Home /News /gandhinagar /પેપર લીક કરનારાઓએ અગાઉની પરીક્ષાઓમાં પણ હાથ કાળા કર્યા હોવાનો યુવરાજસિંહનો દાવો
પેપર લીક કરનારાઓએ અગાઉની પરીક્ષાઓમાં પણ હાથ કાળા કર્યા હોવાનો યુવરાજસિંહનો દાવો
પેપર લીક કેસમાં યુવરાજસિંહ જાડેજાના ગંભીર આક્ષેપ
Yuvrajsih Jadeja On Paper Leak: પેપર લીકની ઘટના અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને યુવા નેતા યુવરાજસિંહે વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહે આક્ષેપ કર્યા છે કે ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા આ એવા વ્યક્તિઓ છે કે જેમની અગાઉની પેપર ફૂટવાની ઘટનામાં સંડોવણી છે.
ગાંધીનગરઃ ગુજરાત પંચાયત સેવા પસંગદી મંડળની જુનિયર ક્લાર્કના પેપર ફૂટવા મામલે 16ની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ગુજરાતના 5 લોકોનો પણ સમાવેશ થાય છે. પેપર ફૂટવા મામલે આપના નેતા અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાય સામે અવાજ ઉઠાવનારા યુવરાસિંહ જાડેજાએ વધુ એક આક્ષેપ કર્યો છે. પકડાયેલા 16માંથી 3 શખ્સો અન્ય પરીક્ષાઓના પેપર ફૂટવાના કેસમાં પણ સંડોવણી ધરાવતા હોવાનું જણાવ્યું છે.
યુવરાજસિંહના ગંભીર આક્ષેપ
યુવરાજસિંહે ભાસ્કર ચૌધરી અને તેની ગેંગની સંડોવણી હોવાના આક્ષેપ કર્યા છે. યુવરાજસિંહે આક્ષેપ મૂક્યા છે કે, "ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા આ એવા વ્યક્તિઓ છે કે જેઓ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી JEE, NEET, સ્ટાફ સિલેક્શન, IBPS, જે ઓનલાઈન એક્ઝામ લેવાય છે તેના કૌભાંડમાં સીધી રીતે સંકળાયેલા છે."
યુવરાજ સિંહે ભાસ્કર, કેતન અને હાર્દિક સામે મોટા આક્ષેપ મૂકવાની સાથે એ પણ કહ્યું કે, આ લોકોની બીજી ગેંગ ફેક સર્ટિફિકેટ બનાવે છે, આ ગેંગ રાજસ્થાન, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશના નકલી સર્ટિફિકેટ બનાવે છે અને તેનો પરીક્ષાઓમાં ઉપયોગ કરે છે. આ લોકો નકલી સર્ટિફિકેટનો ધંધો ચલાવતા હતા. એક વર્ષ પહેલા અમે આ અંગે સ્ટીંગ પણ કર્યું હતું.
કેતન બારોટનો અવિનાશ પટેલ સાથે ઘરોબો છે આ અવિનાશ પટેલ ભૂતકાળમાં બનેલી પેપર લીકની ઘટનામાં સીધો સંકળાયેલો છે તેના આક્ષેપો કર્યા છે. આ સાથે એવા પણ આક્ષેપ કર્યા કે અવિનાશ પટેલના પત્ની અને બહેન સહિતના સગાઓની સંડોવણી હોવાના આક્ષેપ કર્યા છે.
જુનિયર ક્લાર્ક પેપર લીકની ઘટના
રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની 1181 જગ્યાઓ માટે ભરતી થવાની હતી જેના માટે રાજ્યના 9 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી અને તેમની પાછલા રવિવારે પરીક્ષા યોજાવાની હતી પરંતુ પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા પેપર ફૂટવાની ઘટના સામે આવતા ભરતી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ભરતી પરીક્ષા કૌભાંડમાં પેપર લીક કરનારા મુખ્ય આરોપી સહિત 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ વખતે પેપર ફોડવાના કેસમાં ગુજરાત બહારની ગેંગના તાર સંકળાયેલા હોવાનું બહાર આવતા જ ગુજરાત એટીએસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.