90 જેટલા બોર્ડ નિગમોમાં પોલિટીકલ નિમણૂકો હોળાષ્ટક પૂરા થયા બાદ નક્કી
બોર્ડ નિગમોનું ગાજર ગત વિધાનસભા ચૂંટણી પહેલાનું ભાજપના કાર્યકર્તાઓ સામે લટકેલું છે, પરંતુ આખરે હવે તે અપાશે તેમ ટોચના સૂત્રો કહી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો, હોળાષ્ટકની પૂર્ણાહુતિ બાદ અંદાજે 90 જેટલા બોર્ડ અને નિગમોમાં પોલિટીકલ નિમણૂકો અપાશે. આ નિમણૂકોમાં પાર્ટીને ઉપયોગીતા, ચૂંટણી દરમિયાન કરેલ મહેનત અને પાર્ટી માટે પાછલા દસકા દરમિયાનનું યોગદાન એ મુખ્ય મુદ્દો રહેશે. જ્યારે યુવાઓને પ્રાધાન્ય અપાશે.
અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનમાં દેખાઇ રહ્યું છે એટલું બધું જ રુપાળું નથી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલિટીકલ લોબી ભૂપેન્દ્ર પટેલના સીએમ બનવાથી અતિ ખુશ હતી, પરંતુ તેમની આ ખુશી અને ઉત્સાહ હાલ ઓસરી ગયેલો જણાય છે. એનું કારણ છે એએમસીના ફાળે આવતું બજેટ. સૌને આશા હતી કે, જે શહેરના સીએમ હોય એ શહેરના કોર્પોરેશનને વિકાસ માટે સ્વાભાવિક રુપે જ વધુ રકમ મળતી હોય છે. તેમ અમદાવાદને પણ મોટી રકમ ગ્રાન્ટ સ્વરુપે મળશે પરંતુ એ આશા ઠગારી નીવડી છે. નેતાઓને અપેક્ષા હતી તેમ નિયત ગ્રાન્ટ સિવાય વધારાની કોઇ ગ્રાન્ટ અમદાવાદના ફાળે આવી નથી.
કોર્પોરેશનની આવક અને એને મળતી ગ્રાન્ટ સામે વિકાસના કાર્યો અને ખર્ચ વધુ છે. જેને લઇને બે છેડા ભેગા કરવાની કસરત કરવી પડે છે. જો વધારાનું ડેવલપમેન્ટ કરવું હોય તો વધુ નાણાંની જરુરિયાત છે, પરંતુ વધારાની વાત તો બાજુ પર રહી સામાન્ય ગ્રાન્ટ માટે પણ ખાવા પડતા ગાંધીનગરના ધક્કાઓથી નેતાઓ પરેશાન છે. અંદરો અંદર ખૂબ ગણગણાટ છે, પણ સીએમની ગુડ બુકમાંથી નામ નિકળી જવાના ભયે કોઇ ખુલીને બહાર આવતુ નથી. સૌ કોઇ ઇચ્છે છે કે આ વાત સીએમ સુધી પહોંચે, પણ એ વાત સીએમને કરવાની કોઇની હિમ્મત નથી.
બજેટ દરમિયાન ટુરીઝમને અલગ વિભાગ તરીકે જાહેર કરવાની ઘોષણા કેમ ના થઇ ?
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ટુરીઝમ ડિપાર્ટમેન્ટને અલગ ડિપાર્ટમેન્ટ જાહેર કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ ખૂબ જ મોટો નિર્ણય એટલા માટે છે કે, આ જાહેરાત સાથે જ આ વિભાગના એસીએસ, પ્રિન્સિપલ સેક્રેટરીથી લઇને વિભાગના અન્ય સ્ટાફની મોટા પાયે નિમણૂકો થશે. તેની મોટાપાયે જાહેરાતો બહાર પડશે. આ વિભાગને અત્યાર સુધી ઉદ્યોગ વિભાગના નેજા હેઠળ બજેટ જોગવાઇમાં સ્થાન મળતું આવ્યું છે. પરંતુ સ્વતંત્ર વિભાગ થવાથી આ વિભાગને સ્વતંત્ર મોટું બજેટ મળશે અને ગુજરાતનું ટુરીઝમ અકલ્પનીય ઉડાન ભરશે.
આટલા મોટા નિર્ણયની જાહેરાત ગુજરાત બજેટની જાહેરાત દરમ્યાન જ થવાની પ્રબળ સંભાવના હતી અને થવી જોઇતી પણ હતી. પરંતુ સૂત્રોનું માનીએ તો, આ નિર્ણયની ફાઇલ ટેબલોની આંટીઘૂંટીઓમાં અટવાતા સીએમ પાસે મોડી પહોંચી છે. હજુ ફાઇનલ સાઇનમાં પેન્ડીંગ રહી છે. જેને લઇને આ જાહેરાત હવે વિલંબમાં પડી છે.
