Home /News /gandhinagar /મુખ્યસચિવ પદે રાજકુમાર અને પોલીસ વડા માટે કરવલનાં નામની ચર્ચા મોખરે
મુખ્યસચિવ પદે રાજકુમાર અને પોલીસ વડા માટે કરવલનાં નામની ચર્ચા મોખરે
ડીજીપી આશિષ ભાટિયાની ફાઇલ તસવીર
Gandhinagar news: બજેટ સત્ર શરૂ થવાનું છે જેના કારણે હાલ મોટા ફેરફારો થવાના કોઇ અણસાર નથી. બન્ને સર્વોચ્ચ પદ માટે ચાર નામોની પેનલ પર કેબિનેટમાં ચર્ચા થશે.
ગાંધીનગર: ગુજરાતના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફારો તોળાઇ રહ્યાં છે. ખાસ કરીને રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા જાન્યુઆરી 2023માં નિવૃત્ત થઇ રહ્યાં છે ત્યારે મહત્વની આ બે જગ્યાએ કોને મૂકવા તેની ચર્ચા શરૂ થઇ છે.
સચિવાલયના સૂત્રોનું માનીએ તો આજે બુધવારે મળી રહેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના પોલીસ વડા અને રાજ્યના વહીવટી વડા માટે ચાર નામોની પેનલ અંગે ચર્ચા થઇ શકે છે. ત્યારબાદ આ પેનલ દિલ્હી મોકલવામાં આવશે. વહીવટી અને પોલીસના વડા તરીકે હાલના બન્ને ઓફિસરોને વધુ એક્સટેન્શન આપવાની શક્યતા નહિવત બની છે.
ત્યારે સચિવાલયમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે ચીફ સેક્રેટરી તરીકે ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમારનું નામ પ્રથમ હરોળમાં છે. જ્યારે રાજ્યના ડીજીપી તરીકે અતુલ કરવલની શક્યતા જોવામાં આવે છે. જોકે, પેનલમાં ચીફ સેક્રેટરી માટે રાજકુમાર ઉપરાંત એસ અપર્ણા, વિપુલ મિત્રા અને મુકેશ પુરી હોવાની સંભાવના છે. જ્યારે રાજ્યના પોલીસ વડા તરીકે અતુલ કરવલ સાથે સંજય શ્રીવાસ્તવ, વિવેક શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અનિલ પ્રથમના નામો ચર્ચાઇ રહ્યાં છે.
આ પેનલને મંજૂરી આપી કેન્દ્રમાં મોકલવાની પ્રોસિજર આજની કેબિનેટમાં પૂરી કરાશે. ચર્ચા પ્રમાણે રાજકુમાર ચીફ સેક્રેટરી બનશે તો તેમના બન્ને વિભાગો ગૃહ અને ઉદ્યોગ ખાલી પડશે. જ્યારે પંચાયત વિભાગના અધિક મુખ્યસચિવ વિપુલ મિત્રાને સચિવાલયની બહાર કોઇ જાહેર સાહસમાં ખસેડવામાં આવે તો તેમના હસ્તકના પંચાયત વિભાગની જગ્યા પણ ખાલી પડશે. સરકારમાં ગુજરાત મેટીટાઇમ બોર્ડ, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ અને અન્ય જાહેર સાહસોમાં પણ અત્યારે વધારાના હવાલા છે.
બીજીતરફ રાજ્યના પોલીસ વડા તરીકે આઇપીએસ અધિકારી અતુલ કરવલનું નામ મોખરે છે. હાલ તેઓ એનડીઆરએફના ડીજી તરીકે કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર છે. રાજ્યમાં ફેબ્રુઆરીના મધ્યમાં વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાનું છે અને હાલ તમામ વિભાગના અધિકારીઓ બજેટની કામગીરીમાં વ્યસ્ત છે. તેથી વિભાગીય બદલીઓ થવાની શક્યતા નહીંવત જણાય છે. કેમ કે, બજેટ સત્ર પહેલાં વહીવટી બદલીઓ કરવામાં આવે તો બજેટની કામગીરી પર અસર પડે તેમ છે.