ગાંધીનગર: ગાંધીનગર શહેરના સેકટર-8માં ચર્ચની સામે બંગલાની બારીનો લોખંડનો સળીયો કાપી ઘરમાં પ્રવેશી ડ્રેસીંગ રૂમમાં રહેલી તિજોરીમાંથી રૂપિયા 8.70 લાખના સોનાના દાગીના તેમજ 72 હજારના ચાંદીના વાસણો અને રોકડા 1.50 લાખ રુપિયા મળી કુલ 10.91 લાખના મત્તાની ચોરી થતા સેકટરમાં ચકચાર મચીજવા પામી છે. નિવૃત જોઈન્ટ સેકેટરીના ઘરનું તાળું તૂટતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.
શહેરમાં ઘરફોડ ચોરી કરનારી ગેંગ સક્રિય
પોલીસે ગુનો નોંધી ચોર શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરમાં ઘરફોડ ચોરી કરનારી ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. તસ્કરો બિન્દાસ્ત બનીને વીઆઈપી સેકટર-8ના વધુ એક બંધ મકાનને નિશાન બનાવ્યુ હોવાનું સામે આવ્યું છે. જેમાં સેકટર-8 સી પ્લોટ નંબર- 844 ખાતે રહેતા જોય ઈનાશુ ચિનાત પત્ની રોસીલી સાથે રહે છે. જયારે તેઓ વર્ષ-2010માં દિલ્હી ખાતે અધિ અને જાહેર વિતરણ ખાતામાંથી જોઈન્ટ સેક્રેટરી તરીકે વય નિવૃત થયા છે. તેઓ બંન્ને જણા ગત ડિસેમ્બરમાં ઘરને લોક મારી બંગ્લોર ખાતે તેમના મકાનના રીનોવેશનના કામ માટે ગયા હતા.
બેંગ્લોર ખાતેમકાનના રીનોવેશનનુ કામ પુરુ થતા જ દંપતિ ગાંધીનગર આવી ગયા હતા. ત્યારે ઘરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરતા જ તમામ સામાન વેર વિખેર હાલતમાં હતો તે જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. ઘરમાં તપાસ કરતા જાણ થઈ કે, બેડરૂમની ખુણાની બારીનો લોખંડનો સળીયો કાપીને સ્ટોપર તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી રૂપિયા 5.30 લાખની કિંમતના બે સોનાના હાર, છોકરાઓને પહેરવાના સોનાના છડા નંગ-4, સોનાના સિક્કા નંગ-8, ચાંદીની ડીશો ત્રણ નંગ, ચાંદીની વાટકીઓ નંગ-10, ચાંદીની ચમચીઓ નંગ-6, તેમજ ચાંદીના ગ્લાસ અશરે 12 નંગ, તેમજ રૂપિયા 1.50 લાખની રોકડમળી કુલ 10.91 લાખની મત્તા ચોરી શખ્સો પલાયન થઈ ગયા છે. આ પણ વાંચો: સુરત શહેરમાં સાયબર ક્રાઈમના કેસમાં વધારો, ખાનગી કંપની સાથે થઈ છેતરપિંડી
આ મામલે પોલીસે તપાસ હાથ ધરી
ઉલ્લેખનીય છે કે, ચોરીની જાણ થતા સેકટર-7 પોલીસના જવાનો આવી પહોંચ્યા હતા. પોલીસે ડોગ સ્કવોડ અને ફિંગરપ્રિન્ટ એકસપર્ટની મદદ લઈ આસપાસના સીસીટીવી ફુટેજ પણ તપાસવાની કામગીરી હાથ ધરી છે. ગાંધીનગર સહિત રાજ્યમાં પણ ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. નોંધનીય છે કે, મળતી માહિતી પ્રમાણે શહેરમાં ઘરફોડ ચોરી કરનારી ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. જેથી પોલીસ પોતાની કાર્યવાહીમાં આગળ વધી રહી છે.