Home /News /gandhinagar /દહેગામમાં રખડતા ઢોરના હુમલા યથાવત, એક બાળક સહિત બે ઘાયલ

દહેગામમાં રખડતા ઢોરના હુમલા યથાવત, એક બાળક સહિત બે ઘાયલ

જાદુગર જોવા ગયેલા એક બાળક સહિત બે વ્યક્તિ ઘાયલ

રખડતાં ઢોરના ત્રાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો, થોડાક દિવસો અગાઉ એક મહિલાનું થયું હતું મોત

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: તાજેતરમાં જ દહેગામ શહેરમાં રખડતી ગાયના લીધે એક મહિલાએ જીવ ગુમાવ્યો હોવાનો મામલો સામે આવ્યો હતો. બે દિવસ પહેલા આવા અન્ય એક બનાવમાં રખડતી ગાયે એક એક્ટીવાચાલકને ગંભીર રીતે ઘાયલ કરતાં ચકચાર મચી છે. આ હુમલાની ઘટનાઓ હજુ ચાલુ રહેતા નગરવાસીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, તેવા સમયે ગત રાત્રે મોડાસા રોડ પર સરસ્વતી સોસાયટી પાસે જાદુગર જોવા ગયેલા એક બાળક સહિત બે વ્યક્તિ ઘાયલ થયા હતા.

એક બાળક સહિત બે વ્યક્તિઓ ઘાયલ

મળતી માહિતી અનુસાર, દહેગામ શહેરમાંથી પસાર થતા મોડાસા રોડ પર આવેલી સરસ્વતી સોસાયટી પાસે રખડતા ઢોરના હુમલાથી એક બાળક સહિત બે વ્યક્તિઓ ઘાયલ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ બંને ગ્રાઉન્ડમાં સર્કસ આવેલું હોવાથી ત્યાં જવા નીકળ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. હુમલા બાદ બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે બંનેને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી, ત્યાર બાદ આ મામલે જાગૃત નાગરિકોએ હુમલા અંગેની જાણ કરવા દહેગામ ચીફ ઓફિસર, મામલતદાર અને જિલ્લા કલેકટર સહિતને ફોન કર્યા હતા, પરંતુ રાત્રી દરમિયાન કોઈએ ફોન રિસીવ કર્યા ન હતા. આખરે સ્થાનિક અધિકારીઓ ફોન રિસીવ ન કરતા આ મામલાની જાણ અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલની કરવામાં આવી હતી. બીજી તરફ હુમલાનો ભોગ બનેલાના પરિવારજનો દ્વારા આ અંગે દહેગામ પોલીસ અને જવાબદાર અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.


આ પણ વાંચો: આઈસ્ક્રીમ પાર્લરમાં કામ કરનારાને યુવતીએ ચખાડ્યો મેથીપાક!

આ મામલે કરાઇ રજૂઆત

ગાંધીનગર તાલુકાના દહેગામ પોલીસ મથકમાં એક જાગૃત નાગરિકે જિલ્લા કલેકટર ગાંધીનગર, દહેગામ મામલતદાર, દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર, દહેગામ નગરપાલિકાના અધિકારી, રખડતા ઢોરના માલિક સામે ફરિયાદ નોંધાવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે દહેગામ પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત પણ કરી છે. દહેગામમાં રખડતા ઢોરોના વધી રહેલા ત્રાસ મામલે સંબંધિત અધિકારીઓ બેદરકારી દાખવતા હોવાનું જણાવીને તમામ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરવામાં આવી છે. જો પોલીસ ફરિયાદ દાખલ નહીં કરે તો કોર્ટ દ્વારા ફરિયાદ દાખલ કરાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Stray Cattle