ગાંધીનગરઃ કોરોના મહામારીની ત્રીજી લહેર (Third wave of the Corona)ની આશંકાને લઇ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022 (Vibrant Gujarat Summit 2022)ને મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ હવે વધુ એક વખત વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022 ચર્ચામાં છે. 1 મહિના અગાઉ વાઈબ્રન્ટ સમિટ જોરશોરથી યોજવાની ગુજરાત સરકાર (Government of Gujarat) વાતો કરી રહી હતી. આ દરમિયાન ગાંધીનગર (Gandhinagar)માં તમામ પ્રકારની તૈયારીઓને ઓપ આપી દેવામાં આવ્યો પરંતુ ત્રીજી લહેરમાં કોરોનાના કેસ વધતા સમિટને રદ કરી દેવામાં આવી હતી.
હાલમાં રાજ્યમાં કોરોનાના દૈનિક 15,000થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે છતા હવે ફરીથી વાઈબ્રન્ટ સમિટને લઇ ચર્ચાનો દોર શરૂ થયો છે. સરકારી તંત્રમાં ફરી વાઈબ્રન્ટ સમિટનું યોજાવાની ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. જાન્યુઆરી મહિનામાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટ હવે ગુજરાતના સ્થાપના દિવસે યોજાઈ શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી 1 મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022નું આયોજન કરવામાં આવી શકે છે. જોકે, હજુ સુધી સરકાર દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.
રાજ્ય માં ફરી એક વાર વાયબ્રન્ટ ગુજરાત માટે કવાયત હાથ ધરાઈ છે ત્યારે 1 મેં ગુજરાત સ્થાપના દિવસથી વાયબ્રન્ટની શરૂઆત કરાવવા હાલ વિચારણા થઇ રહી છે, આ અંતર્ગત તમામ પાર્ટનર કન્ટ્રીને ફરી આમંત્રણ અપવામાં આવશે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, PM નરેન્દ્ર મોદી વાયબ્રન્ટને ખુલ્લું મુકશે.
જોકે વાયબ્રન્ટ પહેલા અન્ય રાજ્યોના રોડ શો યોજાશે નહીં. ત્યાં જ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ પર વાયબ્રન્ટ ગુજરાત યોજાશે. જો કે આ અંગે સરકારે કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરી નથી. વાયબ્રન્ટ ગુજરાતને લઇ અંતિમ નિર્ણય કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ કરાશે.
ઉલ્લેખનીય છે કે, ગત 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે છેલ્લે સુધી ગુજરાત સરકાર અને રાજકીય નેતાઓ મક્કમપણે નિવેદનો આપી રહ્યા હતા કે કોઇપણ ભોગે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ રદ્દ નહી કરવામાં આવે. પરંતુ રાજ્યમાં કોરોના મહામારીનો રાફડો ફાટતા રાજ્ય સરકારે અંતમાં સમિટને સ્થગિત કરી દીધી હતી. અત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ધીમે ધીમે ઘટી રહ્યા છે.