલાલા પંથકમાં આંબે વહેલા મોર જોવા મળી રહ્યાં છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં મોર આવતા હોય છે. ગીરનાં કેટલાક વિસ્તારમાં મોર જોવા મળી રહ્યાં છે.

Bhavesh vala, Gir Somnath : ગીરના પ્રખ્યાત કેસર કેરીમાં ગત વર્ષે ઓછું ઉત્પાદન થયું હતું. પરંતુ ભાવ સારા મળ્યા હતા. ચાલુ વર્ષે ગીર પંથકનાં કેટલાક વિસ્તારમાં આંબે મોર ફૂટવા લાગ્યાં છે. વહેલા મોર ફૂટતા ખેડૂતોએ તેને વધાવી લીધા છે. ગીર પંથકમાં કેસર કેરીનું વાવેતર છે. ગીર સોમનાથ જિલ્લામાં બાગાયત પાક એવા આંબાવાડીનું વર્ષ 2021- 22 માં 13873 હેક્ટરમાં વાવેતર હતું. અહીંની કેસર કેરી પ્રસિદ્ધ છે. ત્યારે ગીર પંથકમાં આંબાવાડીમાં મોરના વધામણા જોવા મળી રહ્યાં છે. 2 થી 5 ટકા આંબાવાડીમાં મોર ફૂટ્યો છે. ખાસ કરીને આંબે 15 નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં મોર આવતો હોય છે. ત્યારે તાલાલાનાં આંકોલવાડી ગીરમાં ખેડૂતના આંબાવાડીમાં બે આંબે મોર ફૂટ્યો હતો. ગીર પંથકમાં આંબે વહેલો મોર ફૂટવાની શરૂઆત થતા ખેડૂતો તેને વધાવી રહ્યા છે. ખેડૂતોમાં વહેલો ફાલ આવવાની આશા છે. તાલાલા ગીર વિસ્તારમાં કેસર કેરીનું વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળે છે.

તાલાલા પંથકમાં નવેમ્બરમાં જ આંબે મોર આવ્યા

તાલાલાના આંકોલવાડી (ગીર) ગામે રહેતા ધાર્મિકભાઇ મકાણીએ જણાવ્યું હતું કે, સાડા બાર વીઘા જમીનમાં આંબાવાડી આવેલી છે. 230 જેટલા આંબા છે.પણ ચાલુ વર્ષે બેથી ત્રણ આંબે મોર ફૂટ્યો છે. દર વર્ષે ડિસેમ્બર માસના અંતમાં મોર આવવાની શરૂઆત થતી હોય છે. પરંતુ આ વર્ષે નવેમ્બર માસમાં મોર ફૂટ્યો છે. આ ઉપરાંત આંબાવાડીમાં કોર અત્યારે ફૂટ્યો છે. જો વાતાવરણ અનુકૂળ ન હોય તો આંબે આવેલ મોર ખરી જવાનો પ્રશ્ન રહે છે.બીજી તરફ વેરાવળના પંડવા ગામે રહેતા ભરતભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, ત્રણ વીઘા જમીનમાં આંબાનું વાવેતર કર્યું છે. પણ વર્ષો જૂના એક આંબામાં મોર આવ્યો છે. જેમાંથી કેટલાક મોર તો બળી ગયો છે. અત્યારે આંબામાં મોર જોવા મળી રહ્યો છે.



ભાદરવે કોર નથી આવ્યો તેમાં મોર આવ્યો છે

તાલાલા સેન્ટર ફોર એક્સીલેન્સ ઓફ મેંગોના બાગાયત અધિકારી અને વિષય નિષ્ણાંત વી.એચ. બારડે જણાવ્યું હતું કે,ભાદરવા માસમાં જે આંબે કોર નથી આવ્યો તેમા મોર આવ્યો છે. 15 નવેમ્બર પછી મોર આવતો હોય છે. પણ ચાલુ વર્ષે 1 નવેમ્બરથી મોર આવ્યો છે. 2 થી 5 ટકા વિસ્તારમાં જ વહેલો મોર આવ્યો છે. આંબાવાડીમાં જાન્યુઆરી માસમાં ખાખડી આવતી હોય છે. અને 25 એપ્રિલ પછી કેરીની આવક જોવા મળે છે. તાલાલા ગીર પંથકમાં આંબાવાડીમાં મોર જોવા મળતા ખેડૂતો વધામણા કરી રહ્યા છે. નવેમ્બર માસની શરૂઆતમાં જ આંબે મોર ફૂટ્યા છે. ગીર વિસ્તારને આંબાવાડીનું હબ ગણવામાં આવે છે.
First published:

Tags: Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો