મોડા સુધી ઓફિસ ચાલુ રાખી ગેરકાયદેસર નાણાંની ઉઘરાણી કરી ભ્રષ્ટાચાર કરતા હોવાની હકીકત સામે આવી છે.
નાણાં બાબતે બંને શકમંદ અધિકારીઓને પૂછતાં તેઓ દ્વારા કોઈ સંતોષકારક ખુલાસો કરી શકેલ ન હોય, એસીબી દ્વારા હાલ જાણવા જોગ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગાંધીનગર: એસીબી (ACB) એ ગાંધીનગરમાં સરપ્રાઈઝ સર્ચ ચેકિંગ હાથ ધર્યું હતું અને જેમાં રોકડ રકમ મળી આવી છે. એસીબીને શકમંદ તરીકે વિસ્મય દિલીપભાઈ પટેલ, સબ રજીસ્ટ્રાર, ગાંધીનગર (2) ઘનશ્યામસિંહ ભીખુસિંહ ચાવડા, સબ રજીસ્ટ્રાર, ગાંધીનગર (Gandhinagar)નું નામ જાહેર કર્યું છે.
એસીબી દ્વારા તારીખ 06-08-2022 ના રોજ સર્ચ કરવામાં આવ્યું હતું અને સર્ચ દરમ્યાન રૂ.1,07,600 મળી આવ્યા છે. આ સર્ચ સબ રજીસ્ટ્રારની કચેરી, કલેક્ટર કચેરી પાછળ, ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું.
વિગતવાર વાત કરીએ તો એસીબીને બાતમી મળી હતી કે ગાંધીનગર સબ રજીસ્ટર કચેરી ખાતે આવતા નાગરિકોને દસ્તાવેજોની નોંધણી કરવા સબ રજીસ્ટ્રાર તથા ફરજ પરના અધિકારીઓ/કર્મચારીઓ દસ્તાવેજની નોંધણી કરવા પૂરતા કાગળો હોવા છતાં, દસ્તાવેજી કાગળો અધૂરા અથવા સહી સિક્કા બરાબર નહીં હોવાના બહાના કાઢી સરકાર દ્વારા નોંધણી કરવા સારું નિયત કરેલ ફી સિવાય અવેજ પેટે ગેરકાયદેસર વધારાના નાણાંની માંગણી કરતા હોય છે અને આવા વધારાના નાણાંના આપે તો યેનકેન પ્રકારે હેરાન કરી દસ્તાવેજો ના કરી આપી, ધક્કા ખવડાવતા હોવાની, તેમજ મોડા સુધી ઓફિસ ચાલુ રાખી ગેરકાયદેસર નાણાંની ઉઘરાણી કરી ભ્રષ્ટાચાર કરતા હોવાની હકીકત મળેલ.
ગેરકાયદેસર નાણાંની ઉઘરાણી કરી ભ્રષ્ટાચાર કરતા હોવાની જાણકારી મળતા જ તેઓની જડતી કરવામાં આવે તો ભ્રષ્ટાચાર દ્વારા મેળવેલ મોટી રકમ મળી આવે તેમ હોય, એસીબી દ્વારા બે સરકારી પંચો સાથે હકીકતની ખરાઈ કરવા સરપ્રાઈઝ સર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સર્ચ દરમિયાન શંકાસ્પદ (1) વિસ્મય દિલીપભાઈ પટેલ, સબ રજીસ્ટ્રાર, ગાંધીનગરનાઓ પાસેથી રૂ.73,100/- રોકડ રકમ તથા (2) ઘનશ્યામસિંહ ભીખુસિંહ ચાવડા, સબ રજીસ્ટ્રાર, ગાંધીનગર પાસેથી રોકડ રકમ રૂ.14,500/- તથા અન્ય એક સબ રજીસ્ટ્રારશ્રીની ચેમ્બરના ટેબલના ખાનામાંથી રોકડ રકમ રૂ.20,000/- બિનવારસી મળી આવેલ. આમ સર્ચ દરમિયાન રોકડ રકમ કુલ રૂ.1,07,600/- મળી આવેલ. જે નાણાં બાબતે બંને શકમંદ અધિકારીઓને પૂછતાં તેઓ દ્વારા કોઈ સંતોષકારક ખુલાસો કરી શકેલ ન હોય, એસીબી દ્વારા હાલ જાણવા જોગ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.