આટલા વર્ષોમાં ના જોવાયો હોય તેવો ડ્રાસ્ટીક ચેન્જ
ભૂપેન્દ્ર સરકારના નવા મંત્રીમંડળે ડિસેમ્બર મહિનામાં જ શપથ ગ્રહણ કરી લીધા છે અને છેલ્લા અઢી મહિના દરમિયાન સરકાર સેટલ થઇ ચૂકી છે, ત્યારે સ્વાભાવિકપણે જ સ્વર્ણિમ સંકુલમાં મુલાકાતીઓ અને કામ અર્થે આવનારા લોકોની સંખ્યા વધવી જોઇએ. પરંતુ એના બદલે આગલી સરકારોની સરખામણીએ સામાન્ય પ્રજાજનોના પ્રવાહમાં ડ્રાસ્ટીક ચેન્જ જોવાઇ રહ્યો છે. સ્વર્ણિમ સંકુલ-1 કે જયાં કેબિનેટ પ્રધાનો અને સીએમ પટેલ પોતે બેસે છે, ત્યાં સૌથી વધુ ધરખમ ઘટાડો જોવાયો છે. એની સરખામણીએ સ્વર્ણિમ સંકુલ-2 કે જયાં રાજ્ય કક્ષાનાં મિનિસ્ટરો બેસેછે, ત્યાં હજુ ઠીક-ઠીક ભીડ જોવા મળેછે. રાતોરાત થયેલા આ ઘટાડાનું કારણ તો કળી શકાયું નથી, પણ સચિવાલયમાં એ ચર્ચાનો વિષય જરુર બન્યો છે.
વ્યાજખોરીના ચુંગલમાં ગુજરાત ગ્રામ ઉદ્યોગ અને બજાર નિગમના ડેપ્યુટી મેનેજર ફસાયા
ગાંધીનગરના ઉદ્યોગ ભવન ખાતે આવેલા ગુજરાત ગ્રામ ઉદ્યોગ અને બજાર નિગમના ડેપ્યુટી મેનેજરે સેક્ટર-21 ખાતે વ્યાજખોર વિરુધ્ધ ફરિયાદ નોંધાવવી પડી છે. હર્ષદ સોની નામના આ અધિકારીની ભૂલ એ થઇ કે તેમણે દોઢ વર્ષ માટે ઉછીના લીધેલા દોઢ લાખ રુપિયાની સામે બે કોરા ચેક લખી આપ્યા હતા અને મહિને પાંચ ટકા વ્યાજ વસૂલવા છતાં વ્યાજખોર તેમને મોટી રકમ લખીને ચેક અધિકારીના સેલેરી એકાઉન્ટવાળી બેંકમાં ભરી દેવાની ધમકી આપતો હતો. ખરેખર આ નાંણા વ્યાજે નહોતા લેવાયા પણ થોડો સમય માટે ઉછીના લીધેલા હતા. છતાંય નાણાંનું અનેક ગણું વ્યાજ વસુલ્યા પછી પણ નાણાં આપનાર શખ્સ સતત આ અધિકારીને દબાણમાં રાખતો હતો. જેને લઇને ડેપ્યુટી મેનેજરે કંટાળીને ફરીયાદ લખાવવી પડી છે.
ઇન્ચાર્જ ડીજીપી એક નવો નિર્ણય લે તેવી સંભાવના
પોલીસ દંપતી મોટાભાગે અલગ-અલગ જ્યાં પોસ્ટીંગ મળે તે જગ્યાએ નોકરી કરતા જોવા મળે છે. જેને લઇને તેમના બાળકો, ફેમિલી, ભવિષ્યના આયોજનો ટલ્લે ચડતા હોય છે. આવું ના બને અને પતિ-પત્ની પોલીસ ખાતામાં હોય તો એક સાથે રહીને નોકરી, પરિવાર, બાળકોને સાચવી શકે તે માટે ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાય મોટો નિર્ણય લે તેવી સંભાવના છે. સૂત્રોનું માનીએ તો, પતિ-પત્ની બન્ને પોલીસ ખાતામાં હોય તો બન્નેને એક જ જિલ્લામાં પોસ્ટીંગ આપવાની દિશામાં વિકાસ સહાય મોટા નિર્ણયની જાહેરાત કરશે તેમ સૂત્રો કહી રહ્યા છે.